ગિલાન-બારે સિન્ડ્રોમ સામે લડી 30 સેકન્ડમાં નવરસ રજૂ કરનાર આરુષી બની પ્રેરણારૂપ
જામનગરની માત્ર 9 વર્ષની આરૂષી આજે લાખો બાળકો અને વાલીઓ માટે હિંમતનું પ્રતિક બની છે. પીએમશ્રી કેન્દ્રીય વિદ્યાલય INS વાલસુરામાં અભ્યાસ કરતી આ નાનકડી બાળકીએ જીવનમાં એવા પડકારોનો સામનો કર્યો છે જે કદાચ કોઈ પુખ્ત વયની વ્યક્તિ માટે પણ મુશ્કેલ હોય. માત્ર ચાર વર્ષની ઉંમરે તેને ‘ગિલાન-બારે-સિન્ડ્રોમ’ નામની ગંભીર બીમારી થઈ હતી, જેના કારણે તેના શરીરના ભાગોએ સંવેદના ગુમાવી દીધી હતી. પરંતુ પરિવારનો સાથ અને સતત ફિઝિયોથેરાપીના પ્રતાપે તે ધીમે ધીમે સ્વસ્થ થઈ અને જીવનમાં નવી ઉડાન ભરી.
સ્વસ્થ થયા બાદ આરૂષીના માતા-પિતાએ તેની નૃત્ય પ્રત્યેની રુચિને ઓળખી અને તેને ભરતનાટ્યમની તાલીમ અપાવવાની શરૂઆત કરી. શારીરિક મુશ્કેલીઓ અને નૃત્ય માટે જરૂરી સંતુલન જાળવવું તેના માટે પડકારરૂપ હતું, છતાં અદભૂત આત્મવિશ્વાસ સાથે તેણે વર્ષ 2021થી નૃત્ય શીખવાનું શરૂ કર્યું. આજે તે માત્ર નૃત્ય જ નહીં, પણ વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓ અને ગુજરાત કલા મહાકુંભ જેવી ઈવેન્ટ્સમાં ભાગ લઈને અનેક ગોલ્ડ મેડલ અને એવોર્ડ્સ જીતી રહી છે. તાજેતરમાં જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલા મહિલા સંમેલનમાં તેની નૃત્યકળાએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આરૂષીની સૌથી મોટી સિદ્ધિ ‘વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા’માં નોંધાઈ છે. 12 નવેમ્બર, 2025ના રોજ તેણે માત્ર 30 સેકન્ડના ટૂંકા સમયમાં ભરતનાટ્યમના ‘નવરસ’ – જેમાં પ્રેમ, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદભૂત અને શાંતિનો સમાવેશ થાય છે – તે તમામ ભાવો પોતાના ચહેરાની અભિવ્યક્તિ દ્વારા રજૂ કરીને અનોખો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો. એક નાનકડી બાળકી માટે આટલી ઝડપથી ભાવો બદલવા તે તેની કળા પ્રત્યેની અસાધારણ પકડ અને સખત મહેનતનું પરિણામ છે.
આરૂષીની આ સફર સાબિત કરે છે કે જો મનમાં દ્રઢ સંકલ્પ અને મહેનત કરવાની તૈયારી હોય, તો ગમે તેવી બીમારી કે શારીરિક ખામી સફળતાના માર્ગમાં અવરોધ બની શકતી નથી. ભરતનાટ્યમ જેવી પ્રાચીન અને અઘરી શાસ્ત્રીય નૃત્ય શૈલીમાં માહેર થઈને તેણે જામનગર અને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. તેની આ સક્સેસ સ્ટોરી આજના યુવાનોને શીખવે છે કે મુસીબતોથી ડરવાને બદલે તેનો સામનો કરીને પોતાની પ્રતિભાને ખીલવવી જોઈએ.

