રૂ. ૭૦.૬૨ કરોડના ખર્ચે અમરેલીમાં વીજ પુરવઠા મજબૂત બનાવવા ૪૫ ફીડરમાં આધુનિક MVCC કેબલ બિછાવાશે
અમરેલી જિલ્લાના દેવરાજીયા ખાતે ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે આધુનિક MVCC (મીડિયમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટર) કેબલ લગાડવાના પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. પી.જી.વી.સી.એલ દ્વારા વીજ પુરવઠાને વધુ મજબૂત બનાવવા માટે આ કામગીરી હાથ ધરાઈ છે. દેવરાજીયા ફીડરમાં ૧.૪૧ કરોડના ખર્ચે ૧૮ કિલોમીટર લાંબો કેબલ નાખવામાં આવશે, જે ગ્રામીણ વિસ્તારોમાં વીજળીની સમસ્યાઓ દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
સમગ્ર જિલ્લામાં વીજ પુરવઠાની ગુણવત્તામાં થશે સુધારો
મંત્રીશ્રીએ માહિતી આપી કે અમરેલી જિલ્લામાં કુલ ૭૦.૬૨ કરોડના ખર્ચે ૪૫ જેટલા વીજ ફીડરોમાં ૯૪૫ કિલોમીટર લાંબી MVCC કેબલ લાઇન નાખવાનું આયોજન છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી વીજ પુરવઠાની ગુણવત્તામાં મોટો સુધારો આવશે. ખાસ કરીને વરસાદ, ભારે પવન કે ઝાડની ડાળીઓ પડવાને કારણે જે વીજળી ગુલ થઈ જતી હતી, તે સમસ્યામાં હવે મોટો ઘટાડો થશે. આ કેબલ સંપૂર્ણપણે કવર હોવાથી શોર્ટ સર્કિટ અને ટ્રિપિંગ જેવી મુશ્કેલીઓ નહિવત્ થઈ જશે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં કાટની સમસ્યામાંથી મળશે મુક્તિ
અમરેલીના રાજુલા અને જાફરાબાદ જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં ખારાશવાળા વાતાવરણને કારણે વીજ લાઈનોમાં કાટ લાગવાની સમસ્યા રહેતી હોય છે. આ નવી ટેકનોલોજીના વિશિષ્ટ કેબલ પર વાતાવરણની અસર નહીં થાય અને તેને કાટ પણ લાગશે નહીં. જ્યોતિ ગ્રામ યોજના હેઠળના ગામોને આ યોજનામાં આવરી લેવામાં આવ્યા છે. આ આધુનિકીકરણથી લાઈન લોસ ઘટશે અને છેવાડાના ગામડાઓ સુધી સતત અને ગુણવત્તાયુક્ત વીજળી પહોંચાડવાની સરકારની પ્રતિબદ્ધતા સાકાર થશે.

