“એક સાથે – એક સમયે – એક ગોળી” સંકલ્પ સાથે ગાંધીનગર જિલ્લામાં એનિમિયા નિવારણ માટે મેગા ડ્રાઈવ
ગાંધીનગર જિલ્લામાં એનીમિયા (લોહીની ઉણપ) જેવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા પ્રત્યે જાગૃતિ લાવવા માટે “વર્લ્ડ એનીમિયા અવેરનેસ ડે” ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. એનીમિયા માત્ર શારીરિક નબળાઈ નથી, પરંતુ તે બાળકોના વિકાસ અને ભવિષ્યની માતાઓના સ્વાસ્થ્યને સીધી અસર કરતો વિષય છે. આ પડકારને પહોંચી વળવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અશોક વૈષ્ણવના માર્ગદર્શન હેઠળ જિલ્લાભરમાં વિશેષ જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા.
ટેસ્ટ-ટ્રીટ-ટોક-ટ્રેક (T4) અભિગમ
આરોગ્ય વિભાગ દ્વારા આ ઝુંબેશ હેઠળ ચાર તબક્કાની પ્રક્રિયા અપનાવવામાં આવી છે:
-
Test (તપાસ): લાભાર્થીઓના હિમોગ્લોબીનની તપાસ કરી એનીમિયાના પ્રકાર (Mild, Moderate & Severe) નક્કી કરવા.
-
Treat (સારવાર): રિપોર્ટના આધારે આયર્નની ગોળીઓ (IFA) અને જરૂરી રેફરલ સેવાઓ પૂરી પાડવી.
-
Talk (સંવાદ): પોષણયુક્ત આહાર અને ફોર્ટીફાઇડ ખાદ્ય પદાર્થોના ઉપયોગ અંગે વાલીઓ અને બાળકો સાથે પરામર્શ કરવો.
-
Track (ફોલોઅપ): એનીમિયા ધરાવતા લાભાર્થીઓની યાદી બનાવી દર ૧૫ દિવસે આરોગ્ય કર્મચારીઓ દ્વારા તેમની સ્થિતિનું નિરીક્ષણ કરવું.
શાળાઓ અને વાલીઓ સાથે સંકલન
એનીમિયા નિવારણમાં શિક્ષણ વિભાગની ભૂમિકા અત્યંત મહત્વની રહી છે:
૧. શાળા સ્તરે જાગૃતિ: RBSK ટીમો દ્વારા શાળાઓમાં તપાસણી કરી વિદ્યાર્થીઓને IFA ટેબ્લેટના ફાયદા સમજાવવામાં આવ્યા હતા.
૨. SMC અને PTM બેઠકો: વાલી-શિક્ષક મિટિંગમાં બાળકોના આહારમાં વિવિધતા લાવવા અને ડબલ ફોર્ટીફાઇડ મીઠું કે ચોખા વાપરવા અંગે માર્ગદર્શન અપાયું હતું.
૩. એક સાથે અભિયાન: “એક સાથે – એક સમયે – એક ગોળી” ના સંકલ્પ સાથે શાળાઓ અને આંગણવાડીઓમાં પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને આયર્ન ટેબલેટનું વિતરણ કરાયું હતું.
સગર્ભા અને ધાત્રી માતાઓ માટે વિશેષ સેવા
સ્થાનિક ‘મમતા દિવસ’ દરમિયાન સ્ત્રી આરોગ્ય કાર્યકરો દ્વારા સગર્ભા અને ધાત્રી માતાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. કિશોરીઓમાં હિમોગ્લોબીનનું સ્તર જળવાય તે માટે સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા વ્યાપક પ્રચાર કરવામાં આવ્યો હતો. તંત્રના આ સંયુક્ત પ્રયાસોથી ગાંધીનગર જિલ્લો એનીમિયા મુક્ત થવા તરફ મક્કમ ડગલાં ભરી રહ્યો છે.

