૯ દિવસમાં રોકાણકારોની મૂડીમાં મસમોટું ધોવાણ, સેબીએ સિસ્ટમની મજબૂતી પર મૂક્યો ભાર.
પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધની સીધી અને ભયાનક અસર ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે. ૨૮ ફેબ્રુઆરીએ ઈરાન પર થયેલા હુમલા બાદ શરૂ થયેલો ઘટાડાનો દોર અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ ગંભીર સ્થિતિ વચ્ચે ભારતીય મૂડી બજારના નિયમનકાર સેબી (SEBI) ના ચેરમેન તુહિન કાંત પાંડેએ રોકાણકારો, ખાસ કરીને સામાન્ય રિટેલ રોકાણકારોને એક મહત્વપૂર્ણ અપીલ કરી છે.
૯ દિવસમાં સર્જાયો આર્થિક મહાપ્રલય
આંકડાકીય રીતે જોઈએ તો, ૨ માર્ચથી ૧૩ માર્ચ સુધીના માત્ર ૯ ટ્રેડિંગ સત્રોમાં (હોળી અને સપ્તાહાંતની રજાઓ બાદ કરતાં) બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર નોંધાયેલા લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપિટલાઇઝેશનમાં ₹૨૬,૭૭,૨૬૩.૬૯ કરોડનું તોતિંગ ધોવાણ થયું છે. ઈરાન પર થયેલા હુમલાના બીજા જ દિવસે બજારમાં જે રીતે વેચવાલી શરૂ થઈ, તેણે રોકાણકારોના શ્વાસ અધ્ધર કરી દીધા છે.
સેબી ચીફની ‘ધીરજ’ રાખવાની સલાહ
શનિવારે એક કાર્યક્રમમાં સંબોધન કરતા સેબીના વડા તુહિન કાંત પાંડેએ જણાવ્યું હતું કે, “ઘણા રોકાણકારો માટે, ખાસ કરીને જેઓ નાના સ્તરે રોકાણ કરે છે, તેમના માટે આ અનિશ્ચિત સમયમાં શ્રેષ્ઠ વ્યૂહરચના ધીરજ રાખવાની છે.” તેમણે ભારપૂર્વક કહ્યું કે અનિશ્ચિતતા એ નાણાકીય બજારોનો અપવાદ નહીં, પણ એક સામાન્ય લક્ષણ છે.
ભૂતકાળના અનુભવોમાંથી બોધપાઠ
રોકાણકારોમાં વિશ્વાસ જગાડવા માટે પાંડેએ કોરોના મહામારી અને રશિયા-યુક્રેન યુદ્ધના ઉદાહરણો ટાંક્યા હતા. તેમણે કહ્યું કે તે સમયે પણ બજારોમાં આવી જ અસ્થિરતા જોવા મળી હતી, પરંતુ અંતે બજારો સ્થિર થયા હતા અને રિકવરી પણ આવી હતી. “બજારોમાં વધઘટ થાય છે પરંતુ આખરે તે સ્થિરતા તરફ આગળ વધે છે. આપણી સિસ્ટમ ન્યાયી, પારદર્શક અને અસરકારક રીતે કાર્ય કરી રહી છે, તે જ આપણી ખરી તાકાત છે,” તેમ તેમણે ઉમેર્યું હતું.
અસ્થિરતા પાછળના વૈશ્વિક પરિબળો
સેબીના વડાએ સ્વીકાર્યું કે માત્ર યુદ્ધ જ નહીં, પણ ટેકનોલોજીકલ ફેરફારો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો સ્વીકાર અને ઊર્જા બજારમાં ઊભી થયેલી અનિશ્ચિતતા પણ વૈશ્વિક આર્થિક પરિદૃશ્ય પર પ્રભુત્વ ધરાવે છે. તેમણે ખાતરી આપી કે વૈશ્વિક સ્તરે સ્થિરતા લાવવા માટે સતત પ્રયાસો ચાલુ છે અને ભારતીય મૂડી બજાર આ તમામ પડકારોનો સામનો કરીને વધુ મજબૂત બનીને ઉભરશે.
બજારના આ કડાકાએ ઘણા રોકાણકારોની આજીવન બચત પર અસર કરી છે, પરંતુ સેબીના વડાનો આ સંદેશ સૂચવે છે કે ગભરાટમાં લીધેલા નિર્ણયો લાંબા ગાળે વધુ નુકસાન કરી શકે છે. બજારના નિષ્ણાતો પણ માને છે કે જો કોઈ કંપનીના ફંડામેન્ટલ્સ મજબૂત હોય, તો યુદ્ધના વાદળો વિખેરાતાની સાથે જ તે શેરોમાં ફરી તેજી જોવા મળશે.

