યુથ ઓલિમ્પિક્સમાં ભારતની ઐતિહાસિક સિદ્ધિ! ગુજન બની ચેમ્પિયન, બોક્સિંગમાં દેશને અપાવ્યો બીજો સુવર્ણ ચંદ્રક
ભારતીય રમતગમત માટે 12 નવેમ્બર, 2026નો દિવસ સુવર્ણ અક્ષરે લખાઈ ગયો છે. સેનેગલની રાજધાની ડાકારમાં ચાલી રહેલી યુથ ઓલિમ્પિક્સમાં ભારતીય બોક્સરોએ એવો ઇતિહાસ રચ્યો છે, જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. ભારતે યુથ ઓલિમ્પિક્સના ઇતિહાસમાં પ્રથમ વખત બોક્સિંગમાં સુવર્ણ ચંદ્રક જીત્યો અને એક જ દિવસમાં બે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા. અંબેકર મેઈતેઈએ ભારત માટે પ્રથમ સુવર્ણ ચંદ્રક જીત્યા બાદ 17 વર્ષીય મહિલા બોક્સર ગુજને પણ શાનદાર પ્રદર્શન કરીને દેશને બીજો ગોલ્ડ અપાવ્યો હતો. આ સાથે ગુજન યુથ ઓલિમ્પિક્સમાં બોક્સિંગમાં સુવર્ણ ચંદ્રક જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની ગઈ છે.
આ સિદ્ધિ ભારતીય બોક્સિંગ માટે અત્યંત ખાસ છે. અત્યાર સુધી યુથ ઓલિમ્પિક્સમાં ભારતને બોક્સિંગમાં સુવર્ણ ચંદ્રક મળ્યો નહોતો. પરંતુ 2026ની સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓએ આ રાહનો અંત લાવી દીધો છે. ખાસ વાત એ છે કે બંને સુવર્ણ ચંદ્રક એક જ રમતમાં મળ્યા છે, જે ભારતીય બોક્સિંગની વધતી ક્ષમતાનો પરિચય આપે છે.

ફાઈનલમાં ગુજનનો દબદબો, અલ્જેરિયાની બોક્સરને 5-0થી હરાવી
મહિલાઓની 48 કિલોગ્રામ વજન વર્ગની ફાઈનલમાં ગુજનનો મુકાબલો અલ્જેરિયાની બોક્સર બુથેના બેનસાલાહ સામે થયો હતો. આ મહત્વપૂર્ણ મુકાબલામાં ભારતીય ખેલાડીએ શરૂઆતથી જ આક્રમક અને આત્મવિશ્વાસભર્યું પ્રદર્શન કર્યું હતું. તેણે પોતાની પ્રતિસ્પર્ધીને એક પણ રાઉન્ડમાં વાપસી કરવાની તક આપી નહોતી.ગુજને આ ફાઈનલમાં 5-0ના સર્વસંમત નિર્ણયથી જીત મેળવી હતી. ત્રણેય રાઉન્ડમાં તેનું વર્ચસ્વ જોવા મળ્યું હતું. સૌથી ખાસ વાત એ રહી કે દરેક રાઉન્ડમાં પાંચેય જજોએ ગુજનને 30-27ના સ્કોરથી વિજેતા જાહેર કરી હતી. એટલે કે મુકાબલાના ત્રણેય રાઉન્ડમાં ભારતીય બોક્સર સંપૂર્ણપણે હાવી રહી હતી.
ફાઈનલમાં મળેલી આ એકતરફી જીત સાથે ગુજને સુવર્ણ ચંદ્રક પોતાના નામે કર્યો હતો. આ માત્ર તેની વ્યક્તિગત કારકિર્દીની મોટી સફળતા નહોતી, પરંતુ ભારતીય મહિલા બોક્સિંગ માટે પણ ઐતિહાસિક ક્ષણ હતી.17 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય મંચ પર આટલું શાનદાર પ્રદર્શન કરીને ગુજને સાબિત કર્યું છે કે ભારતીય બોક્સિંગમાં યુવા પ્રતિભાઓની કોઈ કમી નથી. તેની જીત બાદ દેશને આશા છે કે તે ભવિષ્યમાં પણ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું નામ રોશન કરશે.
બેંગકોકથી ડાકાર સુધીની સફર, ક્વોલિફિકેશનમાં પણ બતાવ્યો દમ
ગુજનની આ સફળતા પાછળ તેની સતત મહેનત અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં કરેલું પ્રદર્શન મહત્વપૂર્ણ રહ્યું છે. ડાકાર યુથ ઓલિમ્પિક્સ સુધી પહોંચવાની તેની સફર બેંગકોકમાં યોજાયેલા વર્લ્ડ બોક્સિંગ ફ્યુચર્સ કપ 2026થી શરૂ થઈ હતી. આ સ્પર્ધા યુથ ઓલિમ્પિક્સ માટેની ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટ હતી.બેંગકોકમાં યોજાયેલી આ સ્પર્ધામાં ગુજને શાનદાર બોક્સિંગનું પ્રદર્શન કર્યું હતું. સેમિફાઈનલમાં તેનો મુકાબલો ઉત્તર કોરિયાની યુ ગ્યોંગ કિમ સામે થયો હતો. આ મુકાબલામાં ગુજને 5-0થી એકતરફી જીત મેળવીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી.
DOUBLE GOLD FOR INDIA! 🇮🇳🥇🥇
Gunjan defeats Bouthaina Bensalah to clinch the women’s 48kg title at #Dakar2026, becoming the first Indian woman to win a boxing medal at the Youth Olympic Games! 🥊🔥
#YouthOlympics https://t.co/B2T9BkqHNc
— Olympic Khel ™ (@OlympicKhel) November 12, 2026
જોકે, ફાઈનલમાં તેને ઈંગ્લેન્ડની લિલી બેસેટ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પરિણામે તેણે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. પરંતુ આ સ્પર્ધામાં તેના શાનદાર પ્રદર્શનના કારણે તેને ડાકાર યુથ ઓલિમ્પિક્સ માટે ક્વોટા મળ્યો હતો.બેંગકોકમાં સિલ્વર મેડલ જીત્યા બાદ ગુજન ડાકારમાં સુવર્ણ ચંદ્રક જીતવાના લક્ષ્ય સાથે ઉતરી હતી અને આ વખતે તેણે કોઈ ભૂલ કરી નહોતી. ફાઈનલમાં શાનદાર જીત મેળવીને તેણે પોતાની મહેનતનું શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું હતું.
ભારતીય બોક્સિંગ માટે યાદગાર દિવસ
12 નવેમ્બરનો દિવસ ભારત માટે માત્ર બે સુવર્ણ ચંદ્રક જીતવાનો દિવસ નહોતો, પરંતુ યુથ ઓલિમ્પિક્સમાં બોક્સિંગના ઇતિહાસમાં નવી શરૂઆતનો દિવસ પણ હતો. અંબેકર મેઈતેઈએ પ્રથમ ગોલ્ડ જીતીને ભારતનું ખાતું ખોલ્યું હતું, જ્યારે ગુજને બીજો ગોલ્ડ જીતીને આ સફળતાને વધુ ખાસ બનાવી હતી.ખાસ કરીને મહિલા બોક્સિંગમાં ગુજનની સિદ્ધિ આવનારી પેઢીની ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની શકે છે. 17 વર્ષની ઉંમરે યુથ ઓલિમ્પિક્સ જેવી મોટી સ્પર્ધામાં ચેમ્પિયન બનવું તેની પ્રતિભા અને આત્મવિશ્વાસ દર્શાવે છે.
