અગ્નિપથ યોજના અંતર્ગત ૨૦૨૬–૨૭ માટે જામનગરમાં અગ્નિવિર ભરતી પ્રક્રિયા શરૂ
ભારતીય સેના દ્વારા અગ્નિપથ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૬-૨૭ માટે અગ્નિવિર ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. આર્મી રિકૃટિંગ ઓફીસ (ARO), જામનગર દ્વારા આયોજિત આ ભરતી મેળા માટેની ઓનલાઇન અરજી પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જામનગર જિલ્લાના લાયક અને ઉત્સાહી ઉમેદવારો આગામી ૦૧ એપ્રિલ ૨૦૨૬ સુધી ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટ પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ ભરતી પ્રક્રિયાના ભાગરૂપે લેખિત પરીક્ષા અને અન્ય કસોટીઓનું આયોજન જૂન મહિનામાં કરવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદાના ધોરણો
આ ભરતીમાં સહભાગી થવા માટે ચોક્કસ શૈક્ષણિક અને વય મર્યાદાના માપદંડો નિર્ધારિત કરવામાં આવ્યા છે. ઉમેદવારની ઉંમર ૧૭.૫૦ થી ૨૨ વર્ષની વચ્ચે હોવી અનિવાર્ય છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો, જે તે કેટેગરી મુજબ ધોરણ ૦૮ થી ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલો હોવો જોઈએ. મહત્વની બાબત એ છે કે આ ભરતી પ્રક્રિયામાં માત્ર અપરિણીત પુરુષ ઉમેદવારો જ ભાગ લેવા માટે પાત્ર ઠરે છે. લાયક ઉમેદવારોએ સમયમર્યાદા પૂરી થાય તે પહેલાં તમામ જરૂરી દસ્તાવેજો સાથે ઓનલાઇન ફોર્મ ભરી દેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ઓનલાઇન અરજી અને પરીક્ષાનું સમયપત્રક
ઈચ્છુક ઉમેદવારોએ ભારતીય સેનાની અધિકૃત વેબસાઇટ www.joinindianarmy.nic.in પર નોંધણી કરાવવાની રહેશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૦૧/૦૪/૨૦૨૬ છે. સફળતાપૂર્વક અરજી કરનાર ઉમેદવારો માટે ભરતી પરીક્ષાનું આયોજન ૦૧ જૂન ૨૦૨૬ થી ૧૫ જૂન ૨૦૨૬ દરમિયાન કરવામાં આવશે. આ ભરતી અંગેની વધુ વિગતવાર માહિતી અને શારીરિક ક્ષમતાના ધોરણો જાણવા માટે જિલ્લા રોજગાર કચેરી અથવા સેનાના સત્તાવાર પોર્ટલનો સંપર્ક કરી શકાય છે.

