IPL 2026: RCB માટે માઠા સમાચાર, ચેમ્પિયન ટીમના સ્ટાર બોલરના રમવા પર સસ્પેન્સ
આઈપીએલ 2026ની શરૂઆત થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. પ્રથમ મેચ પહેલા જ ટીમના મુખ્ય ફાસ્ટ બોલરની ઉપલબ્ધતા અંગે પ્રશ્નાર્થ ચિહ્ન ઉભું થતા ફેન્સ અને મેનેજમેન્ટ બંને ટેન્શનમાં આવી ગયા છે.
જોશ હેઝલવુડની ફિટનેસ પર જોખમ
આઈપીએલ 2026નો પ્રારંભ 28 માર્ચથી થવાનો છે અને BCCIએ પ્રથમ તબક્કાનું શિડ્યુલ પણ જાહેર કરી દીધું છે. ટીમના પ્રેક્ટિસ કેમ્પ શરૂ થઈ ગયા છે, પરંતુ આરસીબીનો સ્ટાર ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ હજુ સુધી ટીમ સાથે જોડાયો નથી. મળતી માહિતી મુજબ, હેઝલવુડ અત્યારે સંપૂર્ણ રીતે ફિટ નથી અને તે આ સીઝનમાં રમશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
મેડિકલ ક્લિયરન્સની રાહ જોવી પડશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હેઝલવુડ અત્યારે ‘વેઈટ એન્ડ વોચ’ની સ્થિતિમાં છે. તેઓ અત્યારે ફિઝિયોની કડક દેખરેખ હેઠળ છે અને તેમનું આઈપીએલ રમવું સંપૂર્ણપણે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના મેડિકલ ક્લિયરન્સ પર નિર્ભર છે. જો તેમને સમયસર ફિટ જાહેર કરવામાં નહીં આવે, તો આરસીબીએ ટુર્નામેન્ટની શરૂઆતની મહત્વની મેચોમાં તેમના વગર મેદાનમાં ઉતરવું પડી શકે છે.
સાડા 12 કરોડની મોટી રકમ પર જોખમ
આરસીબીએ જોશ હેઝલવુડ પર મોટો દાવ લગાવતા તેમને આશરે સાડા 12 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યા હતા. વર્ષ 2022 અને 2024માં તેઓ સાડા સાત કરોડમાં ટીમ સાથે હતા, જેની સરખામણીએ આ વખતે તેમની કિંમતમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. અગાઉ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) તરફથી રમી ચૂકેલા હેઝલવુડની કિંમત ભલે વધી હોય, પરંતુ તેમની ફિટનેસ હવે ફ્રેન્ચાઇઝી માટે માથાનો દુખાવો બની ગઈ છે.
રજત પાટીદારની કેપ્ટનશીપ અને વિરાટ ફેક્ટર
આરસીબીએ વર્ષ 2025માં લાંબા ઇંતજાર બાદ પ્રથમ વખત ટાઇટલ જીત્યું હતું. આ વખતે રજત પાટીદાર ટીમના કેપ્ટન છે, પરંતુ ટીમનું મુખ્ય કેન્દ્ર વિરાટ કોહલી જ છે. જો હેઝલવુડ બહાર થાય છે, તો પાટીદાર અને મેનેજમેન્ટે બોલિંગ લાઇન-અપમાં મોટો ફેરફાર કરવો પડશે.

