તાલિબાનનું ક્રૂર બંધારણ: પત્નીને માર મારવો હવે ગુનો નહીં! જાણો સ્ત્રીવિરોધી નવા કાયદાની ભયાનક જોગવાઈઓ
અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર પોતાના નવા બંધારણ સાથે તૈયાર છે. આ બંધારણમાં મહિલાઓ પ્રત્યે અત્યંત કડક અને અમાનવીય વલણ અપનાવવામાં આવ્યું છે. તાલિબાનના નવા કાયદા મુજબ, જો પતિ તેની પત્નીને માર મારે છે, તો તેને ગુનો માનવામાં આવશે નહીં, ત્યાં સુધી કે જ્યાં સુધી પત્નીનું હાડકું ન તૂટે.
હાડકું તૂટશે તો જ ફરિયાદ, સજા પણ નામમાત્રની
તાલિબાનના નવા બંધારણના અનુચ્છેદ-90 મુજબ, ઘરેલું હિંસાને વાજબી ઠેરવવામાં આવી છે. કાયદામાં કહેવાયું છે કે પતિ ઘરનો માલિક છે અને તે પત્નીને ‘દંડ’ તરીકે ફટકારી શકે છે. જો પત્નીનું હાડકું તૂટી જાય, તો જ તેને જજ પાસે જઈને ફરિયાદ કરવાનો અધિકાર મળશે. આ માટે પણ તેણે પોતાના જખમ બતાવવા પડશે અને સાબિત કરવું પડશે. આટલી ગંભીર ઈજા પહોંચાડવા છતાં પતિને વધુમાં વધુ માત્ર 15 દિવસની જેલ થઈ શકે છે.
પરવાનગી વગર બહાર ગયા તો 3 મહિનાની જેલ
મહિલાઓની આઝાદી પર કાપ મૂકતા આ બંધારણમાં વધુમાં જણાવાયું છે કે, જો કોઈ પરિણીત મહિલા તેના પતિની પરવાનગી લીધા વિના તેના સંબંધીઓને મળવા જાય છે, તો તેને ત્રણ મહિનાની જેલની સજા ભોગવવી પડશે. આ કાયદો મહિલાઓની હરવા-ફરવાની સ્વતંત્રતાને સંપૂર્ણપણે ખતમ કરી દે છે.
સમાજમાં ભેદભાવ: ‘વિદ્વાનો’ માટે અલગ નિયમ
તાલિબાને આ નવા બંધારણમાં સમાજને ત્રણ વર્ગોમાં વહેંચ્યો છે: વિદ્વાનો, અભિજાત (ઉચ્ચ વર્ગ) અને સામાન્ય નાગરિકો. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે, વિદ્વાનો અને ઉચ્ચ વર્ગના લોકો જો કોઈ નાનો ગુનો કરે છે, તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી નહીં કરવાની જોગવાઈ છે. વિદ્વાનોને તો કોર્ટમાં હાજર થવામાંથી પણ મુક્તિ આપવામાં આવી છે, કારણ કે તાલિબાન મુજબ તેઓ ‘આદતથી ગુનેગાર’ હોતા નથી.
5 વર્ષ બાદ નવું માળખું
વર્ષ 2021માં સત્તામાં આવ્યાના પાંચ વર્ષ બાદ તાલિબાને આ 10 વિભાગો અને 119 અનુચ્છેદવાળું બંધારણ તૈયાર કર્યું છે. સુપ્રીમ લીડર હિબતુલ્લાહ અખુંદઝાદાની અંતિમ મંજૂરી મળતા જ આ આખા અફઘાનિસ્તાનમાં લાગુ થઈ જશે. માનવાધિકાર સંગઠનો આ બંધારણને મહિલાઓ માટે ‘મૃત્યુદંડ’ સમાન ગણાવી રહ્યા છે.

