દક્ષિણ ભારતમાં નવા પક્ષનો ઉદય: KCRના પુત્રી કે. કવિતા મે મહિનામાં લોન્ચ કરશે પોતાની નવી રાજકીય પાર્ટી
તેલંગાણાના રાજકારણમાં લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી કે.સી.આર.ના પુત્રી કે. કવિતાએ આગામી ત્રણ મહિનામાં નવી રાજકીય પાર્ટી લોન્ચ કરવાના સંકેત આપ્યા છે. હૈદરાબાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, આ નવી પાર્ટી ખાસ કરીને તેલંગાણાના હિતો અને રાજ્યના મુદ્દાઓ પર કેન્દ્રિત હશે. હાલમાં તેઓ ‘તેલંગાણા જાગૃતિ’ નામની સાંસ્કૃતિક સંસ્થાનું નેતૃત્વ કરી રહ્યા છે.
સત્તાધારી પક્ષો સામે બગાવત અને વિપક્ષી ભૂમિકા
કે. કવિતાએ દાવો કર્યો છે કે તેમની નવી પાર્ટી રાજ્યમાં મુખ્ય વિપક્ષ તરીકે ઉભરી આવશે. તેમણે સત્તાધારી કોંગ્રેસ, ભાજપ અને પોતાના પિતાની જૂની પાર્ટી BRS પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, તેમની પાર્ટી જનતાના પક્ષે રહીને આ ત્રણેય પક્ષોને સવાલ પૂછશે. કવિતાએ એવી પણ ભવિષ્યવાણી કરી છે કે તેલંગાણામાં ભારતીય જનતા પાર્ટી (BJP) ધીમે ધીમે નબળી પડીને ખતમ થઈ જશે.
ચૂંટણીના મેદાનમાં ઉતરવાની તૈયારી
નવી પાર્ટીના ભવિષ્ય અંગે વાત કરતા કવિતાએ સ્પષ્ટ કર્યું કે:
- તેમની પાર્ટી આગામી જિલ્લા પરિષદ ટેરિટોરિયલ કોન્સ્ટિટ્યુન્સી (ZPTC) ની ચૂંટણીમાં ભાગ લેશે.
- હૈદરાબાદની આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓ માટે પાર્ટીને ટૂંક સમયમાં ચૂંટણી ચિન્હ મળી શકે છે.
- તેલંગાણાના હિત માટે તેઓ અન્ય પક્ષો સાથે ગઠબંધન કરીને પણ ચૂંટણી લડી શકે છે.
BRS માં ભંગાણના સંકેતો
કે. કવિતાએ એક મોટો દાવો કરતા કહ્યું કે, BRS ના ઘણા દિગ્ગજ નેતાઓ તેમના સંપર્કમાં છે અને નવી પાર્ટીમાં જોડાવા માટે ઉત્સુક છે. નોંધનીય છે કે ગત વર્ષે સપ્ટેમ્બરમાં કવિતાને BRS માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સસ્પેન્શન પાછળનું મુખ્ય કારણ કાલેશ્વરમ લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ મામલે તેમણે પોતાના જ પિતરાઈ ભાઈઓ (ટી. હરીશ રાવ અને જે. સંતોષ કુમાર) પર પિતાની છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો હતો.
</div

