યુક્રેનના ઓડેસા બંદર પર જહાજ પર રશિયાનો મિસાઇલ હુમલો: ૪ ભારતીય નાગરિકોના કરૂણ મોત, ૧ ગંભીર રીતે ઘાયલ
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની ઝપેટમાં હવે નિર્દોષ ભારતીય નાગરિકો પણ આવી ગયા છે. યુક્રેનના દક્ષિણ બંદર ઓડેસા (Odesa) પર રશિયા દ્વારા કરવામાં આવેલા એક ભયાનક મિસાઇલ હુમલામાં માલવાહક જહાજ પર સવાર ૪ ભારતીય નાગરિકોના દુઃખદ મોત થયા છે, જ્યારે એક ભારતીય ગંભીર રીતે ઘાયલ થયો છે. ભારતના વિદેશ મંત્રાલયે (MEA) સોમવારે મોડી રાત્રે આ ઘટનાની પુષ્ટિ કરતા ઊંડા શોકની સાથે આ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી છે.
ઘટનાક્રમ: ગિની-બિસાઉ ધ્વજવાળા જહાજ પર ૩ ક્રૂઝ મિસાઇલો ઝીંકાઈ
મળતી માહિતી મુજબ, ૧૯ જુલાઈની સાંજે ‘એમવી ગોલ્ડન લીઓ’ (MV Golden Leo) નામનું એક કોમર્શિયલ માલવાહક જહાજ યુક્રેનના સૌથી મોટા ઓડેસા બંદરથી રવાના થઈ રહ્યું હતું. યુક્રેનિયન નૌકાદળના જણાવ્યા અનુસાર, ગિની-બિસાઉનો ધ્વજ ધરાવતા આ જહાજને નિશાન બનાવીને રશિયાએ એકસાથે ૩ ક્રૂઝ મિસાઇલો છોડી હતી.

જહાજ પર કુલ ૧૭ ક્રૂ સભ્યો સવાર હતા, જેમાં ભારતીય અને સીરિયન નાગરિકોનો સમાવેશ થતો હતો. ૧૭ ક્રૂ સભ્યોમાંથી ૫ નાગરિકો ભારતના હતા. રશિયાના આ અચાનક થયેલા હુમલામાં જહાજને ભારે નુકસાન પહોંચ્યું હતું અને તેમાં સવાર ૪ ભારતીયોએ ઘટનાસ્થળે જ પોતાના જીવ ગુમાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, રોઇટર્સના રિપોર્ટ અને LSEG ડેટા અનુસાર, જે જહાજ પર હુમલો થયો છે તે ‘એમવી ગોલ્ડન લીઓ’ ભારતની આર્થિક રાજધાની મુંબઈ સ્થિત ‘ઓશન ગ્રેસ શિપિંગ લિમિટેડ’ની માલિકીનું છે.
વિદેશ મંત્રાલયની પ્રતિક્રિયા: ‘વાણિજ્યિક શિપિંગ પર હુમલા નિંદનીય’
સોમવારે મોડી રાત્રે જાહેર કરેલા એક સત્તાવાર નિવેદનમાં ભારતના વિદેશ મંત્રાલયે (MEA) આ ઘટના અંગે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું. વિદેશ મંત્રાલયે જણાવ્યું:
“ઉપલબ્ધ માહિતી મુજબ, ૪ ભારતીય નાગરિકોએ આ દુઃખદ ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે એક ભારતીય નાગરિક ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે. યુક્રેનમાં અમારું મિશન અને ભારતીય દૂતાવાસ પરિસ્થિતિ પર સતત અને નજીકથી નજર રાખી રહ્યા છે. હુમલાથી અસરગ્રસ્ત તમામ લોકોને શક્ય તેટલી બધી જ મદદ પૂરી પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે.”
મંત્રાલયે આગળ ઉમેર્યું કે, “અમે મૃતક ભારતીય નાગરિકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે અમારી અત્યંત ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ઘાયલ ભારતીય નાગરિક ઝડપથી તથા સંપૂર્ણ સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરીએ છીએ.”
રશિયાના આ પગલાં સામે સખત વિરોધ નોંધાવતા મંત્રાલયે સ્પષ્ટ કહ્યું, વાણિજ્યિક અને વેપારી જહાજોને નિશાન બનાવવું, નિર્દોષ નાગરિક ક્રૂ સભ્યોના જીવ જોખમમાં મૂકવા અને દરિયાઈ વાહતુક કે વેપારની સ્વતંત્રતામાં અવરોધ ઊભો કરવો એ અત્યંત નિંદનીય છે અને આવા હુમલાઓ કોઈપણ ભોગે ટાળવા જોઈએ.

ઓડેસા પર સતત બીજા હુમલામાં ભારે તારાજી
દરમિયાન, ઓડેસા બંદર પર રશિયન દળો દ્વારા વધુ એક અલગ હુમલો પણ કરવામાં આવ્યો હતો. શહેરના લશ્કરી વહીવટના વડા સેરહી લિસાકે (Serhiy Lysak) જણાવ્યું હતું કે, સોમવારે થયેલા આ બીજા હુમલામાં અન્ય ૩ લોકોના મોત થયા છે અને ૩ લોકો ઘાયલ થયા છે. હુમલાના કારણે બંદરની મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓ (Infrastructure) ને ભારે નુકસાન પહોંચ્યું છે.
યુક્રેનની સીપોર્ટ્સ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, હુમલા બાદ રાતભર શોધ અને બચાવ (Search & Rescue) કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. અહેવાલો મુજબ, આ સમગ્ર ભયાનક ઘટનાક્રમમાં ક્રૂ સભ્યો અને એક મેરીટાઇમ પાઇલટ સહિત કુલ ૯ લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે જહાજના ૧૭ ક્રૂ સભ્યોમાંથી ૮ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં સફળતા મળી છે.