પાકિસ્તાનમાં મોંઘવારીનો પ્રચંડ વિસ્ફોટ: હાઈ-ઓક્ટેન ઈંધણના ભાવમાં સીધો 200% નો વધારો, જનતા બેહાલ
હોર્મુઝની સામુદ્રધુનીમાં સર્જાયેલા અવરોધ અને વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે પાકિસ્તાન સરકારે ઈંધણના ભાવમાં કમરતોડ વધારો ઝીંક્યો છે. રવિવારે વડાપ્રધાન શહબાઝ શરીફની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં હાઈ-ઓક્ટેન ઈંધણ (High-Octane Fuel) પરના લેવીમાં ધરખમ વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય મુજબ, હવે લિટર દીઠ ભાવ 100 પાકિસ્તાની રૂપિયાથી વધીને સીધો 300 પાકિસ્તાની રૂપિયા પર પહોંચી ગયો છે.
લક્ઝરી વાહનો પર માર, સામાન્ય જનતાને રાહતનો દાવો
વડાપ્રધાન શહબાઝ શરીફના જણાવ્યા અનુસાર, આ વધારો મુખ્યત્વે લક્ઝરી વાહનોમાં વપરાતા હાઈ-ઓક્ટેન ઈંધણ પર લાગુ કરવામાં આવ્યો છે. સરકારનો દાવો છે કે આનાથી જાહેર પરિવહન (Public Transport) ના ભાડાં કે સામાન્ય વિમાન પ્રવાસના ખર્ચ પર કોઈ અસર પડશે નહીં. આ બેઠકમાં નાણામંત્રી મુહમ્મદ ઔરંગઝેબ અને પેટ્રોલિયમ મંત્રી અલી પરવેઝ મલિક સહિતના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા, જેમાં દેશની આર્થિક સ્થિતિ અને તેલના ભાવ અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ભડકો
માત્ર હાઈ-ઓક્ટેન જ નહીં, પરંતુ સામાન્ય પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ અગાઉ મોટો વધારો કરવામાં આવ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે વૈશ્વિક બજારમાં તેલના ભાવ આસમાને પહોંચતા પાકિસ્તાન સરકારે પેટ્રોલ અને ડીઝલમાં લિટર દીઠ 55 રૂપિયાનો વધારો કર્યો હતો.
- પેટ્રોલનો નવો ભાવ: રૂ. 266.17 થી વધીને રૂ. 321.17
- ડીઝલનો નવો ભાવ: રૂ. 280.86 થી વધીને રૂ. 335.86
હવાઈ મુસાફરી થઈ મોંઘી: ટિકિટના ભાવમાં જંગી ઉછાળો
જેટ ફ્યુઅલ (એરક્રાફ્ટ ઈંધણ) ના ભાવ વધતા પાકિસ્તાની એરલાઈન્સે પણ પોતાના ભાડાંમાં વધારો કરવાની ફરજ પડી છે. સ્થાનિક ફ્લાઈટ્સની ટિકિટમાં 2,800 થી 5,000 રૂપિયાનો વધારો થયો છે. સૌથી વધુ અસર આંતરરાષ્ટ્રીય મુસાફરી પર પડી છે, જ્યાં ટિકિટના ભાવમાં 10,000 થી 28,000 રૂપિયા સુધીનો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. ખાસ કરીને મધ્ય પૂર્વ અને મધ્ય એશિયાના દેશોમાં જતી ફ્લાઈટ્સના ભાડામાં 15,000 રૂપિયાનો સીધો વધારો થયો છે.

