ઈરાન-અમેરિકા યુદ્ધ: હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનની ‘સિલેક્ટિવ’ નાકાબંધી; ભારત માટે માર્ગ ખુલ્લો હોવાનો દાવો, પણ ખતરો યથાવત
મધ્ય પૂર્વમાં ફાટી નીકળેલા ભયાનક યુદ્ધના પરિણામે વૈશ્વિક અર્થતંત્રના કેન્દ્ર ગણાતા ‘હોર્મુઝ સ્ટ્રેટ’ (Strait of Hormuz) પર સર્વોપરિતા સ્થાપવા માટે જંગ શરૂ થયો છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ શનિવારે એક અત્યંત મહત્વપૂર્ણ નિવેદન આપતા સ્પષ્ટ કર્યું છે કે, હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે બંધ નથી, પરંતુ તે ચોક્કસ દેશો માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. આ નિવેદને ભારત સહિત એશિયાઈ દેશોના ઉર્જા સુરક્ષાના સમીકરણો ફરીથી સક્રિય કર્યા છે.
ઈરાનનો ‘દુશ્મન’ દેશો માટે નો-એન્ટ્રી ઝોન
વિદેશ મંત્રી અરાઘચીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, હોર્મુઝ સ્ટ્રેટમાંથી અમેરિકા અને ઈઝરાયેલના જહાજો તથા ટેન્કરોને પસાર થવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેમણે કહ્યું, “જે દેશો ઈરાન પર હુમલો કરી રહ્યા છે અથવા દુશ્મન છે, તેમના માટે આ માર્ગ બંધ છે. બાકીના તમામ દેશો માટે આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ ખુલ્લો છે.” આ જાહેરાત પાછળ ઈરાનનો ઈરાદો અમેરિકા પર આર્થિક દબાણ લાવવાનો અને તેના તેલ પુરવઠાને અટકાવવાનો છે.
જમીની હકીકત: ભારત માટે શું છે સ્થિતિ?
ઈરાને ભલે દાવો કર્યો હોય કે ભારત જેવા મિત્ર દેશો માટે માર્ગ ખુલ્લો છે, પરંતુ દરિયામાં પરિસ્થિતિ કટોકટીભરી છે. જેરુસલેમ પોસ્ટના અહેવાલ મુજબ, હોર્મુઝ સ્ટ્રેટમાં અત્યારે સેંકડો જહાજો ફસાયેલા છે, જેમાં મોટી સંખ્યામાં ભારતીય જહાજોનો પણ સમાવેશ થાય છે. શિપિંગ કંપનીઓ વીમાના વધેલા દર અને હુમલાના ડરથી આ માર્ગ ટાળી રહી છે. ગઈકાલે જ ભારતના બે LPG જહાજો (શિવાલિક અને નંદા દેવી) સુરક્ષિત રીતે બહાર નીકળ્યા હતા, પરંતુ હજુ પણ અનેક વેપારી જહાજો રડારમાં છે.
ડોનાલ્ડ ટ્રમ્પની જડબાતોડ જવાબની તૈયારી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના આ નિર્ણય સામે લાલ આંખ કરી છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો ઈરાન આંતરરાષ્ટ્રીય જળસીમામાં અવરોધ ઊભો કરશે, તો અમેરિકા તેના વ્યૂહાત્મક ‘ખાર્ગ ટાપુ’ (Kharg Island) પરના તેલ કેન્દ્રોને ખેદાન-મેદાન કરી નાખશે. ટ્રમ્પે જાપાન, ફ્રાન્સ, દક્ષિણ કોરિયા અને બ્રિટન જેવા દેશોને પણ આહવાન કર્યું છે કે તેઓ પોતાના તેલ પુરવઠાને બચાવવા માટે યુદ્ધ જહાજો મોકલે.
હોર્મુઝ સ્ટ્રેટનું મહત્વ અને રશિયા-ચીનનું ફેક્ટર
વિશ્વના કુલ તેલ વેપારનો અંદાજે ૨૦ ટકા ભાગ આ સાંકડા ૩૩ કિલોમીટરના દરિયાઈ પટ્ટામાંથી પસાર થાય છે. ઈરાને આ સંકટમાં રશિયા અને ચીનને પોતાના વ્યૂહાત્મક ભાગીદારો ગણાવ્યા છે. અરાઘચીએ સંકેત આપ્યો છે કે રશિયા અને ચીન સાથે તેમનો સૈન્ય સહયોગ પહેલેથી જ ચાલુ છે, જે અમેરિકા માટે મોટી ચિંતાનો વિષય છે. જો આ માર્ગ લાંબો સમય અસ્તવ્યસ્ત રહ્યો, તો ભારતમાં ઈંધણના ભાવ આસમાને પહોંચી શકે છે.
ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટને ‘સિલેક્ટિવ’ રીતે ખુલ્લો રાખવાનો નિર્ણય એક રાજકીય દાવપેચ હોઈ શકે છે. ભારત માટે રાહતની વાત એ છે કે ઈરાન સાથેના સંબંધોને કારણે ભારતીય જહાજોને પ્રાધાન્ય મળી શકે છે, પરંતુ યુદ્ધના મેદાનમાં ક્યારે કોણ નિશાન બની જાય તે કહેવું મુશ્કેલ છે. ભારતીય નૌકાદળ હાલમાં આ માર્ગ પર સતત નજર રાખી રહ્યું છે.

