લિપણ આર્ટથી ઝૂલા સુધી, જય ગાયત્રી સખી મંડળે ગ્રામ્ય કલા ને બજારમાં ઓળખ અપાવી
ગુજરાત સરકારના ‘મિશન મંગલમ’ અભિયાન હેઠળ મહિલા સશક્તિકરણના બીજ હવે વટવૃક્ષ બની રહ્યા છે. અરવલ્લી જિલ્લાના સાઠંબા તાલુકાના રામપુરાકંપા ગામની મહિલાઓએ પોતાની કલા-સૂઝ અને અથાણ મહેનત દ્વારા આત્મનિર્ભરતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અહીંના જય ગાયત્રી સખી મંડળની બહેનો આજે પરંપરાગત હસ્તકલા અને આધુનિક ગૃહ સુશોભનની ચીજવસ્તુઓ બનાવીને આર્થિક રીતે સધ્ધર બની રહી છે.
લિપણ આર્ટ અને હસ્તકલાનો અનોખો સંગમ
કલા અને કૌશલ્યના ત્રિવેણી સંગમ સમાન આ સખી મંડળ મુખ્યત્વે હસ્તકલા (Handicraft), કલાત્મક ઝૂલા (Jhula) અને લિપણ આર્ટ (Lipan Art) ક્ષેત્રે કાર્યરત છે:
-
વારસાનું જતન: ગ્રામીણ સંસ્કૃતિની ઓળખ સમાન લિપણ કલાને આ બહેનોએ કેનવાસ અને લાકડાના બોર્ડ પર ઉતારી આધુનિક ઘરોની શોભા બનાવી છે.
-
ઝીણવટભર્યું કામ: માટી અને કાચના મિશ્રણથી તૈયાર થતી કૃતિઓ રાજ્ય સ્તરના પ્રદર્શનોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.
-
ગૃહ ઉદ્યોગ: મંડળ દ્વારા તૈયાર કરવામાં આવતા મજબૂત હીંચકા, તોરણ, વોલ હેંગિંગ અને સુશોભિત ટ્રે સ્થાનિક બજારોમાં ખૂબ જ લોકપ્રિય થયા છે.
આર્થિક આઝાદી અને સરકારી સહયોગ
મંડળના સભ્ય સ્તુતિ બેન અને નીતાબેન જણાવે છે કે, પહેલા તેઓ માત્ર ઘરકામમાં વ્યસ્ત રહેતા હતા, પરંતુ સખી મંડળમાં જોડાયા બાદ આજે તેઓ દર મહિને સારી આવક મેળવી પરિવારને મદદરૂપ થઈ રહ્યા છે.
૧. DRDA નું માર્ગદર્શન: જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આ બહેનોને સમયાંતરે ટેકનિકલ માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવે છે.
૨. બજાર વ્યવસ્થા: જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રદર્શનો અને હાટ બજારોમાં વિનામૂલ્યે સ્ટોલ ફાળવવામાં આવે છે, જેથી વચેટિયાઓ વગર બહેનોને સીધી આવક મળે.
૩. ગામનો વિકાસ: રામપુરા કંપા ગામમાં આજે આવા ૫ સખી મંડળો કાર્યરત છે, જેમાં ૫૦ જેટલી મહિલાઓ પગલુછણીયા, ફરસાણ અને હસ્તકલા જેવી વસ્તુઓ બનાવી ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને સાર્થક કરી રહી છે.
