અમેરિકાની વિશ્વને ખુલ્લી ચેતવણી: “જે દેશો સાથ નહીં આપે, ત્યાં સૈન્ય બેઝ રાખવાનો કોઈ ફાયદો નથી”
અમેરિકાના વગદાર સેનેટર લિન્ડસે ગ્રાહમે તે દેશોને આકરા શબ્દોમાં ચેતવણી આપી છે જેમણે ઈરાન સામેના સંઘર્ષમાં અમેરિકી સૈન્ય મથકોનો ઉપયોગ કરવાની મંજૂરી આપી નથી. ગ્રાહમે સ્પષ્ટ કર્યું છે કે જો જરૂરિયાતના સમયે અમેરિકા આ બેઝનો ઉપયોગ ન કરી શકે, તો અન્ય દેશોમાં સૈન્ય અડ્ડાઓ જાળવી રાખવાનો કોઈ અર્થ રહેતો નથી. સ્પેન અને જર્મની જેવા ઘણા યુરોપિયન દેશોએ ઈરાન સાથેના સંઘર્ષમાં પોતાની ધરતી પર આવેલા અમેરિકી સૈન્ય મથકોને સામેલ કરવાની મનાઈ ફરમાવી છે.
વૈશ્વિક સ્તરે અમેરિકાનું સૈન્ય નેટવર્ક
અમેરિકા હાલમાં વિશ્વના 80થી વધુ દેશોમાં 750થી વધુ સૈન્ય ઠેકાણાઓ ધરાવે છે. આમાંથી 55 દેશોમાં 128 મુખ્ય બેઝ આવેલા છે. એકલા યુરોપના વિવિધ દેશોમાં અંદાજે ત્રણ ડઝન જેટલા સૈન્ય મથકો છે, જ્યાં લગભગ 80,000 અમેરિકી સૈનિકો તૈનાત છે. જર્મનીમાં અમેરિકાનો સૌથી મોટો બેઝ છે, આ સિવાય ઇટાલી, બ્રિટન, સ્પેન અને પોલેન્ડમાં પણ મહત્વના મથકો છે. મધ્ય પૂર્વના 10 દેશોમાં અમેરિકી નેટવર્ક ફેલાયેલું છે, જેમાં કતારમાં સૌથી મોટો બેઝ અને બહેરીનમાં 5th ફ્લીટનું મુખ્યાલય આવેલું છે.
યુરોપિયન દેશોનો ડર અને અમેરિકાની નારાજગી
ઈરાન સામેના યુદ્ધમાં યુરોપિયન દેશો પોતાની જમીન કે એરસ્પેસનો ઉપયોગ કરવા દેવા માંગતા નથી. તેમનો ડર છે કે જો તેઓ અમેરિકાને સાથ આપશે, તો ઈરાન તેમને નિશાન બનાવી શકે છે. આ વલણથી અમેરિકા નારાજ છે. સેનેટર ગ્રાહમનું માનવું છે કે મધ્ય પૂર્વમાં જ્યારે અમેરિકા તેના નેટવર્કનો ઉપયોગ કરે છે ત્યારે ઈરાન તે દેશોને ટાર્ગેટ કરે છે, પરંતુ યુરોપિયન દેશો મદદ કરવાને બદલે પાછળ હટી રહ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પની નાટો (NATO) દેશોને ફિટકાર
સેનેટર ગ્રાહમની સાથે સાથે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ નાટો દેશો પર આકરા પ્રહારો કર્યા છે. ટ્રમ્પે નાટોને ‘કાગળનો વાઘ’ ગણાવતા કહ્યું કે, “અમેરિકા વિના નાટોનું કોઈ અસ્તિત્વ નથી.” તેમણે આક્ષેપ કર્યો કે જ્યારે પરમાણુ શક્તિ ધરાવતા ઈરાનને રોકવાની લડાઈ ચાલી રહી હતી, ત્યારે આ દેશો ભાગ લેવા માંગતા નહોતા. હવે જ્યારે લડાઈ જીતી લેવામાં આવી છે, ત્યારે આ દેશો તેલના વધતા ભાવોની ફરિયાદ કરી રહ્યા છે.
“કાયરો, અમે આ વાત યાદ રાખીશું”
ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) ને ખુલ્લી રાખવામાં મદદ ન કરવા બદલ સાથી દેશોની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવી એ એક સામાન્ય સૈન્ય કાર્યવાહી છે અને તેલના ભાવ વધવાનું મુખ્ય કારણ પણ તે જ છે. આટલી સરળ પ્રક્રિયામાં પણ સાથ ન આપનારા દેશોને ટ્રમ્પે ‘કાયર’ કહ્યા છે અને ચેતવણી આપી છે કે અમેરિકા આ વર્તનને ક્યારેય ભૂલશે નહીં.

