ટાટા ગ્રુપના 158 વર્ષ: એક પારસી યુવાનના વિઝને ભારતને કેવી રીતે બનાવ્યું ‘આત્મનિર્ભર’?
ભારતીય ઉદ્યોગ જગતના પિતામહ અને ટાટા સામ્રાજ્યના સ્થાપક જમશેદજી ટાટાની આજે જન્મજયંતિ છે. એક એવો વ્યક્તિ જેણે માત્ર 21,000 રૂપિયાથી શરૂઆત કરી હતી અને આજે તે નામ વિશ્વના ખૂણેખૂણે ગુંજી રહ્યું છે. જમશેદજી ટાટાની જીવનકથા માત્ર એક બિઝનેસમેનની સફળતાની વાર્તા નથી, પરંતુ આધુનિક ભારતની રચનાનો પાયો છે.
નવસારીની ગલીઓથી વૈશ્વિક મંચ સુધીની સફર
3 માર્ચ, 1839ના રોજ ગુજરાતના નવસારીમાં જન્મેલા જમશેદજી નુસરવાનજી ટાટા એક સામાન્ય પારસી પરિવારના સંતાન હતા. તેમના પિતા નુસરવાનજીએ વર્ષો જૂની કૌટુંબિક પરંપરા તોડીને વેપારમાં ઝંપલાવ્યું હતું. તે સમયે પારસી પરિવારો મોટાભાગે ધાર્મિક સેવાઓ સાથે સંકળાયેલા રહેતા હતા, પરંતુ નુસરવાનજીએ બિઝનેસમાં નસીબ અજમાવ્યું અને આ જ સાહસિકતા જમશેદજીના લોહીમાં પણ ઉતરી આવી હતી. 14 વર્ષની વયે તેઓ મુંબઈ આવ્યા અને એલ્ફિન્સ્ટન કોલેજમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પિતાના કામમાં જોડાયા.
તેમણે 29 વર્ષની વયે માત્ર 21,000 રૂપિયાની મૂડી સાથે એક ટ્રેડિંગ કંપની શરૂ કરી હતી. એ સમયે કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે આ નાની રકમ એક દિવસ લાખો કરોડના ટર્નઓવરવાળા વિશાળ વટવૃક્ષમાં ફેરવાઈ જશે. આજે, ટાટા ગ્રુપનું માર્કેટ કેપિટલાઇઝેશન 31 માર્ચ 2025 સુધીમાં 30,07,525 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, જે જમશેદજીના દૂરંદેશી વિઝનનું પરિણામ છે.
ભારતીય ઉદ્યોગના ભીષ્મ પિતામહ: વિઝન જેણે દેશ બદલ્યો
જમશેદજી ટાટા માત્ર પૈસા કમાવવા માંગતા નહોતા; તેમનું લક્ષ્ય ભારતને આત્મનિર્ભર બનાવવાનું હતું. તેમણે પોતાના જીવનકાળ દરમિયાન ચાર મોટા સપના જોયા હતા: એક સ્ટીલ પ્લાન્ટ, એક વિશ્વકક્ષાની શૈક્ષણિક સંસ્થા, એક અનોખી હોટલ અને હાઈડ્રો-ઈલેક્ટ્રિક પાવર પ્લાન્ટ. જોકે, તેમના જીવનકાળ દરમિયાન માત્ર તાજ મહાલ પેલેસ હોટલ (મુંબઈ) તૈયાર થઈ શકી હતી, પરંતુ બાકીના પ્રોજેક્ટ્સનો પાયો તેમણે એટલો મજબૂત નાખ્યો હતો કે તેમના અવસાન બાદ પણ તે પૂર્ણ થયા.
ટાટા સ્ટીલ (ટાટા નગર – જમશેદપુર) એ ભારતની ઔદ્યોગિક ક્રાંતિનું પ્રતીક છે. જ્યારે બ્રિટિશરો કહેતા હતા કે ભારતીયો રેલવેના પાટા જેવું મજબૂત સ્ટીલ બનાવી શકશે નહીં, ત્યારે જમશેદજીએ તે પડકાર સ્વીકારીને એશિયાનો પ્રથમ સ્ટીલ પ્લાન્ટ સ્થાપવાની યોજના બનાવી. આ જ રીતે, બેંગલોરમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISc) ની સ્થાપના પાછળ પણ તેમનું જ મન હતું, કારણ કે તેઓ માનતા હતા કે વિજ્ઞાન અને શિક્ષણ વિના કોઈ પણ દેશ પ્રગતિ કરી શકે નહીં.
માનવતાવાદી બિઝનેસ મોડલ: નફો નહીં, પણ દેશહિત
ટાટા ગ્રુપની સૌથી મોટી ઓળખ તેની નૈતિકતા અને કર્મચારીઓ પ્રત્યેનો પ્રેમ છે. જમશેદજીએ એવા સમયે કર્મચારીઓના કલ્યાણની વાત કરી હતી જ્યારે વિશ્વમાં મજૂર અધિકારો વિશે કોઈ જાણતું પણ નહોતું. તેમણે ટાટા સ્ટીલમાં આઠ કલાકની શિફ્ટ, પેન્શન યોજના અને મેડિકલ રજા જેવી સુવિધાઓ અમલમાં મૂકી હતી, જે પાછળથી આંતરરાષ્ટ્રીય લેબર કાયદાનો ભાગ બની.
આજે ટાટા ગ્રુપ 100 થી વધુ દેશોમાં ફેલાયેલું છે અને મીઠું (Tata Salt) થી લઈને સોફ્ટવેર (TCS) અને સ્ટીલથી લઈને લક્ઝરી કાર (Jaguar Land Rover) સુધીના વ્યવસાયોમાં અગ્રેસર છે. 2024-25 માં ગ્રુપનું રેવન્યુ 16,50,471 લાખ કરોડ રૂપિયા રહ્યું, જે દર્શાવે છે કે જમશેદજીએ વાવેલા બીજ આજે આખા વિશ્વને છાંયડો આપી રહ્યા છે. ભારત રત્ન (મરણોત્તર) મેળવનારા ઉદ્યોગપતિઓમાં પણ ટાટા પરિવારનું નામ ગર્વથી લેવાય છે. જમશેદજી ટાટાની વાર્તા આપણને શીખવે છે કે જો ઈરાદા મજબૂત હોય અને વિઝન સ્પષ્ટ હોય, તો સામાન્ય શરૂઆત પણ અસાધારણ ઇતિહાસ રચી શકે છે.

