યુએનની લાલબત્તી: પૃથ્વીનું સંતુલન ખોરવાયું, ‘અલ નીનો’ ગરમીના નવા રેકોર્ડ તોડશે
વિશ્વ હવામાન સંસ્થા (WMO) એ ચેતવણી આપી છે કે પૃથ્વીનું વાતાવરણ અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધુ અસંતુલિત બન્યું છે. કાર્બન ડાયોક્સાઇડ જેવા ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનને કારણે આપણી પૃથ્વી જેટલી ગરમી મુક્ત કરી શકે છે, તેના કરતા વધુ ગરમી શોષી રહી છે. આ “એનર્જી ઇમબેલેન્સ” અથવા ઉર્જા અસંતુલનને કારણે સમુદ્રો ગરમ થઈ રહ્યા છે અને ધ્રુવીય બરફ ઝડપથી ઓગળી રહ્યો છે.
વધતું તાપમાન અને લાલ સંકેતો
યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે એક વિડિયો સંદેશમાં જણાવ્યું છે કે, “પૃથ્વી ગ્રહ તેની મર્યાદાની બહાર ધકેલાઈ રહ્યો છે. આબોહવાના દરેક મુખ્ય સૂચકાંકો અત્યારે જોખમની નિશાની એટલે કે ‘રેડ સિગ્નલ’ આપી રહ્યા છે.” વર્ષ 1850 થી અત્યાર સુધીના રેકોર્ડ મુજબ, છેલ્લા 11 વર્ષો પૃથ્વીના સૌથી ગરમ વર્ષો રહ્યા છે. વર્ષ 2025 માં, વૈશ્વિક સરેરાશ તાપમાન પૂર્વ-ઔદ્યોગિક સમયગાળા કરતા 1.43 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું હતું.
શું છે આ ‘એનર્જી ઇમબેલેન્સ’?
પૃથ્વી પર આવતી સૂર્યની ગરમી અને પૃથ્વી દ્વારા અવકાશમાં પાછી મોકલવામાં આવતી ગરમી વચ્ચેનું સંતુલન ખોરવાઈ ગયું છે. ગ્રીનહાઉસ વાયુઓ આ ગરમીને પૃથ્વી પર જ રોકી રાખે છે.
- 91% વધારાની ગરમી: સમુદ્રો શોષી લે છે, જેનાથી દરિયાઈ જીવોને નુકસાન થાય છે અને વાવાઝોડા વધુ તીવ્ર બને છે.
- 5% ગરમી: જમીન દ્વારા શોષાય છે.
- 3% ગરમી: બરફ ઓગળવામાં વપરાય છે.
- 1% ગરમી: વાતાવરણમાં રહે છે.
વૈજ્ઞાનિકોના મતે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું સ્તર છેલ્લા 20 લાખ વર્ષોમાં સૌથી વધુ છે, જે મુખ્યત્વે અશ્મિભૂત ઇંધણ (કોલસો, તેલ, ગેસ) ના વપરાશને કારણે છે.
‘અલ નીનો’ નો ખતરો અને ભવિષ્યની ચિંતા
વૈજ્ઞાનિકોને ડર છે કે 2026 ના ઉત્તરાર્ધમાં ‘અલ નીનો’ ની પ્રાકૃતિક ગરમીની લહેર શરૂ થઈ શકે છે. જો આવું થશે, તો માનવસર્જિત ગ્લોબલ વોર્મિંગ અને અલ નીનોની સંયુક્ત અસરને કારણે 2027 માં ગરમીના તમામ જૂના રેકોર્ડ તૂટી શકે છે. હાલમાં અમેરિકાના કેટલાક ભાગોમાં તાપમાન સરેરાશ કરતા 10-15 ડિગ્રી વધુ નોંધાઈ રહ્યું છે, જે આબોહવા પરિવર્તનની સીધી અસર છે.
નિષ્ણાતોનું કહેવું છે કે જો આપણે અત્યારે પગલાં નહીં લઈએ, તો તેની અસરો સેંકડો અને હજારો વર્ષો સુધી ભોગવવી પડશે. આ માટે અશ્મિભૂત ઇંધણ છોડીને સૌર અને પવન ઉર્જા જેવા પુનઃપ્રાપ્ય સ્ત્રોતો તરફ વળવું હવે અનિવાર્ય બન્યું છે.

