કારેલાની કડવાશ કેવી રીતે દૂર કરવી? બસ આટલું કરો, કારેલું જરાય કડવું નહીં લાગે!
કારેલું વિટામિન એ, વિટામિન સી, ઝિંક, ફાઈબર અને આયર્ન જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. સ્વાસ્થ્ય માટે આટલું ગુણકારી હોવા છતાં, તેની કડવાશને કારણે ઘણા લોકો તેને ખાવાનું ટાળતા હોય છે, ખાસ કરીને બાળકો. પરંતુ શું તમે જાણો છો કે રસોડાની કેટલીક સરળ ટ્રિક્સ અપનાવીને તમે કારેલાની કડવાશને સંપૂર્ણપણે દૂર કરી શકો છો? જો તમે નીચે મુજબની ટિપ્સ અપનાવશો, તો કારેલાનું શાક નાનાથી લઈને મોટા દરેકને પસંદ આવશે.
વિનેગર (સરકો) વાળા પાણીનો ઉપયોગ
જો તમે કારેલાની કડવાશ ઘટાડવા માંગતા હોવ, તો તેને રાંધતા પહેલા વિનેગર વાળા પાણીમાં પલાળી રાખવા જોઈએ. આ માટે એક બાઉલમાં પાણી લઈ તેમાં 2 થી 3 ચમચી વિનેગર ઉમેરો. હવે કારેલાના ટુકડાને આ પાણીમાં લગભગ 30 મિનિટ સુધી પલાળી રાખો. આ પદ્ધતિ કારેલાની કડવાશ ખેંચી લેવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે.
શેકેલા બેસનનો જાદુ
કારેલું બનાવતી વખતે જો તમે તેની ઉપરની છાલ ઉતારી લો તો કડવાશ ઘણી ઓછી થઈ જાય છે. છાલ ઉતાર્યા પછી કારેલાના ટુકડાને તેલમાં બરાબર સાંતળી લો. જ્યારે તે રંધાઈ જાય ત્યારે તેને ડુંગળી અને ટામેટાના મસાલામાં ઉમેરો. અંતમાં ઉપરથી થોડો શેકેલો બેસન (ચણાનો લોટ) ભભરાવો. બેસન ઉમેરવાથી મસાલો કારેલા પર બરાબર ચોંટી જશે અને તેની કુદરતી કડવાશ દબાઈ જશે, જેનાથી સ્વાદમાં વધારો થશે.
ડુંગળી અને ટામેટાનું પ્રમાણ વધારો
કારેલાની કડવાશને બેલેન્સ કરવા માટે ડુંગળી એક શ્રેષ્ઠ વિકલ્પ છે. ડુંગળીમાં કુદરતી મીઠાશ હોય છે જે કારેલાના તીખાશ અને કડવાશને કાપી નાખે છે. જો તમે અડધો કિલો કારેલાનું શાક બનાવી રહ્યા હોવ, તો તેમાં 4 થી 5 મોટી ડુંગળી અને 3 થી 4 ટામેટાંનો ઉપયોગ કરો. ડુંગળીનું પ્રમાણ વધુ રાખવાથી શાક ચટાકેદાર બનશે અને કડવાશ જરાય નહીં વર્તાય.
દહીંનો ઉપયોગ કરો
કડવાશ દૂર કરવા માટે દહીં પણ એક અક્સીર ઈલાજ છે. જ્યારે તમે ડુંગળી, ટામેટા અને મસાલાનું મિશ્રણ પકવી લો, ત્યારે તેમાં અડધો કપ તાજું દહીં ઉમેરો. તેને બરાબર મિક્સ કરી લો અને પછી તળેલા કારેલા તેમાં ઉમેરો. દહીંના કારણે શાકમાં એક સરસ ગ્રેવી બનશે અને કારેલાની કડવાશ એકદમ ઓછી થઈ જશે.
વધારાની ટિપ: મીઠાનો ઉપયોગ
આ સિવાય એક પરંપરાગત રીત એ પણ છે કે કારેલા કાપ્યા પછી તેના પર મીઠું ભભરાવીને અડધો કલાક રહેવા દો. ત્યારબાદ તેને પાણીથી બરાબર ધોઈને નિચોવી લો. આનાથી કારેલાનું કડવું પાણી નીકળી જશે.

