ઈસ્લામિક સ્ટેટના 22 હજાર આતંકીઓ અચાનક ગાયબ: ક્યાં ગયા આ ખતરનાક લડવૈયાઓ? વૈશ્વિક એજન્સીઓમાં ફફડાટ
સીરિયાના રણ પ્રદેશમાં આવેલા કુખ્યાત કેમ્પમાંથી અચાનક 22 હજાર જેટલા ઈસ્લામિક સ્ટેટ (IS) ના આતંકીઓ અને તેમના પરિવારો ગાયબ થઈ જવાની ઘટનાએ આંતરરાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓની ઊંઘ હરામ કરી દીધી છે. ઉત્તર-પૂર્વ સીરિયામાં કુર્દ નેતૃત્વવાળી સીરિયન ડેમોક્રેટિક ફોર્સિસ (SDF) ની દેખરેખ હેઠળ રખાયેલા આ શંકાસ્પદો હવે સુરક્ષા ઘેરાની બહાર નીકળી ગયા છે, જે ભવિષ્યમાં મોટા ખતરાનો સંકેત આપી રહ્યા છે.
અલ-હોલ કેમ્પમાં સુરક્ષા વ્યવસ્થા પડી ભાંગી
સીરિયામાં સરકારી દળોની કાર્યવાહી બાદ SDF ને અનેક વિસ્તારોમાંથી પાછા હટવું પડ્યું, જેના કારણે સુરક્ષા વ્યવસ્થા નબળી પડી ગઈ. આનો સૌથી મોટો પ્રભાવ કુખ્યાત અલ-હોલ (Al-Hol) કેમ્પ પર પડ્યો. અહેવાલો મુજબ, થોડા અઠવાડિયા પહેલા સુધી આ કેમ્પમાં 24 હજારથી વધુ લોકો હતા, જે હવે લગભગ ખાલી થઈ ગયો છે. કેમ્પમાં રહેલા લોકોએ ફેન્સિંગ તોડી, તંબુઓને આગ લગાવી અને ચોકીદારો પર હુમલો કરી ભાગવામાં સફળતા મેળવી છે. ઘણા કિસ્સાઓમાં તસ્કરોની મદદથી તેઓ રાતોરાત ગાયબ થઈ ગયા હોવાની આશંકા છે.
ક્યાં ગયા આ કટ્ટર સમર્થકો?
કેમ્પમાંથી ભાગેલા મોટાભાગના સીરિયન નાગરિકો પોતપોતાના ગામો કે શહેરોમાં પરત ફર્યા હોવાનું માનવામાં આવે છે, પરંતુ તેમની યોગ્ય તપાસ થઈ છે કે નહીં તે સ્પષ્ટ નથી. ચિંતાનો વિષય એ વિદેશી નાગરિકો અને કટ્ટર લડવૈયાઓ છે, જેઓ ઈદલિબ અને અલેપ્પો પ્રાંતના સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં છુપાયા હોવાની શક્યતા છે. આ વિસ્તારો પહેલેથી જ અસ્થિર હોવાથી સુરક્ષા એજન્સીઓ માટે તેમની પર નજર રાખવી અશક્ય બની ગઈ છે.
રોજ કેમ્પ અને ઘરવાપસીમાં અવરોધ
બીજી તરફ, નાનો પરંતુ સંવેદનશીલ રોજ (Roj) કેમ્પ હજુ પણ SDF ના નિયંત્રણ હેઠળ છે. ફેબ્રુઆરી 2026 માં, 34 ઓસ્ટ્રેલિયન મહિલાઓ અને બાળકોને તેમના વતન મોકલવાનો પ્રયાસ થયો હતો, પરંતુ ટેકનિકલ અને રાજકીય અવરોધોને કારણે તેમનો કાફલો પરત ફરવો પડ્યો હતો. આ દરમિયાન કેટલીક યુરોપિયન મહિલાઓ સીરિયાની સરહદ ઓળંગીને તુર્કી પહોંચવામાં સફળ રહી છે અને ત્યાંથી પોતાના દેશોનો સંપર્ક કર્યો છે.
અમેરિકાની તાત્કાલિક કાર્યવાહી: 5700 લડવૈયાઓને ઇરાક ખસેડાયા
વધતા જોખમને ધ્યાનમાં રાખીને અમેરિકાએ કડક પગલાં લીધા છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે 5,700 થી વધુ શંકાસ્પદ પુરુષ લડવૈયાઓને હવાઈ માર્ગે સીરિયાથી ઇરાક મોકલી દીધા છે. ત્યાં તેમને કાયદાકીય પ્રક્રિયા અને પૂછપરછનો સામનો કરવો પડશે. અમેરિકાના આ પગલાથી સીરિયામાં જેલ તોડવાની ઘટનાઓનું જોખમ ઘટ્યું છે, પરંતુ હવે આ આતંકીઓને હેન્ડલ કરવાની જવાબદારી બગદાદ સરકાર પર આવી પડી છે.

