૨૦૦૦ બેડની હોસ્પિટલ બની રાખનો ઢગલો, પાકિસ્તાનના JF-17 અને F-16 એ કાબુલમાં વરસાવી આગ.
ગઈકાલ રાત અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ માટે કાળી રાત સાબિત થઈ છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે છેલ્લા ૨૦ દિવસથી ચાલતા સીમા વિવાદ અને સંઘર્ષે ગઈકાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પાકિસ્તાની વાયુસેનાએ કાબુલમાં એકસાથે પાંચ અલગ-અલગ સ્થળોએ ભારે હવાઈ હુમલા કર્યા છે. આ હુમલામાં ખાસ કરીને રહેણાંક વિસ્તારો અને હોસ્પિટલને નિશાન બનાવવામાં આવતા આશરે ૪૦૦ લોકોના મોત થયા છે, જ્યારે ૨૫૦ થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
૨૩ મિનિટમાં મચાવ્યો વિનાશ
પાકિસ્તાની વાયુસેનાએ ગઈકાલે રાત્રે ૯:૩૦ વાગ્યે તેના અત્યાધુનિક JF-17 અને F-16 યુદ્ધ વિમાનો સાથે કાબુલમાં પ્રવેશ કર્યો હતો. માત્ર ૨૩ મિનિટના ગાળામાં કરવામાં આવેલા આ બોમ્બમારાએ કાબુલની સુરક્ષા વ્યવસ્થાના લીરેલીરા ઉડાડી દીધા હતા. હુમલાના સ્થળોમાં અફઘાન સંરક્ષણ મંત્રાલય, ગુપ્તચર એજન્સી GDI મુખ્યાલય અને રાષ્ટ્રપતિ મહેલની આસપાસના ગીચ રહેણાંક વિસ્તારોનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં વિસ્ફોટકોના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે આકાશ લાલચોળ દેખાતું હતું.
૨૦૦૦ બેડની હોસ્પિટલ રાખમાં ફેરવાઈ
સૌથી હૃદયદ્રાવક ઘટના કાબુલના પાર્કી સનાઈ કોચક વિસ્તારમાં બની છે. અહીં ડ્રગ વ્યસનીઓ માટેની ૨૦૦૦ બેડની એક સરકારી હોસ્પિટલ આવેલી હતી. પાકિસ્તાની બોમ્બમારામાં આ હોસ્પિટલનો મોટો ભાગ ધ્વસ્ત થઈ ગયો અને ત્યાં લાગેલી આગમાં અનેક દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફ જીવતા ભૂંજાયા હતા. બચાવ કામગીરી હાલમાં યુદ્ધના ધોરણે ચાલી રહી છે, પરંતુ કાટમાળ નીચે હજુ પણ અનેક લોકો દબાયેલા હોવાની આશંકા છે.
પાકિસ્તાનનો દાવો અને અફઘાનિસ્તાનનો વિરોધ
પાકિસ્તાન સરકારે આ હુમલાનો બચાવ કરતા દાવો કર્યો છે કે તેમણે નાગરિકોને નહીં, પરંતુ અફઘાન સૈન્યના ગુપ્ત શસ્ત્રોના ડેપોને નિશાન બનાવ્યા હતા. પાકિસ્તાને એમ પણ કહ્યું કે આતંકવાદ વિરોધી કાર્યવાહી દરમિયાન નાગરિકોના જીવ બચે તે માટે સાવચેતી રાખવામાં આવી હતી.
જોકે, અફઘાન સરકારના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે આ દાવાઓને નકારી કાઢ્યા છે અને તેને ‘માનવતા વિરુદ્ધનો ગુનો’ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે હોસ્પિટલો અને બાળકો-મહિલાઓ રહેતા વિસ્તારો પર બોમ્બ ફેંકવા એ પાકિસ્તાનનો કાયરતાપૂર્ણ ચહેરો બતાવે છે. આ સાથે જ જુલાઈ ૨૦૨૫ થી અત્યાર સુધીમાં પાકિસ્તાની કાર્યવાહીમાં માર્યા ગયેલા નિર્દોષ અફઘાન નાગરિકોની સંખ્યા વધીને ૫૩૧ પર પહોંચી ગઈ છે.
હામિદ કરઝાઈની આકરી ચેતવણી
અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈએ પણ આ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી છે. તેમણે પાકિસ્તાની લશ્કરી શાસકોને ચેતવણી આપતા કહ્યું કે, “નિર્દોષોના લોહી વહેવડાવીને પાકિસ્તાન પોતાનો હેતુ ક્યારેય સિદ્ધ કરી શકશે નહીં. આ હુમલાના પરિણામો પાકિસ્તાને પોતે જ ભોગવવા પડશે.” તેમણે પાકિસ્તાનને પડોશી ધર્મ નિભાવવા અને વાતચીતના માર્ગે પ્રાદેશિક સ્થિરતા જાળવવા અપીલ કરી છે.
કાબુલ પર થયેલા આ હુમલાએ દક્ષિણ એશિયામાં અસ્થિરતાનો નવો અધ્યાય શરૂ કર્યો છે. આંતરરાષ્ટ્રીય સમુદાય અને સંયુક્ત રાષ્ટ્ર આ ઘટનામાં હસ્તક્ષેપ કરે છે કે કેમ તે જોવું રહ્યું, પરંતુ હાલમાં કાબુલની હોસ્પિટલો મૃતદેહો અને ઘાયલોથી ઉભરાઈ રહી છે.

