Gujarat Breaking વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સ (CCEA) દ્વારા ગુજરાતના વિકાસ માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ હાઈવે-56 (NH-56) ના વિસ્તૃતીકરણ માટે કુલ 4,583.64 કરોડ રૂપિયાના માતબર ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ ધમાસિયા-બિટાદા/મોવી અને નસરપોર-મલોથા સેક્શનને અત્યાધુનિક ફોર-લેન ધોરણો મુજબ અપગ્રેડ કરવામાં આવશે. આશરે 107.67 કિલોમીટર લાંબો આ હાઈવે પ્રોજેક્ટ ગુજરાતના પૂર્વ પટ્ટાના આદિવાસી વિસ્તારોના સામાજિક અને આર્થિક ઉત્થાન માટે પાયાનો પથ્થર સાબિત થશે.
મંત્રીમંડળની રાષ્ટ્રીય ધોરીમાર્ગ- 56નાં ધમસિયા-બિટડા/મોવી અને નસરપોર-માલોથા સેક્શનને ફોર-લેન સ્ટાન્ડર્ડમાં અપગ્રેડ કરવા માટેની મંજૂરીથી, ખાસ કરીને ગુજરાતના દૂરના અને આદિવાસી વિસ્તારોમાં કનેક્ટિવિટી વધુ વધશે. સાથે જ, તે વધુ લોકોને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા માટે સક્ષમ…
— Narendra Modi (@narendramodi) February 14, 2026
નેશનલ હાઈવે-56 એ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ એમ ત્રણ રાજ્યોને જોડતી એક મહત્વની કડી છે. આ હાઈવે રાજસ્થાનના નિમ્બાહેરાથી શરૂ થઈને ગુજરાતના દાહોદ જિલ્લામાં પ્રવેશે છે, ત્યારબાદ મધ્યપ્રદેશના અલીરાજપુરમાં થઈને ફરીથી ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાં દાખલ થાય છે અને છેવટે વાપી નજીક NH-48 ને મળે છે. આ પ્રોજેક્ટ ખાસ કરીને ગુજરાતના આકાંક્ષી જિલ્લા એવા નર્મદા તેમજ દાહોદ, છોટા ઉદેપુર, તાપી અને ભરૂચ જેવા આદિવાસી બહુલ વિસ્તારોમાંથી પસાર થાય છે. આ વિસ્તારોમાં કનેક્ટિવિટી સુધરવાથી ખેતી પેદાશોના વહન અને નાના ઉદ્યોગોના વિકાસ માટે નવી તકો ઉભી થશે, જે અંતરિયાળ ગામડાઓના અર્થતંત્રને મજબૂત બનાવશે.
સામાન્ય નાગરિકો માટે આ પ્રોજેક્ટનો સૌથી મોટો ફાયદો મુસાફરીના સમયમાં થનારો જંગી ઘટાડો છે. આ નવો ફોર-લેન હાઈવે 100 કિમી/કલાકની ડિઝાઈન સ્પીડ સાથે તૈયાર કરવામાં આવશે, જેનાથી વાહનોની સરેરાશ ઝડપ 70 કિમી/કલાકની રહેશે. પરિણામે, મુસાફરીના સમયમાં અંદાજે 40 ટકાનો ઘટાડો થશે. અત્યારે જે અંતર કાપવામાં અઢી કલાકનો સમય લાગે છે, તે આ હાઈવે બન્યા બાદ માત્ર દોઢ કલાકમાં પૂર્ણ કરી શકાશે. આ ઉપરાંત, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ આ હાઈવેથી માત્ર 11 કિમીના અંતરે આવેલી હોવાથી, દેશ-વિદેશના પ્રવાસીઓને એકતાનગર પહોંચવા માટે વધુ સુગમ અને ઝડપી રસ્તો મળશે.
રોજગારીની દ્રષ્ટિએ પણ આ પ્રોજેક્ટ ગુજરાત માટે આશીર્વાદરૂપ છે. નિર્માણ કાર્ય દરમિયાન અંદાજે 19.38 લાખ માનવ-દિવસોની પ્રત્યક્ષ રોજગારી અને 22.82 લાખ માનવ-દિવસોની પરોક્ષ રોજગારીની તકો ઊભી થશે. આ પ્રોજેક્ટ ‘હાઈબ્રિડ એન્યુઈટી મોડ’ (HAM) પર અમલમાં મૂકવામાં આવશે. હાલમાં બોડેલીથી મલોથા સુધીના અન્ય સેક્શન પર કામ નવેમ્બર 2025 થી શરૂ થઈ ચૂક્યું છે અને આગામી બે વર્ષમાં આ આખો પટ્ટો તૈયાર થઈ જવાની અપેક્ષા છે. આ હાઈવે તૈયાર થવાથી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે સાથેની કનેક્ટિવિટી પણ બહેતર બનશે, જે સમગ્ર ગુજરાતના ટ્રાફિક મેનેજમેન્ટમાં ક્રાંતિકારી ફેરફાર લાવશે.
