તાપીના બેડકુવા ગામના ખેડૂતની પ્રેરણાદાયી સફર, પ્રાકૃતિક ખેતીથી શેરડીમાંથી લાખોની આવક
સામાન્ય રીતે સરકારી સેવામાંથી નિવૃત્ત થયા પછી લોકો આરામદાયક જીવન પસંદ કરતા હોય છે, પરંતુ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બેડકુવા ગામના નાનસિંગભાઈ ચૌધરીએ એક પ્રેરણાદાયી માર્ગ અપનાવ્યો છે. વર્ષ ૨૦૧૫માં ફોરેસ્ટ વિભાગમાંથી નિવૃત્ત થયા બાદ, તેમણે ૨૦૧૬માં પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી અને પોતાની કઠણ જમીનને ફરી જીવંત કરવાના કામમાં લાગી ગયા. રાસાયણિક ખેતીના ખર્ચ અને જમીનને થતા નુકસાનને બદલે તેમણે ગાય આધારિત ખેતી અપનાવી, જેના કારણે આજે તેઓ માત્ર એક સફળ ખેડૂત જ નહીં પરંતુ હજારો ખેડૂતોને માર્ગદર્શન આપતા માસ્ટર ટ્રેનર બની ગયા છે.
શેરડીના વાવેતર અને ગોળના ઉત્પાદન દ્વારા મેળવ્યો લાખોનો નફો
નાનસિંગભાઈએ પોતાની ખેતીમાં નવતર પ્રયોગો કરતા શેરડીનું વાવેતર કર્યું હતું. આ વર્ષે તેમને ૨૬.૫૮ ટન શેરડીનું ઉત્પાદન મળ્યું, પરંતુ તેમણે શેરડીને સીધી વેચવાને બદલે તેનું મૂલ્યવર્ધન કરવાનું નક્કી કર્યું. તેમણે આ શેરડીમાંથી ૩૫૭૯ કિલો શુદ્ધ અને પ્રાકૃતિક ગોળ તૈયાર કર્યો. બજારમાં કેમિકલ મુક્ત ગોળની ભારે માંગ હોવાથી, ૧૩૦ રૂપિયે કિલોના ભાવે તેમને કુલ ૪.૬૫ લાખની આવક થઈ. તમામ ખર્ચ બાદ કરતાં તેમને અંદાજે અઢી લાખ રૂપિયાનો ચોખ્ખો નફો મળ્યો છે, જે અન્ય ખેડૂતો માટે પ્રોત્સાહક ઉદાહરણ છે.
જીવામૃતના ઉપયોગથી જમીન બની રૂ જેવી પોચી અને ફળદ્રુપ
પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ વિશે વાત કરતા નાનસિંગભાઈ જણાવે છે કે જીવામૃત અને ઘન જીવામૃતના ઉપયોગથી તેમની જમીન હવે રૂ જેવી પોચી બની ગઈ છે. અગાઉ રાસાયણિક ખેતી વખતે જમીન એટલી કઠણ હતી કે નીંદણ ઉખેડતી વખતે તૂટી જતું હતું, જ્યારે હવે તે મૂળિયા સાથે સહજતાથી નીકળી આવે છે. વર્ષ ૨૦૨૦માં પણ તેમણે ૩ એકરમાં ૧૦૮ ટન શેરડી પકવીને લાખોની કમાણી કરી હતી. તેમની આ પદ્ધતિથી જમીનની તંદુરસ્તી જળવાય છે અને ખેતીનો ખર્ચ પણ નહિવત થઈ જાય છે.
વિદેશો સુધી પહોંચી બેડકુવા ગામના ગોળની મીઠાશ
નાનસિંગભાઈ દ્વારા તૈયાર કરવામાં આવતો ગોળ સંપૂર્ણપણે કેમિકલ રહિત હોવાથી તેની માંગ માત્ર ગુજરાતમાં જ નહીં પણ વિદેશોમાં પણ છે. સુરત, અમદાવાદ અને નવસારી જેવા શહેરો ઉપરાંત અમેરિકા અને કેનેડામાં વસતા ગુજરાતીઓ પણ ખાસ આગ્રહ રાખીને આ ગોળ મંગાવે છે. હવે તેઓ શેરડીની સાથે આંબાવાડી તરફ પણ વળ્યા છે, કારણ કે તેમનું માનવું છે કે ફળાઉ પાકો લાંબા ગાળે વધુ સારી આવક આપી શકે છે. નાનસિંગભાઈની આ સફળતા સાબિત કરે છે કે જો ઈચ્છાશક્તિ હોય તો નિવૃત્તિ પછી પણ ધરતીપુત્ર બનીને સમૃદ્ધિ મેળવી શકાય છે.

