જમીન સંવર્ધનથી લઈ કીટક નિયંત્રણ સુધી, પ્રાકૃતિક કૃષિમાં મિશ્ર પાક પદ્ધતિ બને ખેડૂતની શક્તિ
પ્રાકૃતિક ખેતી એ જમીનને ફળદ્રુપ કરવાની સાથે ખેતી ખર્ચ ઘટાડવાની એક ટકાઉ પદ્ધતિ છે. પદ્મશ્રી સુભાષ પાલેકરના સંશોધન અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. આ ખેતીમાં ‘સહજીવી પાક પદ્ધતિ’ એક મહત્વનું પાસું છે, જેમાં બે પાકો એકબીજાના પૂરક બનીને વૃદ્ધિ પામે છે. આ પદ્ધતિમાં પાકની પસંદગી કરતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જો મુખ્ય પાક એકદળ (Monocot) હોય, તો સહજીવી પાક દ્વિદળ (Dicot) હોવો જોઈએ. તેમજ મુખ્ય પાકના મૂળ ઊંડા જતાં હોય તો સહજીવી પાક છીછરા મૂળવાળો હોવો જોઈએ, જેથી બંને પાકો જમીનના અલગ-અલગ સ્તરમાંથી પોષણ મેળવી શકે અને સ્પર્ધા ટાળી શકાય.
સહજીવી પાકોની વૈજ્ઞાનિક પસંદગી અને તેના ફાયદા
સહજીવી પાક હંમેશા મુખ્ય પાક કરતા ઓછા સમયમાં તૈયાર થઈ જતો હોવો જોઈએ, જેથી જમીન લાંબો સમય ખાલી ન રહે અને નીંદણ પર નિયંત્રણ રહે. પાકોની પસંદગીમાં સૂર્યપ્રકાશની તીવ્રતા પણ ભાગ ભજવે છે; જો મુખ્ય પાક સૂર્યપ્રકાશ સહન કરી શકે તેવો હોય, તો તેની નીચે છાંયડામાં ઉગી શકે તેવો પાક લેવો હિતાવહ છે. વધુમાં, એવા પાકો પસંદ કરવા જોઈએ જે મિત્ર કીટકોને આકર્ષે, જેથી મુખ્ય પાકમાં પેસ્ટ કંટ્રોલ કુદરતી રીતે થઈ શકે. આ પદ્ધતિથી પાણીની બચત થાય છે, જમીનનું પોષણ જળવાઈ રહે છે અને ખેડૂતોને રાસાયણિક ખાતરો કે ઝેરી જંતુનાશકો પાછળ ખર્ચ કરવો પડતો નથી.
વિવિધ પાકો માટે અનુકૂળ મિશ્ર પાક મોડેલ્સ
રાજ્યના વિવિધ વિસ્તારોમાં ખેડૂતો સફળતાપૂર્વક અનેક પાક સંયોજનો અપનાવી રહ્યા છે. ઉદાહરણ તરીકે, ઘઉંની સાથે ચણા, સરસવ કે વટાણા વાવી શકાય છે. કપાસ અને તુવેર જેવા ઊંડા મૂળવાળા પાકો સાથે મગ અથવા અડદનો આંતરપાક લેવાથી જમીનને કુદરતી નાઈટ્રોજન મળે છે. શેરડીની સાથે બટેટા, હળદર અથવા મરચીનું વાવેતર પણ નફાકારક સાબિત થાય છે. મકાઈ કે બાજરી સાથે તુવેર અને સોયાબીનનું સંયોજન જમીનની ફળદ્રુપતા વધારે છે. કપાસ સાથે મગફળી લેવાથી મુખ્ય પાક કરતા પણ વધુ નફો મળવાની શક્યતા રહે છે. અંતે, આ પદ્ધતિથી ઉત્પાદિત પાક ઝેરમુક્ત હોવાથી માનવીય સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે અને બજારમાં તેના સારા ભાવ મળે છે.

