ભારતની અફઘાનિસ્તાનને મોટી મદદ, મેડિકલ કિટ અને સાધનો સાથે વાયુસેનાનું વિમાન કાબુલ પહોંચ્યું.
દક્ષિણ એશિયાના ભૂરાજકીય નકશા પર તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ફાટી નીકળેલા સશસ્ત્ર સંઘર્ષે હવે ભયાનક વળાંક લીધો છે. પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ સર્જાયેલી માનવીય કટોકટીમાં ભારતે ફરી એકવાર ‘મોટા ભાઈ’ની ભૂમિકા ભજવી છે. યુદ્ધના મેદાનમાં ઘાયલ થયેલા નિર્દોષ નાગરિકોની વહારે આવીને ભારતે ત્વરિત તબીબી સહાય મોકલી પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો છે.
પડોશી દેશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે ઘાતક સ્તરે પહોંચી ગયું છે. પાકિસ્તાન વાયુસેના દ્વારા તાજેતરમાં અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કરવામાં આવેલા વિનાશક હવાઈ હુમલાએ આંતરરાષ્ટ્રીય સમુદાયને હચમચાવી દીધો છે. આ હુમલામાં જાનમાલનું મોટું નુકસાન થયું છે અને સેંકડો નાગરિકો ઘાયલ થયા છે. આ કપરા સમયમાં ભારતે હંમેશાની જેમ પડોશી ધર્મ નિભાવતા અફઘાનિસ્તાનને તાત્કાલિક રાહત સામગ્રી મોકલી આપી છે.
Augmenting Afghanistan’s healthcare efforts.
🇮🇳 has delivered 73 tonnes of life-saving medicines, vaccines and essential supplements to Kabul to cater to urgent medical needs.
India’s unwavering support to the Afghan people continues. pic.twitter.com/G4IU1a2O3v
— Randhir Jaiswal (@MEAIndia) November 28, 2025
ભારતની ત્વરિત સહાય: ૨.૫ ટન દવાઓનો જથ્થો રવાના
ભારતીય વિદેશ મંત્રાલયે સત્તાવાર જાહેરાત કરી છે કે અફઘાનિસ્તાનમાં ઘાયલોની સારવાર માટે ૨.૫ ટન આવશ્યક દવાઓ અને અત્યાધુનિક તબીબી સાધનોનો જથ્થો કાબુલ મોકલવામાં આવ્યો છે.
-
સહાયમાં શું છે?: આ જથ્થામાં ઇમરજન્સી મેડિકલ કિટ્સ, લાઈફ-સેવિંગ ડ્રગ્સ, શસ્ત્રક્રિયાના સાધનો અને અન્ય આરોગ્ય પુરવઠો સામેલ છે.
-
ઉદ્દેશ્ય: ભારતનો ઉદ્દેશ્ય યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં માનવીય સંકટને ઓછું કરવાનો અને હોસ્પિટલોમાં તબીબી સુવિધાઓ સુધારવાનો છે.
હોસ્પિટલ પર બોમ્બમારો: ભારતની આકરી નિંદા
૧૬ માર્ચની રાત્રે પાકિસ્તાને કાબુલમાં આવેલી ‘ઓમિદ ડ્રગ એડિક્શન ટ્રીટમેન્ટ હોસ્પિટલ’ પર બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. ભારતે આ ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ હુમલાને “બર્બર” અને “અમાનવીય” ગણાવ્યો છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે હોસ્પિટલ જેવા સંવેદનશીલ સ્થળો પર હુમલો કરવો એ પાકિસ્તાનના હિંસક ચરિત્ર અને તેની હતાશાને પ્રતિબિંબિત કરે છે.
સાર્વભૌમત્વ અને પ્રાદેશિક શાંતિ પર ખતરો
ભારતે પાકિસ્તાની હુમલાને અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વ પર સીધો હુમલો ગણાવ્યો છે. રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે પાકિસ્તાન પોતાની આંતરિક નિષ્ફળતાઓ અને આર્થિક કટોકટી પરથી ધ્યાન હટાવવા માટે સરહદ પાર હિંસાનો આશરો લઈ રહ્યું છે. આ પ્રકારનું બેદરકાર વર્તન સમગ્ર દક્ષિણ એશિયાની શાંતિ અને સ્થિરતા માટે મોટો ખતરો છે.
અફઘાનિસ્તાન પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા
તાલિબાન શાસન હોવા છતાં, ભારત અફઘાનિસ્તાનના સામાન્ય નાગરિકો માટે માનવીય સહાય આપવાનું ચાલુ રાખશે તેવી ખાતરી આપી છે. અગાઉ પણ ભારતે અફઘાનિસ્તાનમાં ઘઉં, રસી અને દવાઓ મોકલીને ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવનાને સાર્થક કરી છે. ૨૦૨૬ના આ યુદ્ધમાં પણ ભારત અફઘાન પ્રજાની પડખે અડીખમ ઊભું છે.
૨૧ માર્ચ, ૨૦૨૬ ના આ ઘટનાક્રમ મુજબ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધો હવે ક્યારેય ન સુધરે તેવા સ્તરે પહોંચ્યા છે. પાકિસ્તાન તરફથી ગોળીબાર અને બોમ્બમારો ચાલુ છે, ત્યારે ભારત તરફથી મોકલવામાં આવેલી આ સહાય માત્ર દવાઓ નથી, પરંતુ અફઘાનિસ્તાન માટે આશાનું કિરણ છે.
