AI ઇમ્પેક્ટ સમિટ 2026: બિલ ગેટ્સની ભાગીદારી પર સસ્પેન્સ વધ્યું, ફાઉન્ડેશને આપી સ્પષ્ટતા
રાજધાની દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત વિશ્વના સૌથી મોટા ટેકનિકલ કાર્યક્રમોમાંનો એક, ‘AI ઇમ્પેક્ટ સમિટ 2026’, હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ સમિટમાં માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સની ભાગીદારીને લઈને છેલ્લા કેટલાક કલાકોથી ભારે અનિશ્ચિતતા પ્રવર્તી રહી હતી, પરંતુ હવે ગેટ્સ ફાઉન્ડેશને સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે.
શું છે સમગ્ર વિવાદ?
સમિટની શરૂઆત સાથે જ એવા સમાચાર ઝડપથી ફેલાયા હતા કે ભારત સરકારે બિલ ગેટ્સને આપેલું આમંત્રણ પાછું ખેંચી લીધું છે. અહેવાલો અનુસાર, તાજેતરમાં સામે આવેલી જેફરી એપ્સટિન ફાઇલ્સના વિવાદને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની ચર્ચા હતી, જેમાં ગેટ્સના નામનો ઉલ્લેખ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારે “નૈતિક ધોરણો” અને “રાષ્ટ્રીય સુરક્ષા”ને ધ્યાનમાં રાખીને આ અંગે સમીક્ષા કરી હતી.
વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે સમિટની સત્તાવાર વેબસાઇટ પરથી મુખ્ય વક્તાઓની યાદીમાંથી બિલ ગેટ્સનું નામ હટાવી દેવામાં આવ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા એનવીડિયા (Nvidia) ના સીઈઓ જેન્સેન હુઆંગ પણ અનિવાર્ય કારણોસર તેમની મુલાકાત રદ કરી ચૂક્યા છે.
ગેટ્સ ફાઉન્ડેશને આપી સ્પષ્ટતા
તમામ અટકળો વચ્ચે, બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના પ્રવક્તાએ પુષ્ટિ કરી છે કે બિલ ગેટ્સ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ જ સમિટમાં ભાગ લેશે અને 19 ફેબ્રુઆરીના રોજ તેમનું મુખ્ય સંબોધન (Keynote Address) આપશે. ફાઉન્ડેશને મીડિયાના તે અહેવાલોને ખોટા ગણાવ્યા છે જેમાં તેમના સામેલ ન થવાનો દાવો કરવામાં આવ્યો હતો.
એપ્સટિન ફાઇલ્સ અને સોશિયલ મીડિયા પર વિરોધ
અમેરિકી ન્યાય વિભાગ દ્વારા જાહેર કરાયેલા દસ્તાવેજોમાં બિલ ગેટ્સનું નામ આવ્યા બાદ સોશિયલ મીડિયા પર #GoBackBillGates ટ્રેન્ડ કરી રહ્યું છે. આ ફાઈલોમાં એપ્સટિન દ્વારા ગેટ્સ પર અનેક પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવ્યા છે, જેને ગેટ્સના પ્રવક્તાએ “સંપૂર્ણપણે વાહિયાત અને ખોટા” ગણાવ્યા છે. ગેટ્સ અગાઉ એપ્સટિન સાથેની તેમની ભૂતકાળની મુલાકાતો પર ખેદ વ્યક્ત કરી ચૂક્યા છે.
આંધ્ર પ્રદેશની મુલાકાત અને AI વિઝન
સમિટ પહેલા બિલ ગેટ્સ આંધ્ર પ્રદેશ પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન તેમણે આરોગ્ય, શિક્ષણ અને કૃષિ ક્ષેત્રે AI અને ડ્રોનના ઉપયોગ પર ચર્ચા કરી હતી. નાયડુએ ગેટ્સ સાથેના તેમના લાંબા જોડાણને યાદ કરતા રાજ્યના ‘સ્વર્ણ આંધ્ર 2047’ રોડમેપ પર પણ વિચારો શેર કર્યા હતા.

