તારિક રહેમાનનો માસ્ટરસ્ટ્રોક: યુનુસના ‘રાઈટ હેન્ડ’ ખલીલુર રહેમાન બન્યા વિદેશ મંત્રી, જાણો આ નિમણૂક પાછળના ૪ મુખ્ય કારણો
બાંગ્લાદેશમાં સત્તાના સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે. લાંબા વનવાસ બાદ પરત ફરેલા તારિક રહેમાનની આગેવાની હેઠળ નવી સરકારની રચના થઈ ગઈ છે. બીએનપી (BNP) એ આ કેબિનેટમાં કુલ ૪૯ મંત્રીઓનો સમાવેશ કર્યો છે, પરંતુ આ આખી યાદીમાં સૌથી વધુ ચર્ચા જે નામની થઈ રહી છે તે છે ખલીલુર રહેમાન. મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારમાં સંરક્ષણ અને ગૃહ મંત્રી રહી ચૂકેલા ખલીલુર રહેમાનને હવે તારિક રહેમાને દેશના વિદેશ મંત્રી બનાવ્યા છે.
યુનુસ સરકારના સૌથી શક્તિશાળી મંત્રી ગણાતા ખલીલુર એકમાત્ર એવા નેતા છે જેમને નવી સરકારમાં પણ મહત્વનું સ્થાન મળ્યું છે. આ નિમણૂક પાછળ તારિક રહેમાનની ઊંડી વ્યૂહરચના હોવાનું માનવામાં આવે છે.
કોણ છે ખલીલુર રહેમાન?
ઢાકામાં જન્મેલા ખલીલુર રહેમાન એક અનુભવી રાજદ્વારી (Diplomat) રહ્યા છે. તેમણે ઢાકા યુનિવર્સિટી બાદ હાર્વર્ડ અને ટફ્ટ્સ જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંથી અભ્યાસ કર્યો છે. ૧૯૯૧માં જ્યારે ખાલિદા ઝિયા સત્તા પર હતા ત્યારે ખલીલુર યુએન (UN) માં તૈનાત હતા અને ત્યારથી જ તેઓ ઝિયા પરિવારની નજીક ગણાય છે. યુનુસ સરકારમાં પણ તેમની નિમણૂક બીએનપીની ભલામણ પર જ કરવામાં આવી હતી.
ખલીલુરને વિદેશ મંત્રી બનાવવા પાછળના ૪ મુખ્ય મકસદ:
૧. ચીન અને પાકિસ્તાન સાથેના સંબંધોનું સંતુલન:
ખલીલુર રહેમાન જ્યારે સંરક્ષણ મંત્રી હતા ત્યારે જ બાંગ્લાદેશના ચીન અને પાકિસ્તાન સાથેના સંપર્કોમાં તેજી આવી હતી. તારિક રહેમાને તાજેતરમાં જ જાહેર કર્યું છે કે તેઓ તમામ પાડોશી દેશો સાથે સમાન સંબંધો ઈચ્છે છે. ખલીલુરનો અનુભવ તારિકને ચીન અને પાકિસ્તાન સાથેના વ્યૂહાત્મક સંબંધો મજબૂત કરવામાં મદદરૂપ થશે.
૨. સેના પ્રમુખ પર નિયંત્રણ મેળવવાની વ્યૂહરચના:
તારિક રહેમાન માટે સૌથી મોટો પડકાર સેના પ્રમુખ જનરલ વકાર ઝમાનને નિયંત્રિત કરવાનો છે. ખલીલુર રહેમાનને વકાર ઝમાનના કટ્ટર વિરોધી માનવામાં આવે છે. તારિક પોતે ૧૭ વર્ષ બ્રિટનમાં રહ્યા હોવાથી સેનામાં તેમનો કોઈ ખાસ પ્રભાવ નથી. આવી સ્થિતિમાં ખલીલુર સેના અને સરકાર વચ્ચે સંતુલન જાળવવા માટે તારિકના ‘ઢાલ’ બની શકે છે.
૩. રોહિંગ્યા અને રખાઈન પ્રાંતની સમસ્યા:
બાંગ્લાદેશ માટે રોહિંગ્યા શરણાર્થીઓને પરત મોકલવા એ એક અત્યંત જટિલ પ્રક્રિયા છે. યુનુસ સરકારમાં ખલીલુર આ અંગે સતત પ્લાનિંગ કરી રહ્યા હતા. વિદેશ મંત્રી તરીકે હવે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે મ્યાનમાર પર દબાણ લાવવા અને રોહિંગ્યા સમસ્યાનો ઉકેલ લાવવા માટે બીએનપી સરકારના મુખ્ય ચહેરો બનશે.
૪. ભારત સાથેના બગડેલા સંબંધો સુધારવાની કવાયત:
યુનુસ સરકારના અંતિમ દિવસોમાં ભારત સાથેના તણાવને ઘટાડવા માટે ખલીલુરે જ પહેલ કરી હતી. ડિસેમ્બર ૨૦૨૫માં તેમણે નવી દિલ્હીની મુલાકાત લીધી હતી અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ સાથે મુલાકાત કરી હતી. તારિક રહેમાન જાણે છે કે ભારત સાથે સારા સંબંધો રાખ્યા વિના બાંગ્લાદેશમાં સ્થિરતા લાવવી મુશ્કેલ છે, અને આ કામ માટે ખલીલુરથી વધુ યોગ્ય વ્યક્તિ હાલ તેમની પાસે નથી.

