NDMAના માર્ગદર્શન હેઠળ કાકરાપારમાં ઓફસાઇટ પ્રિપેરડનેસ મોકડ્રીલ યોજાશે
ભારત સરકારના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) ના માર્ગદર્શન હેઠળ, તાપી જિલ્લામાં આવેલ કાકરાપાર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ખાતે આગામી ૨૬ અને ૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ ‘ઓફસાઇટ પ્રિપેડનેસ’ અંગેની એક મહત્વપૂર્ણ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. આ કવાયતનો મુખ્ય હેતુ ન્યુક્લિયર પ્લાન્ટમાં કોઈ આકસ્મિક કટોકટી સર્જાય તેવા સંજોગોમાં વહીવટી તંત્રની સજ્જતા અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુરત અને તાપી જિલ્લાના વહીવટી તંત્ર તેમજ કાકરાપાર સાઈટના અધિકારીઓ દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે.
વહીવટી તંત્ર વચ્ચે સંકલન માટે ઓનલાઇન કોન્ફરન્સ
મોકડ્રીલના પૂર્વ આયોજનના ભાગરૂપે તાજેતરમાં NDMA દ્વારા ‘ઓરિએન્ટેશન એન્ડ કોઓર્ડિનેશન કોન્ફરન્સ’ યોજવામાં આવી હતી. આ વીડિયો કોન્ફરન્સમાં તાપી અને સુરત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. તાપી જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર આર.આર. બોરડેએ વિવિધ વિભાગો વચ્ચેના સંકલન પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, કોઈ પણ આપત્તિના સમયે ત્વરિત પ્રતિસાદ અત્યંત અનિવાર્ય છે. તેમણે આરોગ્ય, પોલીસ, અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિતના લાઇન ડિપાર્ટમેન્ટ્સને પરસ્પર સહયોગ સાધીને કામ કરવા માટે રચનાત્મક સૂચનો આપ્યા હતા.
સુરક્ષા અને સજ્જતા ચકાસવા વિવિધ એજન્સીઓનું જોડાણ
આ મોકડ્રીલ દરમિયાન વિવિધ સરકારી એજન્સીઓ વચ્ચે અસરકારક સંકલન સાધવા માટેનું ખાસ માળખું તૈયાર કરવામાં આવ્યું છે. તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં પ્રાંત અધિકારી સંદીપ ગાયકવાડ, નાયબ પોલીસ અધિક્ષક પી.જી. નરવાડે અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ વસાવા સહિતના અધિકારીઓએ ઉપસ્થિત રહીને પોતપોતાના વિભાગની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આવી વ્યવસ્થિત મોકડ્રીલથી સ્થાનિક પ્રશાસન કોઈ પણ સંભવિત જોખમ સામે લડવા માટે વધુ સજ્જ બને છે અને જનતાનો વિશ્વાસ પણ સંપાદિત કરી શકાય છે.
