સવારે મોઢું સુકાવવું અને દુર્ગંધ આવવી? જાણો તેના કારણો અને બચવાના અસરકારક ઉપાયો
સવારે ઉઠતાની સાથે જ મોઢામાં દુર્ગંધ આવવી એ સામાન્ય બાબત ગણાય છે, પરંતુ જો દરરોજ તમારું મોઢું સુકાતું હોય (Dry Mouth) અને તીવ્ર દુર્ગંધ આવતી હોય, તો તેને અવગણવી જોઈએ નહીં. આ માત્ર ઊંઘ સાથે જોડાયેલી બાબત નથી, પણ તમારા શરીરના હાઈડ્રેશન, ઊંઘની ગુણવત્તા અને મેટાબોલિઝમ સાથે જોડાયેલો એક મહત્વપૂર્ણ સંકેત હોઈ શકે છે.
ચાલો સમજીએ કે આવું શા માટે થાય છે અને તેને કેવી રીતે ઠીક કરી શકાય.
સવારે મોઢું સુકાવવા અને દુર્ગંધ આવવાના મુખ્ય કારણો
૧. શરીરમાં પાણીની ઉણપ (Dehydration):
જો તમે આખો દિવસ પૂરતું પાણી નથી પીતા, તો રાત્રે શરીર વધુ ડિહાઈડ્રેટ થઈ જાય છે. લાળ (Saliva) મોઢાને સાફ રાખવાનું કામ કરે છે, પરંતુ પાણીની અછતને કારણે લાળ ઓછી બને છે અને મોઢું સુકાઈ જાય છે. સૂકા હોઠ અને પેશાબનો ઘાટો રંગ આના મુખ્ય સંકેતો છે.
૨. મોઢું ખુલ્લું રાખીને સૂવાની આદત (Mouth Breathing):
ઘણા લોકોને નાકને બદલે મોઢેથી શ્વાસ લેવાની આદત હોય છે અથવા શરદીને કારણે નાક બંધ હોય ત્યારે તેઓ મોઢેથી શ્વાસ લે છે. આ પ્રક્રિયામાં હવા સીધી મોઢામાં જવાથી લાળ સુકાઈ જાય છે, જેના કારણે સવારે ગળું સુકાવવું અને નસકોરાં આવવાની સમસ્યા થાય છે.
૩. બેક્ટેરિયાનો ફેલાવો:
રાત્રે જ્યારે લાળનું પ્રમાણ ઘટે છે, ત્યારે મોઢામાં રહેલા બેક્ટેરિયા ઝડપથી વધવા લાગે છે. આ બેક્ટેરિયા જ સવારની દુર્ગંધ અને જીભ પર સફેદ પડ જામવા માટે જવાબદાર હોય છે.
૪. ડાયાબિટીસ અને મેટાબોલિઝમ:
જો તમારું બ્લડ શુગર લેવલ વધી ગયું હોય (પ્રી-ડાયાબિટીસ અથવા ડાયાબિટીસ), તો વારંવાર મોઢું સુકાવવાની સમસ્યા થઈ શકે છે. જો તમને રાત્રે વારંવાર તરસ લાગતી હોય કે પેશાબ કરવા જવું પડતું હોય, તો આ ગંભીર સંકેત હોઈ શકે છે.
૫. અપૂરતી ઊંઘ અથવા સ્લીપ એપનિયા:
ઊંઘની ખરાબ ગુણવત્તા પણ મોઢું સુકાવવાનું એક કારણ છે. સ્લીપ એપનિયા જેવી બીમારીમાં વ્યક્તિની ઊંઘ વારંવાર ઊડી જાય છે, જેના કારણે સવારે ઉઠ્યા પછી પણ થાકનો અનુભવ થાય છે.
ક્યારે સાવધાન થવું જરૂરી છે?
જો આ સમસ્યા દરરોજ રહેતી હોય, તો તે પેઢાના રોગો, પાચનની સમસ્યા અથવા ડાયાબિટીસના લક્ષણો હોઈ શકે છે. ખાસ કરીને જ્યારે મોઢાની સ્વચ્છતા રાખવા છતાં દુર્ગંધ ન જતી હોય, ત્યારે ડૉક્ટર પાસે બ્લડ શુગરની તપાસ કરાવવી હિતાવહ છે.
સમસ્યાના સમાધાન માટેના સરળ ઉપાયો
- પૂરતું પાણી પીવો: દિવસ દરમિયાન ઓછામાં ઓછું ૭-૮ ગ્લાસ પાણી પીવો. રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ પાણી પીવાની આદત પાડો.
- ઓરલ હાઈજીન: રાત્રે સૂતા પહેલા બ્રશ કરવું ખૂબ જરૂરી છે. જીભ સાફ કરવા માટે ટંગ ક્લીનરનો ઉપયોગ કરો અને જરૂર પડે તો માઉથવોશ વાપરો.
- નાકથી શ્વાસ લેવાની આદત: જો નાક બંધ રહેતું હોય, તો નાસ (Steam) લો. જો સમસ્યા કાયમી હોય તો નિષ્ણાતની સલાહ લો.
- આહારમાં સુધારો: વધુ પડતી ખાંડ, જંક ફૂડ અને કેફીન (ચા-કોફી) નું પ્રમાણ ઘટાડવું. તાજા ફળો અને લીલા શાકભાજીનું સેવન વધારવું.
- નિયમિત ઊંઘ: રોજ ૭ થી ૮ કલાકની ઊંઘ લો. સૂવાના એક કલાક પહેલા મોબાઈલ અને ગેજેટ્સનો ઉપયોગ ટાળો જેથી ઊંઘની ગુણવત્તા સુધરે.

