જાહેરમાં ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે મનપાનો કડક વલણ, રૂ. ૧.૮૩ લાખથી વધુ દંડ વસૂલાત
કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ સેનિટેશન વિભાગ દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જાહેરમાં ગંદકી ફેલાવતા અને પર્યાવરણને નુકસાન કરતા એકમો સામે મનપા તંત્રએ કડક વલણ અપનાવી દંડનાત્મક કાર્યવાહી શરૂ કરી છે.
ફેબ્રુઆરી માસમાં થયેલી કાર્યવાહીની વિગતો
સેનિટેશન વિભાગ દ્વારા ફેબ્રુઆરી માસ દરમિયાન વિવિધ વિસ્તારોમાં આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતા એકમો પાસેથી મોટી રકમનો દંડ વસૂલવામાં આવ્યો છે:
-
ગંદકી બદલ દંડ: જાહેરમાં કચરો કે ગંદકી ફેલાવતા 157 એકમો સામે કાર્યવાહી કરી ₹75,800 નો દંડ વસૂલાયો છે.
-
પ્લાસ્ટિક પ્રતિબંધ: પર્યાવરણ માટે જોખમી એવા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા 24 એકમો પાસેથી ₹1,07,500 ની રકમ દંડ પેટે વસૂલ કરવામાં આવી છે.
-
કુલ વસૂલાત: ફેબ્રુઆરી માસમાં કુલ 181 એકમો સામે પગલાં ભરીને મનપાએ ₹1,83,300 નો કુલ દંડ ફટકાર્યો છે.
સ્વચ્છતા જાળવવા અને પ્લાસ્ટિક મુક્ત રહેવા અપીલ
મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગે શહેરના તમામ વેપારીઓ અને એકમોને ખાસ તાકીદ કરી છે કે તેઓ મનપા વિસ્તારને ગંદકીમુક્ત રાખવામાં સહયોગ આપે. સત્તાવાળાઓ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે કે નાગરિકો અને એકમો કચરાનો યોગ્ય નિકાલ કરે અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું ટાળે. આગામી સમયમાં પણ આ પ્રકારની આકસ્મિક તપાસણી ચાલુ રહેશે અને નિયમભંગ કરનારાઓ સામે વધુ કડક પગલાં લેવામાં આવશે.

