સત્ય ડે એક્સપોઝ: સોનગઢ ટીએસપી(TSP) હેઠળના કામોમાં વધું એક મોટું કૌભાંડ;ઓડિટ નથી, છતાં સરકારી ગ્રાન્ટોની લહાણી! કોના આશીર્વાદ?

7 Min Read
tribal-sub-plan-corruption-tapi-gujarat-news

ગરીબ આદિવાસીઓનાં વિકાસ-રોજગારીનાં નામે કરોડોનો ખેલ, સરકારી દસ્તાવેજો-ગ્રાંટની વિગતો ગુમ થાય તે પહેલા ઉચ્ચ સ્તરિય તપાસ અને દસ્તાવેજો કબ્જે કરવા જરૂરી
 

પ્રાયોજના વહિવટદાર અને ચેરીટી કમિશ્નરની ચુપકિદી શંકાનાં ઘેરામાં, ટ્રસ્ટે ટીએસપી સહિતની ગ્રાંટો માંથી આઈટીઆઇ-રોજગારનાં તાલીમ, સિંચાઇ સહિતનાં કામો કર્યાની ચર્ચા

તાપી જિલ્લામાં સોનગઢ ટ્રાઈબલ સબ પ્લાન (ટીએસપી) હેઠળ ચાલી રહેલા કામોમાં હવે એક નવો અને ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. એક જાહેર ટ્રસ્ટે વર્ષો સુધી ન તો પોતાનો ઓડિટ રિપોર્ટ કચેરીમાં સબમિટ કર્યો, ન તો ટ્રસ્ટીમાં થયેલા ફેરફારોની કોઈ નોંધણી કરી. છતાંય, આ ટ્રસ્ટ સરકારી યોજનાઓમાં સક્રિય હોવાનું સામે આવતા હવે સમગ્ર સિસ્ટમ પર ગંભીર સવાલો ઊભા થયા છે. આ વિવાદિત ટ્રસ્ટ દ્વારા સ્થાપનાથી લઈને વર્ષ ૨૦૨૫ સુધી એકપણ ઓડિટ રિપોર્ટ કચેરીમાં રજુ કરવામાં આવ્યો નથી. જાહેર ટ્રસ્ટ માટે નિયમિત ઓડિટ ફરજિયાત હોય છે. ઓડિટ વિના ટ્રસ્ટના નાણાકીય વ્યવહારો સંપૂર્ણપણે અંધારામાં રહે છે. આવા સંજોગોમાં પ્રશ્ન ઊભો થાય છે કે, આ ટ્રસ્ટ દ્વારા મેળવાયેલા કે ખર્ચાયેલા નાણાંનો હિસાબ કોણ રાખે છે? માત્ર એટલું જ નહીં, ટ્રસ્ટમાં થયેલા ફેરફારો અંગે પણ કોઈ માહિતી ઉપલબ્ધ નથી. વર્ષો સુધી કોઈ ફેરફાર રિપોર્ટ જ સબમિટ કરવામાં આવ્યો નથી. એટલે કે, ટ્રસ્ટીમાં મૃત્યુ કે નવા સભ્યોની એન્ટ્રી જેવી મહત્વપૂર્ણ વિગતો પણ સત્તાવાર રીતે નોંધાઈ નથી. આ પરિસ્થિતિમાં ટ્રસ્ટની માન્યતા અને કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઊભા થાય છે.

આવા ટ્રસ્ટને ટીએસપી જેવી મહત્વપૂર્ણ યોજનાઓમાં કામો કેવી રીતે મળ્યા? જો ટ્રસ્ટ નિયમોનું પાલન જ નથી કરતો, તો તેને સરકારી ગ્રાંટ કે પ્રોજેક્ટ આપવાનું આધાર શું હતું? શું તંત્રે કોઈ ચકાસણી કરી હતી કે પછી આંખ આડા કાન કરીને કામો સોંપી દેવામાં આવ્યા? આ વિવાદિત ટ્રષ્ટે ૫૦ કરોડથી વધૂંનાં ટીએસપી સહિતનાં સરકારી કામો કર્યા હોવાની ચર્ચા છે. જોકે, આંકડો હજુ મોટો હોઇ શકે, પણ સાચો આંકડો તો તપાસ બાદ જ બહાર આવે તેમ છે. આ ટ્રસ્ટના બેંક ખાતા, સરકારી ગ્રાંટ, સહાય અંગે પણ કચેરી પાસે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. એટલે કે, ટ્રસ્ટના નાણાકીય સ્ત્રોત અને ખર્ચ અંગે સંપૂર્ણ બાબતે સરકારી તંત્ર અજાણ છે. આ પરિસ્થિતિ ભ્રષ્ટાચાર માટે અનુકૂળ માહોલ ઉભો કરે છે. આ ટ્રસ્ટ ટીએસપી હેઠળનાં આઈટીઆઇ-રોજગાર કચેરીનાં તાલીમ વર્ગો, વાસ્મો, પાણી પુરવઠા, સિંચાઇ કે અન્ય વિકાસ કામોમાં સંકળાયેલું હોઈ શકે છે. જો આમાં તથ્ય હોય, તો આ સીધો જાહેર નાણાનો દુરુપયોગ ગણાય. કારણ કે નિયમો મુજબ કોઈપણ ટ્રસ્ટને સરકારી કામો આપતા પહેલાં તેની નાણાકીય સ્થિતિ, ઓડિટ રિપોર્ટ અને કાનૂની પ્રક્રિયા ચકાસવી ફરજિયાત છે. સંબંધિત કચેરીએ આ તમામ ખામીઓ હોવા છતાં કોઈ કાર્યવાહી કરી નથી. ન તો ટ્રસ્ટ સામે નોટિસ, ન તો તપાસ અને ન તો કોઈ દંડાત્મક પગલાં. આથી એવું લાગી રહ્યું છે કે તંત્ર જાણતા હોવા છતાં મૌન છે.

આ પ્રકારની પરિસ્થિતિમાં બે જ સંભાવનાઓ હોઈ શકે-એક તો તંત્રની ગંભીર બેદરકારી, અથવા પછી અંદરખાને કોઈ સાંઠગાંઠ. બંને પરિસ્થિતિઓમાં નુકસાન તો સરકાર કે પ્રજાનું જ થાય છે, ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં, જ્યાં વિકાસ માટે ફાળવેલા નાણાં જ ગેરરીતિમાં વપરાઈ જાય છે. આ મુદ્દે સ્થાનિક આદિવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય અને સ્વતંત્ર તપાસ હાથ ધરવામાં આવે. ટ્રસ્ટના તમામ નાણાકીય વ્યવહારોની તપાસ થાય, તેની કાયદાકિય ચકાસણી કરવામાં આવે અને જો કોઈ ગેરરીતિ સામે આવે તો જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આવી માંગ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે, પણ ભ્રષ્ટાચાર નિવારણ એજન્સી કે પ્રયોજના વહિવટદાર કક્ષાએથી આ મામલે કોઇ નક્કર કાર્યવાહી થતી જોવા મળી નથી. શું ઓડિટ વગર અને નિયમોના ઉલ્લંઘન છતાં ટ્રસ્ટને સરકારી કામો આપવાનું કોઈ મોટું ગોટાળું નથી? આદિવાસી વિકાસ અને તાલીમ-રોજગારીના નામે કરોડો રૂપિયાનો ખેલ ચાલી રહ્યો છે ત્યારે સમયસર આ મુદ્દે કાર્યવાહી નહીં થાય, તો આ માત્ર એક ટ્રસ્ટનો મુદ્દો નહીં રહે, પરંતુ સમગ્ર ટીએસપી સિસ્ટમ પરથી લોકોનો વિશ્વાસ તુટી જશે.

- Advertisement -
ChatGPT Image Mar 23 2026 10 40 18 AM.png
n-audited-trust-get-govt-funds-tapi

ઓડિટ ન થતા રજીસ્ટ્રેશન રદ થવાને પાત્ર, પણ ઉંધા ચશ્મા પહેરાવી કરોડોનું ફુલેકું!
વ્યારા: તાપી જિલ્લામાં એક બાજુ વહિવટી પારદર્શિતાની વાતો થાય છે, ત્યારે બીજી બાજુ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી સરકારી કામો મેળવતા એક ટ્રસ્ટની શંકાસ્પદ વિગતો સામે આવતા ચકચાર મચી ગઈ છે. સ્થાપનાથી લઈને ૨૦૨૫ સુધીના રેકોર્ડ તપાસતા આ ટ્રસ્ટના વહીવટમાં ગંભીર બેદરકારી અને ગેરરીતિઓ હોવાનું જણાય છે. કાયદેસરની જોગવાઈ મુજબ, દરેક રજીસ્ટર્ડ ટ્રસ્ટે દર વર્ષે ફરજિયાત ઓડિટ કરાવવું પડે છે. જો ઓડિટ ન થાય તો તેનું રજીસ્ટ્રેશન રદ કરવાની જોગવાઈ છે. જોકે, આ ટ્રસ્ટનું સ્થાપનાથી લઈને ૨૦૨૫ સુધીનું ઓડિટ સ્ટેટસ ઝિરો છે. આટલા વર્ષો સુધી ઓડિટ વગર ટ્રસ્ટ કેવી રીતે કાર્યરત રહ્યું તે ચેરિટી કમિશનરની કચેરી સામે પણ સવાલો ઉભા કરે છે. ઓડિટ વગર આટલા વર્ષો સુધી રજીસ્ટ્રેશન ચાલુ કેમ રહ્યું? ફેરફાર રિપોર્ટ વગર ટ્રસ્ટનો વહીવટ કોણ સંભાળે છે? કયા નાણાકીય વ્યવહારો છુપાવવામાં આવી રહ્યા છે? અપાયેલા સરકારી કામો પર તાત્કાલિક સ્ટે મૂકી તપાસ થશે ખરી?

ટ્રસ્ટીનાં મોત પછી પણ વર્ષો સુધી કોઇ ફેરફાર નહીં, નાણાકીય સોર્સ રહસ્યમય!
વ્યારા: નિયમ મુજબ જ્યારે પણ ટ્રસ્ટીનું મોત નિપજે કે મંડળમાં ફેરફાર થાય ત્યારે તેની જાણ સંબંધિત વિભાગને કરવી અનિવાર્ય છે. આમ ન કરવું એ કાયદેસરનો ગુનો બને છે. આ ટ્રસ્ટમાં એક ટ્રસ્ટીનું મોત નિપજ્યા બાદ પણ વર્ષોથી કોઈ ફેરફાર રિપોર્ટ નોંધવામાં આવ્યો નથી, જે ટ્રસ્ટના આંતરિક વહીવટમાં ચાલતી મોટી ગોલમાલ તરફ ઈશારો કરે છે. પ્રજાના નાણાં અને સેવા માટે બનેલા ટ્રસ્ટમાં ‘એક-એક પાઈ’નો હિસાબ જાહેર હોવો જોઈએ. પરંતુ જ્યારે આ ટ્રસ્ટના નાણાકીય સોર્સ વિગતો માંગવામાં આવી, ત્યારે કોઈ પણ પ્રકારની વિગત આપવામાં આવી નથી. નાણાં ક્યાંથી આવે છે અને ક્યાં વપરાય છે તે સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવ્યું છે. આટલી ખામીઓ છતાં, આ સંસ્થા ટીએસપી હેઠળના સરકારી કામોમાં સતત સક્રિય છે. જે સંસ્થાનું ઓડિટ નથી તેને સરકારી કામો કેવી રીતે મળી શકે? આ નિયમોની વિરુદ્ધ છે અને મોટા ભ્રષ્ટાચારની ગંધ આપે છે.

- Advertisement -
Share This Article