ગામડે ગામડે યોગ પહોંચાડવાના હેતુથી ગોવિંદ ગુરુ લીમડીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડની યોગ શિબિર
દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી તાલુકામાં આવેલા ગાયત્રી મંદિર હોલ ખાતે એક વિશેષ યોગ શિબિર યોજાઈ હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શરૂ કરાયેલા ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય હેતુ દરેક ગામડે યોગ ટ્રેનર તૈયાર કરી ઘર-ઘર સુધી યોગ પહોંચાડવાનો છે, જેથી લોકો શારીરિક અને માનસિક રીતે નિરોગી રહી શકે.
ગ્રામ્ય વિસ્તારના ૬૩ યુવાનો યોગ ટ્રેનર બનવા સજ્જ
આ શિબિરમાં લીમડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. ખાસ વાત એ છે કે, ૬૩ જેટલા ઉત્સાહી લોકોએ યોગ ટ્રેનર બનવા માટે ફોર્મ ભર્યા હતા અને વ્યવસ્થિત તાલીમ લેવાની તૈયારી દર્શાવી હતી. આ નવા તૈયાર થનારા ટ્રેનર્સ આગામી સમયમાં સમગ્ર તાલુકામાં યોગનું વાતાવરણ ઊભું કરશે અને લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનું કામ કરશે.
મહાનુભાવોની હાજરીમાં સફળ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ
આ કાર્યક્રમમાં સ્થાનિક સરપંચ, સરકારી આયુર્વેદ હોસ્પિટલના ડોક્ટરો, ગાયત્રી મંદિરના મહારાજ તેમજ યોગ બોર્ડના જિલ્લા અને ઝોન કો-ઓર્ડિનેટર્સ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે, જે ભાઈ-બહેનોએ પોતાની યોગ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી, તેમને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ શિબિરે તાલુકામાં યોગ પ્રત્યે નવી ચેતના જગાડી છે.

