ટ્રમ્પની મોટી જીત: કારણ આપ્યા વિના પણ એજન્સીઓના વડાઓને હટાવી શકશે રાષ્ટ્રપતિ, સુપ્રીમ કોર્ટે ઉલટાવ્યો ૯૧ વર્ષ જૂનો ચુકાદો
યુનાઇટેડ સ્ટેટ્સની સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને દૂરગામી અસરો ધરાવતા ચુકાદામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વહીવટી સત્તાઓનો વ્યાપક વિસ્તાર કર્યો છે. સર્વોચ્ચ અદાલતે ફેડરલ એજન્સીઓના વડાઓને તેમની મરજી મુજબ પદ પરથી બરતરફ કરવાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિર્ણયને કાનૂની મંજૂરી આપી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે દેશના વડા તરીકે રાષ્ટ્રપતિ કોઈપણ સમયે, કોઈપણ નક્કર કે માન્ય કારણ આપ્યા વિના, સ્વાયત્ત સરકારી એજન્સીઓના વડાઓને હટાવી શકે છે. જોકે, આ આદેશમાંથી અમેરિકાની સેન્ટ્રલ બેંક એટલે કે ‘ફેડરલ રિઝર્વ’ ને મુક્તિ આપવામાં આવી છે. તેનો અર્થ એ થાય છે કે રાષ્ટ્રપતિ ઇચ્છે તો પણ ફેડરલ રિઝર્વના વડાને તેમની મરજીથી તાત્કાલિક અસરથી દૂર કરી શકશે નહીં.
૯૧ વર્ષ જૂનો ઐતિહાસિક નિર્ણય ઉલટાવવામાં આવ્યો
અમેરિકાના કાનૂની ઇતિહાસમાં આ એક બહુ મોટો વળાંક છે. સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપીને પોતાના જ ૯૧ વર્ષ જૂના એક ચુકાદાને ઉલટાવી દીધો છે. વર્ષો જૂના કાયદા મુજબ, વહીવટી સંસ્થાઓ રાજકીય દબાણ કે રાષ્ટ્રપતિના વ્યક્તિગત પૂર્વગ્રહ વિના સ્વતંત્ર રીતે કામ કરી શકે તે માટે રાષ્ટ્રપતિની સત્તાઓ મર્યાદિત કરવામાં આવી હતી અને કોઈપણ અધિકારીને હટાવવા માટે યોગ્ય કારણ આપવું અનિવાર્ય હતું. સુપ્રીમ કોર્ટની નવ ન્યાયાધીશોની બેન્ચે ૬-૩ ની બહુમતીથી આ નવો ચુકાદો આપ્યો છે, જેમાં છ રૂઢિચુસ્ત (કન્ઝર્વેટિવ) ન્યાયાધીશોએ ટ્રમ્પના પક્ષમાં મતો આપ્યા હતા. ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સે બહુમતીનો ચુકાદો વાંચતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિને સરકારી અધિકારીઓ દૂર કરતા અટકાવતી કાનૂની જોગવાઈઓ વાસ્તવમાં અમેરિકી બંધારણમાં સમાવિષ્ટ ‘સત્તાઓના વિભાજન’ (Separation of Powers) ના સિદ્ધાંતની વિરુદ્ધ છે.

ફેડરલ રિઝર્વ ગવર્નર લિસા કૂકની કાનૂની લડાઈ
આ ચુકાદાની સાથે કોર્ટે ફેડરલ રિઝર્વના ગવર્નર લિસા કૂકના કેસમાં પણ મહત્વનો આદેશ આપ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રે કૂક પર મોર્ટગેજ છેતરપિંડીનો આરોપ લગાવીને તેમને પદ પરથી હટાવવાનો પ્રયાસ કર્યો હતો, જે આરોપોને લિસા કૂકે સદંતર નકારી કાઢ્યા હતા. આ મામલામાં કોર્ટે ૫-૪ ના પાતળા મતાધિકારથી ટ્રમ્પ વહીવટીતંત્રના તાત્કાલિક બરતરફીના પ્રસ્તાવને ફગાવી દીધો છે. ચીફ જસ્ટિસ રોબર્ટ્સ, જસ્ટિસ બ્રેટ કેવનો અને ત્રણ ઉદારવાદી ન્યાયાધીશોએ કૂકની તરફેણ કરી હતી. અદાલતે જણાવ્યું કે, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડન દ્વારા નોમિનેટ કરાયેલા લિસા કૂક, ઓછામાં ઓછું જ્યાં સુધી તેમની બરતરફીને પડકારતી કાનૂની પ્રક્રિયા ચાલુ છે ત્યાં સુધી પોતાના પદ પર યથાવત રહી શકશે.
કઈ કઈ સંસ્થાઓ પર હવે ટ્રમ્પનું સીધું નિયંત્રણ રહેશે?
અદાલતનો આ નવો આદેશ ફેડરલ ટ્રેડ કમિશનના ભૂતપૂર્વ સભ્ય રેબેકા સ્લોટરના કેસ સાથે જોડાયેલો હતો, જેમને ટ્રમ્પે કોઈ પણ કારણ વિના હોદ્દા પરથી દૂર કર્યા હતા. હવે સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિની સત્તા બહાલ રાખતા, આ નવો નિયમ નેશનલ લેબર રિલેશન્સ બોર્ડ, મેરિટ સિસ્ટમ્સ પ્રોટેક્શન બોર્ડ અને કન્ઝ્યુમર પ્રોડક્ટ સેફ્ટી કમિશન સહિતની તમામ મહત્વની નિયમનકારી સંસ્થાઓને લાગુ પડશે, જ્યાં અગાઉ ટ્રમ્પે બોર્ડના સભ્યોને હટાવ્યા હતા. અમેરિકાના ઇતિહાસમાં ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા કોઈપણ રાષ્ટ્રપતિએ પરમાણુ ઉર્જા, ગ્રાહક સુરક્ષા અને શ્રમ સંબંધો જેવી વ્યાપક સરકારી સંસ્થાઓ પર આ પ્રકારે સંપૂર્ણ વર્ચસ્વ સ્થાપવાનો પ્રયાસ કર્યો નથી.

સુપ્રીમ કોર્ટની અંદર જ ઉઠ્યા વિરોધના સૂર
આ ચુકાદા સામે કોર્ટની અંદરથી જ ભારે વિરોધ જોવા મળ્યો છે. અસંમતિ વ્યક્ત કરનારા ન્યાયાધીશ સોનિયા સોટોમાયોરે ગંભીર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, આ નિર્ણય અમેરિકન વ્યવસ્થાને અસ્થિરતા અને દમન તરફ ધકેલી શકે છે. તેમણે આકરા શબ્દોમાં ઉમેર્યું કે, “ચોક્કસપણે, રાષ્ટ્રપતિ પહેલા કરતાં વધુ અમર્યાદિત શક્તિ સાથે ઉભરી આવ્યા છે. પરંતુ આ શક્તિ તેમને અમેરિકાના લોકોએ કે બંધારણે નથી આપી, આ શક્તિ આ કોર્ટના છ ન્યાયાધીશો દ્વારા પીરસવામાં આવી છે.” બીજી તરફ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ નિર્ણયને આવકાર્યો છે અને તેને અમેરિકાના ઇતિહાસનો સૌથી મોટો અને પ્રમુખ સત્તાઓને મજબૂત કરનારો ઐતિહાસિક ચુકાદો ગણાવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આ નવી શક્તિઓનો ઉપયોગ ટ્રમ્પ આગામી દિવસોમાં કઈ રીતે કરે છે.