વિરાટ-રોહિત વિનાની ભારતીય ટીમ: શું BCCI નો ‘પ્લાન B’ આગામી વર્લ્ડ કપનો પાયો બનશે?
ભારતીય ક્રિકેટમાં જ્યારે પણ કોઈ મોટી ટૂર્નામેન્ટ નજીક આવે છે, ત્યારે પ્રશંસકો અને પસંદગીકારોની નજર બે નામ પર આવીને અટકી જાય છે વિરાટ કોહલી અને રોહિત શર્મા. પરંતુ તાજેતરના અહેવાલોએ ભારતીય ક્રિકેટ જગતમાં ચિંતા અને ઉત્સુકતા બંનેનો માહોલ પેદા કરી દીધો છે. અફઘાનિસ્તાન સામે ૧૩ જૂનથી શરૂ થઈ રહેલી વન-ડે (ODI) શ્રેણી પહેલા જ વિરાટ કોહલી હેમસ્ટ્રિંગની ઈજાના કારણે બહાર થઈ ગયો છે, જ્યારે રોહિત શર્માની ફિટનેસ પર પણ સવાલો ઊભા થયા છે.
BCCI અને ટીમ મેનેજમેન્ટને જે પરિસ્થિતિનો લાંબા સમયથી ડર હતો, તે હવે વાસ્તવિકતા બનીને સામે આવી છે. જો કે, આ પડકારને એક તક તરીકે પણ જોઈ શકાય છે, જ્યાં ભારતને ૨૦૨૭ના આગામી વન-ડે વર્લ્ડ કપ પહેલા પોતાના ‘પ્લાન B’ ને અજમાવવાની સુવર્ણ તક મળી છે.
ભૂતકાળનું શાનદાર પ્રદર્શન અને ભવિષ્યની અનિશ્ચિતતા
૨૦૨૫ ના અંતમાં જ્યારે વિરાટ અને રોહિતે એક લાંબા વિરામ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમન કર્યું, ત્યારે તેમણે ટીકાકારોના મોં બંધ કરી દીધા હતા. ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીમાં બંને વરિષ્ઠ ખેલાડીઓએ શાનદાર બેટિંગ કરી હતી. રોહિત શર્માએ નવ ઇનિંગ્સમાં ૩ સદી અને ૩ અડધી સદી સાથે ૬૧૬ રન ફટકાર્યા હતા, જે તે સમયગાળામાં કોઈ પણ ભારતીય બેટ્સમેન દ્વારા કરવામાં આવેલા સૌથી વધુ રન હતા. બીજી તરફ, વિરાટ કોહલી પણ પાછળ રહ્યો નહોતો, તેણે ૪૦૯ રન બનાવીને પોતાની ક્લાસ સાબિત કરી હતી. બંનેને પોતપોતાની શ્રેણીમાં ‘પ્લાનર ઓફ ધ સિરીઝ’ ના એવોર્ડ પણ મળ્યા હતા.
આટલું જ નહીં, સ્થાનિક ક્રિકેટમાં પોતાની પકડ મજબૂત કરવા માટે બંને ખેલાડીઓ વિજય હજારે ટ્રોફીમાં પણ રમ્યા અને ત્યાં પણ સદીઓ ફટકારી. પરંતુ મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકરની લાંબા ગાળાની યોજનાઓમાં આ બંને દિગ્ગજોના સ્થાનની કોઈ લેખિત ગેરંટી નહોતી. પસંદગી સમિતિ હંમેશાંથી જાણતી હતી કે ફોર્મ કરતાં પણ વધુ મોટો પડકાર ‘ઉંમર અને ફિટનેસ’ છે.
અજીત અગરકરની એ ભવિષ્યવાણી અને ઈજાનું ગ્રહણ
ગયા વર્ષે ઓક્ટોબરમાં જ્યારે અજીત અગરકરને વિરાટ અને રોહિતના ભવિષ્ય અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, “જ્યારે એક ખેલાડીની સરેરાશ ૫૦ થી વધુ હોય અને બીજાની ૫૦ ની નજીક હોય, ત્યારે તેમને વારંવાર અજમાયશ પર મૂકવા મૂર્ખામી ગણાશે. પરંતુ ૨૦૨૭ હજુ ઘણું દૂર છે.”
મુખ્ય પસંદગીકારનું આ વિધાન આજે બિલકુલ સાચું સાબિત થઈ રહ્યું છે. IPL ૨૦૨૬ દરમિયાન રોહિત શર્માને હેમસ્ટ્રિંગની ઈજા નડી હતી, જેના કારણે તે પૂરી સીઝન રમી શક્યો નહોતો અને અફઘાનિસ્તાન શ્રેણી માટે પણ તેની ફિટનેસ પર સસ્પેન્સ છે. બીજી તરફ, વિરાટ પણ ઈજાનો ભોગ બન્યો છે. વધતી ઉંમર સાથે ખેલાડીઓનું શરીર ઈજાઓ તરફ વધુ સંવેદનશીલ બને છે, અને આ જ કારણે BCCI મેનેજમેન્ટ હંમેશાંથી બેકઅપ પ્લાન તૈયાર રાખવા માંગતું હતું.
શું છે BCCI નો ‘પ્લાન B’?
અફઘાનિસ્તાન સામેની વન-ડે શ્રેણી ભલે કાગળ પર સામાન્ય લાગે, પરંતુ ભારતીય ક્રિકેટના ભવિષ્ય માટે તે માઈલસ્ટોન સાબિત થઈ શકે છે. જો કોહલી અને રોહિત બંને આ શ્રેણી ગુમાવશે, તો મેચનો રોમાંચ થોડો ઓછો ચોક્કસ થશે, પણ પસંદગીકારો માટે માથાનો દુખાવો ઓછો થશે કારણ કે તેમની પાસે યુવા લોહીને અજમાવવાનો આનાથી સારો સમય હોઈ ન શકે. પસંદગી સમિતિએ છેલ્લા એક વર્ષમાં નવોદિત ખેલાડીઓની એક આખી ફોજ તૈયાર કરી છે, જે આ બંને મહાન ખેલાડીઓની જગ્યા લેવા માટે સક્ષમ છે.
ઈશાન કિશનનું ધમાકેદાર પુનરાગમન
રોહિત શર્માની ગેરહાજરીમાં ઓપનિંગ સ્લોટ માટે જે નામ સૌથી પહેલા સામે આવે છે તે છે ઈશાન કિશન. તાજેતરના T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન અને આક્રમક IPL સીઝન બાદ ઈશાન ફરીથી વન-ડે સેટઅપમાં પાછો ફર્યો છે. ઈશાન પાસે વન-ડે ક્રિકેટનો સારો અનુભવ છે અને ૨૦૨૨માં બાંગ્લાદેશ સામે તેણે લગાવેલી બેવડી સદી હજુ પણ ક્રિકેટ પ્રેમીઓના મનમાં તાજી છે. જો રોહિત ઉપલબ્ધ ન હોય, તો ઈશાન કિશન સીધો ઓપનર તરીકે ટીમમાં આવી શકે છે, જે ટીમને પાવરપ્લેમાં આક્રમક શરૂઆત અપાવવાની ક્ષમતા રાખે છે.
યશસ્વી જયસ્વાલ ભવિષ્યનો સુપરસ્ટાર
જો ટીમ મેનેજમેન્ટ ઈશાન કિશનને મિડલ ઓર્ડર અથવા નંબર ૩ પર રમાડવાનું વિચારે, તો ઓપનિંગમાં યશસ્વી જયસ્વાલથી ઉત્તમ કોઈ વિકલ્પ નથી. જયસ્વાલે ડિસેમ્બર ૨૦૨૫ માં દક્ષિણ આફ્રિકા સામેની તેની છેલ્લી વન-ડે મેચમાં અણનમ ૧૧૬ રન વસૂલ્યા હતા. જયસ્વાલની ટેકનિક અને લાંબી ઇનિંગ્સ રમવાની ક્ષમતા તેને રોહિત શર્માના લાંબા ગાળાના ઉત્તરાધિકારી તરીકે મજબૂત દાવેદાર બનાવે છે. ડાબોડી ઓપનર હોવાના કારણે તે ટીમમાં લેફ્ટ-રાઇટ કોમ્બિનેશન પણ જાળવી રાખે છે.
દેવદત્ત પડિક્કલ ક્લાસ અને સાતત્યનો સમન્વય
વિરાટ કોહલીના નંબર ૩ ના સ્થાનને ભરવું એ ક્રિકેટ જગતનું સૌથી અઘરું કામ છે. પરંતુ ડોમેસ્ટિક ક્રિકેટમાં રનનો અંબાર લગાવનાર દેવદત્ત પડિક્કલ આ સ્થાન માટે એક આશાસ્પદ વિકલ્પ છે. વિજય હજારે ટ્રોફીમાં પડિક્કલે રચેલો ઈતિહાસ તેની ક્ષમતાની ગવાહી આપે છે. તેણે ૯ ઇનિંગ્સમાં ૯૦.૬૨ ની અવિશ્વસનીય સરેરાશથી ૭૨૫ રન બનાવ્યા હતા, જેમાં ૪ સદી અને એક ૯૧ રનની ઇનિંગ સામેલ હતી. પડિક્કલ પણ ટોચના ક્રમે અથવા નંબર ૩ પર રમી શકે તેવી લવચીકતા (flexibility) ધરાવે છે.

