તબીબી કર્મચારીઓ માટે તણાવમુક્ત ક્ષણો, નર્સિંગ ટીમે ફાઈનલ જીતી ટ્રોફી પર કબજો કર્યો
નવી સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગો વચ્ચે પરસ્પર સંકલન અને સૌહાર્દપૂર્ણ સંબંધો કેળવાય તે હેતુથી ખાસ ‘હોળી સ્પેશિયલ કપ’ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તબીબી સેવામાં સતત વ્યસ્ત રહેતા કર્મચારીઓ તણાવમુક્ત બને અને રમતગમત દ્વારા માનસિક તાજગી અનુભવે તેવા શુભ આશયથી આ બે દિવસીય ટુર્નામેન્ટ રમાઈ હતી. હોસ્પિટલમાં ૨૪ કલાક ફરજ બજાવતા વિવિધ ૧૨ વિભાગોની ટીમોએ આ સ્પર્ધામાં ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
૧૨ ટીમો વચ્ચે ખેલાયો જંગ: નર્સિંગ ટીમે મારી બાજી
આ ટુર્નામેન્ટમાં હોસ્પિટલના PIU, RMO ઓફિસ, સેનેટરી ઈન્સ્પેક્ટર વિભાગ, ઈલેક્ટ્રિક, રેડિયોલોજી, મેડિકલ કોલેજ અને મેડિકલ ટીમ સહિતની ૧૨ ટીમો વચ્ચે મેચો રમાઈ હતી. રસાકસી ભરી ફાઈનલ મેચમાં નર્સિંગની ટીમે શાનદાર પ્રદર્શન કરીને વિજેતા ટ્રોફી પોતાના નામે કરી હતી, જ્યારે મેડિકલ કોલેજની ટીમ રનરઅપ જાહેર થઈ હતી. વિજેતા ટીમને નર્સિંગ કાઉન્સિલના ઉપાધ્યક્ષ ઈકબાલ કડીવાલાના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
ટીમ સ્પિરિટ અને સ્વાસ્થ્યનો સંદેશ
આ પ્રસંગે વિરેન પટેલ, પ્રમોદ પટેલ અને અન્ય મહાનુભાવોએ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. ટુર્નામેન્ટનું સફળ આયોજન રાજુ પટેલ, લોકેશ સિંગ અને શિવરાજ સિંગ દ્વારા કરવામાં આવ્યું હતું. રમતગમત દ્વારા કર્મચારીઓમાં ટીમ સ્પિરિટ વધે અને કામના ભારણ વચ્ચે પણ આનંદનું વાતાવરણ જળવાય તે માટે હોસ્પિટલ તંત્ર દ્વારા કરવામાં આવેલી આ પહેલને તમામ કર્મચારીઓએ હોળીની વિશેષ ભેટ ગણાવીને આવકારી હતી.

