‘પરીક્ષા પે ચર્ચા’ એ ફરી ઇતિહાસ રચ્યો, સતત બીજા વર્ષે ગિનીઝ રેકોર્ડમાં નામ નોંધાયું, 6 ફેબ્રુઆરીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે PM મોદી
દેશભરના વિદ્યાર્થીઓ વચ્ચે લોકપ્રિય કાર્યક્રમ ‘પરીક્ષા પે ચર્ચા’ એ ફરી એકવાર વૈશ્વિક ઓળખ બનાવી છે. આ વર્ષે પણ આ કાર્યક્રમે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું સ્થાન પાકું કરી લીધું છે. ખાસ વાત એ છે કે આ સિદ્ધિ સતત બીજા વર્ષે હાંસલ કરવામાં આવી છે. શિક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, PPC 2026 માં અત્યાર સુધીમાં 3.70 કરોડથી વધુ નોંધણી (રજીસ્ટ્રેશન) થઈ ચૂકી છે, જે પોતે એક નવો રેકોર્ડ છે.
આ કાર્યક્રમનું આયોજન 6 ફેબ્રુઆરી 2026 ના રોજ કરવામાં આવશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે સીધો સંવાદ કરશે.
પરીક્ષાને તણાવ નહીં, ઉત્સવ બનાવવાની પહેલ
‘પરીક્ષા પે ચર્ચા’ ની શરૂઆત વર્ષ 2018 માં પરીક્ષાના ડર અને તણાવને ઓછો કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી. ત્યારથી આ પહેલ દર વર્ષે નવા આયામો સર કરી રહી છે. કાર્યક્રમનો મુખ્ય ફોકસ વિદ્યાર્થીઓમાં સકારાત્મક વિચારસરણી કેળવવી, આત્મવિશ્વાસ વધારવો અને પરીક્ષાને જીવનના પડકારને બદલે શીખવાની પ્રક્રિયા તરીકે જોવાની પ્રેરણા આપવાનો છે.
PM મોદી આ મંચ દ્વારા વિદ્યાર્થીઓ સાથે ખુલીને વાતચીત કરે છે અને પરીક્ષાની ચિંતા, સમય વ્યવસ્થાપન (Time Management), માનસિક સ્વાસ્થ્ય અને જીવન કૌશલ્ય પર પોતાના અનુભવો શેર કરે છે.
બોર્ડની પરીક્ષાઓ પહેલા ‘સક્સેસ મંત્ર’
બોર્ડની પરીક્ષાઓ પહેલા યોજાતો આ સંવાદ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ વર્ષે પણ શિક્ષણ મંત્રાલયે અનેક પ્રેરણાદાયી વીડિયો જાહેર કર્યા છે, જે દર્શાવે છે કે ‘પરીક્ષા પે ચર્ચા’ કેવી રીતે વિદ્યાર્થીઓને માનસિક રીતે મજબૂત બનાવે છે. વડાપ્રધાને પણ વિદ્યાર્થીઓ અને વાલીઓને અપીલ કરી છે કે તેઓ 6 ફેબ્રુઆરીએ આ વિશેષ કાર્યક્રમ સાથે જોડાય.
શિક્ષણ મંત્રીનું આહ્વાન
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે આ વખતે ‘પરીક્ષા પે ચર્ચા’ એક નવા અને અનોખા સ્વરૂપમાં સામે આવી રહી છે. તેમણે વિદ્યાર્થીઓને “એક્ઝામ વોરિયર્સ” ગણાવતા કહ્યું કે આ કાર્યક્રમ પરીક્ષાના ડરને દૂર કરવા અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનું મંચ છે.
દેશભરના વિદ્યાર્થીઓ સાથે જોડાણ
આ વર્ષે વડાપ્રધાને દેશના વિવિધ ભાગો—દેવમોગરા, કોઈમ્બતુર, રાયપુર, ગુવાહાટી અને દિલ્હી સ્થિત 7 લોક કલ્યાણ માર્ગ—પર વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. તાજેતરમાં જાહેર થયેલા એક વીડિયોમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, અસમ અને દક્ષિણ ભારતના વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષામાં વિચારો વ્યક્ત કરતા જોવા મળ્યા હતા, જે ભારતની વિવિધતા અને સામૂહિક ભાવનાનું પ્રતીક છે.

