અપૂરતી ઊંઘ લેવાથી શરીર પર કેવી અસરો થાય છે? જાણો કયો પોઈન્ટ દબાવવાથી આવશે ઘસઘસાટ ઊંઘ
આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં શાંત અને પૂરી ઊંઘ લેવી એ ઘણા લોકો માટે એક સપનું બની ગયું છે. મોડે સુધી મોબાઈલનો ઉપયોગ, માનસિક તણાવ અને ખાણી-પીણીની ખોટી આદતોને કારણે ઊંઘ ન આવવાની સમસ્યા સતત વધી રહી છે. જો તમે પણ રાત્રે પડખા ફેરવતા રહો છો, તો આ લેખ તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.
પૂરી ઊંઘ ન લેવાના ગંભીર ગેરફાયદા
નિષ્ણાતોના મતે તંદુરસ્ત શરીર માટે ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ઊંઘ લેવી અનિવાર્ય છે. જો તમે લાંબા સમય સુધી ઓછી ઊંઘ લો છો, તો તેની વિપરીત અસરો તમારા શરીર પર જોવા મળે છે:
- મગજની કાર્યક્ષમતા પર અસર: ઊંઘ પૂરી ન થવાથી એકાગ્રતામાં ઘટાડો થાય છે. વ્યક્તિ કોઈ પણ કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતી નથી અને સમય જતાં યાદશક્તિ નબળી પડવા લાગે છે.
- સતત થાક અને નબળાઈ: જો તમે પૂરતી ઊંઘ નથી લેતા, તો આખો દિવસ શરીરમાં સુસ્તી અને થાક અનુભવાય છે, જેના કારણે કામમાં મન નથી લાગતું.
- રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો: જ્યારે આપણે ઊંઘીએ છીએ ત્યારે આપણું શરીર આંતરિક રીપેરીંગનું કામ કરે છે. ઊંઘ ઓછી થવાથી ઈમ્યુનિટી નબળી પડે છે અને વારંવાર બીમાર પડવાનું જોખમ વધી જાય છે.
- વજનમાં વધારો: સાંભળવામાં કદાચ વિચિત્ર લાગે, પણ ઓછી ઊંઘ લેવાથી ભૂખ વધારનારા હોર્મોન્સ સક્રિય થાય છે, જેના કારણે વ્યક્તિ વધારે ખાય છે અને વજન વધવા લાગે છે.
- માનસિક સ્વાસ્થ્ય અને સ્વભાવ: ઊંઘના અભાવે સ્વભાવ ચિડિયો થઈ જાય છે. નાની નાની વાતોમાં ગુસ્સો આવવો અને તણાવ વધવો એ સામાન્ય બની જાય છે.
- ત્વચા અને વાળની સમસ્યા: પૂરી ઊંઘ ન લેવાથી ચહેરા પર ડાર્ક સર્કલ્સ દેખાવા લાગે છે અને ત્વચા નીસ્તેજ થઈ જાય છે. આ ઉપરાંત વાળ ખરવાની સમસ્યા પણ થઈ શકે છે.
કયો અંગ (પોઈન્ટ) દબાવવાથી સારી ઊંઘ આવશે?
એક્યુપ્રેશર એક્સપર્ટ્સના મતે, ઊંઘ લાવવા માટે ઊંઘની ગોળીઓ લેવા કરતા કુદરતી ઉપાયો અજમાવવા વધુ હિતાવહ છે. કલાઈ પાસે આવેલા ‘શેનમેન પોઈન્ટ’ (Shenmen Point) ને દબાવવાથી મન શાંત થાય છે અને તુરંત ઊંઘ લાવવામાં મદદ મળે છે.
આ ઉપાય કેવી રીતે કરવો?
- તમારી હથેળીની ઉપરની તરફ, કાંડા પાસે ટચલી આંગળીની લાઇનમાં નીચેની બાજુએ એક નાનો ખાડો અનુભવો.
- આ ભાગને અંગૂઠાની મદદથી હળવા હાથે 2 થી 5 મિનિટ સુધી દબાવો.
- આ જ પ્રક્રિયા બંને હાથ પર કરો.
- રાત્રે સૂતા પહેલા આ પોઈન્ટ દબાવવાથી મગજને આરામ મળે છે અને ઊંઘ જલ્દી આવે છે.
સારી ઊંઘ માટે કેટલીક વધારાની ટિપ્સ
- ગેજેટ્સથી દૂર રહો: સૂવાના ઓછામાં ઓછા એક કલાક પહેલા મોબાઈલ કે લેપટોપનો ઉપયોગ બંધ કરી દો.
- કેફીનનું સેવન ટાળો: રાત્રે ચા અથવા કોફી પીવાનું ટાળો, કારણ કે તે તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે.
- ચોક્કસ સમય નક્કી કરો: રોજ એક જ સમયે સૂવાની અને જાગવાની આદત કેળવો.
- વાતાવરણ શાંત રાખો: જે રૂમમાં તમે સૂતા હોવ ત્યાં અંધારું અને શાંતિ હોવી જોઈએ.
- હળવું સંગીત: સૂતા પહેલા હળવું મ્યુઝિક સાંભળવાથી કે વાંચન કરવાથી પણ મન શાંત થાય છે.

