E20 પેટ્રોલથી તમારી ગાડીનું એન્જિન બગડશે કે માઈલેજ ઘટશે? સંસદમાં સરકારે આપી દીધો સૌથી મોટો જવાબ!
દેશમાં ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (E20 Fuel) ના ઉપયોગને લઈને ચાલી રહેલી વિવિધ ચર્ચાઓ વચ્ચે કેન્દ્ર સરકારે સંસદમાં એક અત્યંત મહત્વપૂર્ણ અપડેટ આપ્યું છે. સોમવારે સંસદની કાર્યવાહી દરમિયાન મોદી સરકારે સ્પષ્ટ કર્યું હતું કે, દેશમાં હાલ કેટલા વાહનો સંપૂર્ણપણે E20 ફ્યુઅલ સાથે સુસંગત (Compatible) છે તે અંગેનો કોઈ અલગ આંકડાકીય અભ્યાસ કે આકારણી (Assessment) કરવામાં આવી નથી.
પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રાજ્ય મંત્રી સુરેશ ગોપીએ સંસદમાં પૂછાયેલા એક પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું હતું કે, ભારે ઉદ્યોગ મંત્રાલય (MHI) દ્વારા એવો કોઈ સરવે થયો નથી જે દર્શાવે કે દેશમાં કેટલા વાહનો E20 પેટ્રોલથી ચાલવા માટે સક્ષમ છે. જોકે, તેમણે દેશના વાહનચાલકોને આશ્વાસન આપતા ઉમેર્યું હતું કે, સરકારનો ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ (EBP) સંપૂર્ણપણે વૈજ્ઞાનિક અભ્યાસો અને ઓટોમોબાઈલ ઉત્પાદકો સાથેની ઊંડી ચર્ચા-વિચારણા બાદ જ અમલમાં મૂકવામાં આવ્યો છે.

વૈજ્ઞાનિક પરીક્ષણો અને ટેકનિકલ સંસ્થાઓનું સમર્થન
સરકારે સંસદમાં સ્પષ્ટતા કરી હતી કે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલનો આ કાર્યક્રમ કોઈ ઉતાવળિયો નિર્ણય નથી, પરંતુ તબક્કાવાર અને વૈજ્ઞાનિક રીતે ચકાસાયેલી પ્રક્રિયા છે. આ નીતિ ઘડતી વખતે NITI આયોગ, ઓટોમોબાઈલ ઉત્પાદકો, ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs), ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઈન્ડિયા (ARAI), સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM) અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ પેટ્રોલિયમ (IIP) જેવી દેશની અગ્રણી ટેકનિકલ સંસ્થાઓની સલાહ લેવામાં આવી હતી.
ARAI, SIAM અને IOCL દ્વારા કરવામાં આવેલા લેબોરેટરી ટેસ્ટ અને ફીલ્ડ ટ્રાયલ્સમાં વાહનના એન્જિનની મજબૂતી, ચલાવવાની ક્ષમતા (Drivability), એન્જિન સ્ટાર્ટ થવાની પ્રક્રિયા, ક્ષરણ પ્રતિરોધકતા (Corrosion Resistance), સ્પેરપાર્ટ્સની મજબૂતી અને ધુમાડાના ઉત્સર્જન જેવા તમામ પાસાઓનું ઊંડાણપૂર્વક મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
જૂના વાહનો પર E20 પેટ્રોલની અસર અને ઈતિહાસ
અભ્યાસના પરિણામો દર્શાવે છે કે E20 પેટ્રોલના ઉપયોગથી જૂના વાહનોના પરફોર્મન્સમાં કોઈ નોંધપાત્ર નકારાત્મક ફેરફાર કે એન્જિનને કોઈ ગંભીર નુકસાન (Wear and Tear) જોવા મળ્યું નથી.
સરકારે આંકડા આપતા જણાવ્યું કે:
-
E15+ પેટ્રોલ: છેલ્લા સાડા ત્રણ વર્ષથી વધુ સમયથી દેશભરમાં વ્યાપકપણે વપરાઈ રહ્યું છે.
-
E19-E20 ફ્યુઅલ: છેલ્લા અઢી વર્ષથી વધુ સમયથી ઉપયોગમાં લેવાઈ રહ્યું છે.
આ સમયગાળા દરમિયાન દેશમાં ૨૦ કરોડથી વધુ ટુ-વ્હીલર્સ અને ૩ કરોડથી વધુ પેટ્રોલ કાર આ મિશ્રિત બળતણ પર ચાલી ચૂક્યા છે. વાહનોના એન્જિન ફેલ થવાના કે ઇથેનોલના કારણે વાહનને નુકસાન થયું હોવાના કોઈ વેરિફાઈડ કે સત્તાવાર પુરાવા મળ્યા નથી. વાહન ઉત્પાદક કંપનીઓના સર્વિસ ડેટા પણ પુષ્ટિ કરે છે કે ઇથેનોલથી વાહનના પાર્ટ્સ કટાવાના કે આયુષ્ય ઘટવાના બનાવો બન્યા નથી.
વોરંટી અને માઈલેજ (Fuel Economy) અંગે મોટી વિગત
વાહનચાલકો માટે સૌથી ચિંતાનો વિષય માઈલેજ અને કંપનીની વોરંટીનો હતો, જેના પર સરકારે સ્થિતિ સ્પષ્ટ કરી છે:
૧. વોરંટી માન્ય રહેશે: ઓટોમોબાઈલ ઉત્પાદક કંપનીઓએ સ્પષ્ટ કર્યું છે કે E20 ફ્યુઅલનો ઉપયોગ કરતા વાહનો માટે તેમની વોરંટી શરતો યથાવત અને માન્ય રહેશે.
૨. માઈલેજમાં નજીવો ઘટાડો: જે વાહનો મૂળભૂત રીતે E10 પેટ્રોલ માટે ડિઝાઇન કરવામાં આવ્યા હતા, તેમાં E20 ફ્યુઅલ વાપરવાથી માઈલેજમાં ૩ થી ૫ ટકાનો સામાન્ય ઘટાડો જોવા મળી શકે છે.
૩. વધારે ઓક્ટેન નંબરના ફાયદા: જોકે, સામે પક્ષે E20 પેટ્રોલનો ઓક્ટેન નંબર ઊંચો હોવાથી બળતણનું દહન (Combustion) વધુ સ્વચ્છ થાય છે, જેનાથી વાહનનું પિક-અપ (Acceleration) સુધરે છે અને પ્રદૂષણમાં મોટો ઘટાડો થાય છે, જે માઈલેજના આ નજીવા ઘટાડાની ભરપાઈ કરી દે છે.

ઓટોમોબાઈલ કમ્બાનીઓના સર્વિસ ડેટા શું કહે છે?
સંસદમાં રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશની એક અગ્રણી કાર ઉત્પાદક કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન આશરે ૨.૮૪ કરોડ વાહનોની સર્વિસ કરી હતી. આમાંથી લગભગ ૧.૫ કરોડ વાહનો એવા હતા જે મૂળ રીતે E20 સાથે સુસંગત (Certified) નહોતા. તેમ છતાં, કંપનીને ઇથેનોલના કારણે એન્જિનમાં કાટ લાગ્યો હોય કે કંપોનન્ટ્સનું આયુષ્ય ઘટ્યું હોય તેવો એક પણ કિસ્સો મળ્યો નથી.
તેવી જ રીતે, અન્ય એક મોટી વાહન ઉત્પાદક કંપનીએ લાંબા સમયથી E20 ફ્યુઅલ પર ચાલતા ૧.૪ કરોડ વાહનોનું નિરીક્ષણ (Monitoring) કર્યું હતું અને તેમને પણ ઇથેનોલ સંબંધિત કોઈ નુકસાન કે ટેકનિકલ ખામી જોવા મળી નહોતી.