ઈરાન યુદ્ધની દહેશત: દક્ષિણ કોરિયામાં ઉર્જા કટોકટી, નાગરિકોને ‘ઓછું નહાવા’ અપીલ
દક્ષિણ કોરિયા અત્યારે એક ગંભીર ઉર્જા સંકટનો સામનો કરવાની તૈયારી કરી રહ્યું છે. ઈરાન સાથેના સંભવિત યુદ્ધને કારણે તેલના પુરવઠામાં વિક્ષેપ પડવાની આશંકા વચ્ચે, સરકારે નાગરિકોને ઉર્જા બચાવવા માટે 12 મુદ્દાની માર્ગદર્શિકા જાહેર કરી છે. આ આદેશોમાં સૌથી વધુ ચર્ચા ‘ઓછું નહાવા’ અને ‘મોબાઈલ ચાર્જિંગ’ પર લાદવામાં આવેલી શરતોની થઈ રહી છે.
ઓછું નહાવાની સલાહ અને મોબાઈલ ચાર્જિંગની શરતો
દક્ષિણ કોરિયાની સરકારે તેના નાગરિકોને વિનંતી કરી છે કે તેઓ સ્નાન કરવા માટે ઓછો સમય લે. સરકારનું માનવું છે કે ગરમ પાણી અને ફુવારાના ઓછા ઉપયોગથી નોંધપાત્ર પ્રમાણમાં ઉર્જા બચાવી શકાય છે. આ ઉપરાંત, લોકોને રાત્રે મોબાઈલ કે ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ ચાર્જ કરવાને બદલે દિવસના સમયે જ ચાર્જ કરી લેવા માટે કહેવામાં આવ્યું છે.
સરકાર દ્વારા જારી કરાયેલા 12 મહત્વના નિર્દેશો
કેબિનેટની બેઠક બાદ ઉર્જા મંત્રી કિમ સુંગ-વ્હાને સ્પષ્ટ કર્યું કે અત્યારે આ નિયમો સ્વૈચ્છિક છે, પરંતુ જો સ્થિતિ નહીં સુધરે તો તેને ફરજિયાત બનાવવામાં આવશે. સરકારની અપીલમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:
- વોશિંગ મશીન અને વેક્યુમ ક્લીનર: તેનો ઉપયોગ માત્ર અઠવાડિયાના અંતે જ કરવો.
- વર્ક ફ્રોમ હોમ: ટોચની 50 કંપનીઓને તેલનો વપરાશ ઘટાડવા માટે કર્મચારીઓને ઘરેથી કામ આપવા જણાવાયું છે.
- વાહન વ્યવહાર: ખાનગી કારનો ઉપયોગ ટાળવો અને જાહેર પરિવહનનો સહારો લેવો.
- ચાર્જિંગ મર્યાદા: કોઈપણ ઈલેક્ટ્રિક સાધનને વધુ પડતા સમય માટે ચાર્જિંગ પર ન રાખવું.
દક્ષિણ કોરિયા કેમ ચિંતિત છે?
દક્ષિણ કોરિયા પોતાની ઉર્જા જરૂરિયાતો માટે મોટાભાગે આયાત પર નિર્ભર છે. દેશનો 70 ટકા તેલ પુરવઠો ‘હોર્મુઝ સ્ટ્રેટ’ (Strait of Hormuz) દ્વારા આવે છે, જે અત્યારે યુદ્ધના કારણે જોખમમાં છે.
હાલમાં દક્ષિણ કોરિયા પાસે માત્ર 190 મિલિયન બેરલ તેલનો અનામત જથ્થો (Reserve) છે. દક્ષિણ કોરિયામાં દરરોજ 2.90 મિલિયન બેરલ તેલનો વપરાશ થાય છે, જેનો અર્થ છે કે તેની પાસે 2 મહિનાથી પણ ઓછો સ્ટોક બાકી છે. જો યુદ્ધ લાંબુ ખેંચાય, તો દેશમાં અંધાધૂંધી મચી શકે છે, જેના કારણે સરકાર અત્યારથી જ સાવચેતીના પગલાં ભરી રહી છે.

