સગર્ભા માતા અને નવજાત શિશુની સંભાળ મજબૂત બનાવવા ગાંગરડામાં ICDS–આરોગ્ય વિભાગની તાલીમ
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડા ગામે આવેલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ખાતે આંગણવાડી કાર્યકર્તાઓ માટે એક વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં આરોગ્ય અને ICDS વિભાગના તજજ્ઞોએ હાજર રહીને બહેનોને માર્ગદર્શન આપ્યું હતું. આ તાલીમનો મુખ્ય હેતુ ગ્રામ્ય સ્તરે માતા અને બાળકના સ્વાસ્થ્યને વધુ સુદ્રઢ બનાવવાનો હતો.
સગર્ભા માતાઓ અને નવજાત શિશુની સંભાળ અંગે વિસ્તૃત માર્ગદર્શન
મેડિકલ ઓફિસર ડૉ. બક્ષિશ ડામોર અને ડૉ. પાયલ દરજીએ આંગણવાડી કાર્યકર્તાઓને સગર્ભા અને ધાત્રી માતાઓના આહાર તેમજ નવજાત શિશુના પોષણ વિશે ઊંડાણપૂર્વક સમજણ આપી હતી. શિશુ અવસ્થામાં જોવા મળતી સામાન્ય બીમારીઓને કેવી રીતે ઓળખવી, તેનું નિદાન અને સમયસર સારવાર કેવી રીતે કરવી તે અંગે પણ માહિતી અપાઈ હતી. બાળકોને ગંભીર રોગોથી બચાવવા માટે જરૂરી તકેદારી અને રસીકરણના મહત્વ પર આ દરમિયાન વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
કુપોષણ નિવારણ અને અસરકારક સંચાર કૌશલ્યની સમજ
આરોગ્ય ક્ષેત્રે ‘મેદાની સ્તરે’ કામગીરી વધુ અસરકારક બનાવવા માટે કાર્યકર્તાઓને સંચાર કૌશલ્યની તાલીમ આપવામાં આવી હતી, જેથી તેઓ ગ્રામીણ પરિવારોને રસીકરણ અને ઘરઘથ્થું સારવાર અંગે વધુ સારી રીતે સમજાવી શકે. CMAM પ્રોજેક્ટ હેઠળ કુપોષણ દૂર કરવા માટે વિવિધ વિભાગોના સંકલન દ્વારા કયા પગલાં લેવા જોઈએ તેની પણ ચર્ચા કરવામાં આવી હતી. આ તાલીમ દ્વારા આંગણવાડી બહેનોની કાર્યક્ષમતા વધશે અને છેવાડાના ગામડાઓ સુધી આરોગ્ય સેવાઓ વધુ સારી રીતે પહોંચશે.

