તેલ સંકટ વચ્ચે ઈરાનનો મોટો નિર્ણય: હોર્મુઝની ખાડી ભારત માટે ખુલ્લી, વિશ્વભરમાં ફફડાટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર
વિશ્વભરમાં તેલ અને ગેસની અછતની આશંકાઓ વચ્ચે ઈરાને એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ઈરાન-ઈઝરાયેલ યુદ્ધના ૨૭મા દિવસે ઈરાને તેના ૫ મિત્ર દેશોના જહાજોને હોર્મુઝની સામુદ્રધુની પાર કરવાની પરવાનગી આપી છે. આ યાદીમાં ભારતનું નામ પણ સામેલ છે, જેને ભારતની મુત્સદ્દીગીરીની મોટી જીત માનવામાં આવી રહી છે.
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી (Abbas Araghchi) એ સ્પષ્ટ કર્યું છે કે ભારત, ચીન, રશિયા, ઈરાક અને પાકિસ્તાનના જહાજો આ માર્ગ પરથી સુરક્ષિત રીતે પસાર થઈ શકશે. મુંબઈ સ્થિત ઈરાની વાણિજ્ય દૂતાવાસે પણ સોશિયલ મીડિયા પર આ વાતની પુષ્ટિ કરતા લખ્યું કે, “અમે અમારા મિત્ર દેશો માટે હોર્મુઝ સ્ટ્રેટથી સુરક્ષિત માર્ગની મંજૂરી આપી દીધી છે.”
સંયુક્ત રાષ્ટ્રની અપીલ બાદ લેવાયો નિર્ણય
આ નિર્ણય સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસની અપીલ બાદ લેવામાં આવ્યો છે. ગુટેરેસે ચેતવણી આપી હતી કે જો હોર્મુઝ લાંબા સમય સુધી બંધ રહેશે, તો તેલ, ગેસ અને ખાતરના પુરવઠાને ખરાબ અસર થશે. ખાસ કરીને ખેતીની સિઝન ચાલતી હોવાથી સામાન્ય જનતાને મોટું નુકસાન થઈ શકે છે.
ઈરાની વિદેશ મંત્રીએ જણાવ્યું કે, “અનેક દેશોના જહાજ માલિકોએ અમારો સંપર્ક કર્યો હતો. અમે નક્કી કર્યું છે કે જે દેશો અમારા મિત્ર છે, તેમના જહાજોને અમારા સશસ્ત્ર દળો સુરક્ષિત રીતે પસાર થવા દેશે. ભારતના બે જહાજો થોડી રાત પહેલા જ ત્યાંથી પસાર થયા છે અને આ પ્રક્રિયા યુદ્ધ પછી પણ ચાલુ રહેશે.”
કયા દેશો પર રહેશે પ્રતિબંધ?
ઈરાને પોતાનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું છે કે અમેરિકા, ઈઝરાયેલ અને તે ખાડી દેશોના જહાજોને મંજૂરી આપવામાં આવશે નહીં જેઓ આ યુદ્ધમાં સામેલ છે. અરાઘચીએ કડક શબ્દોમાં કહ્યું કે, “અમે યુદ્ધની સ્થિતિમાં છીએ અને આ વિસ્તાર યુદ્ધ ક્ષેત્ર છે. દુશ્મન દેશો અને તેમના સાથીઓના જહાજોને પસાર થવા દેવાનું કોઈ કારણ નથી.” બિન-દુશ્મન દેશોએ પણ પસાર થતા પહેલા ઈરાની સત્તાવાળાઓ સાથે સંકલન કરવું પડશે.
ભારત માટે આ સમાચાર શા માટે મહત્વના છે?
ભારત પોતાની તેલની જરૂરિયાતો માટે મોટે ભાગે ખાડી દેશો પર નિર્ભર છે. રિલાયન્સ જેવી મોટી ભારતીય કંપનીઓ પહેલાથી જ ઈરાન પાસેથી તેલ ખરીદી ચૂકી છે. જો હોર્મુઝનો માર્ગ બંધ રહે તો ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને ખાતરના ભાવ આસમાને પહોંચી શકે તેમ હતા.
વૈશ્વિક તેલ નિકાસનો લગભગ ૨૦ ટકા હિસ્સો હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે. પીએમ નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની વાતચીતમાં પણ આ માર્ગને સુરક્ષિત રાખવાની અપીલ કરી હતી. ઈરાનનો આ નિર્ણય ભારત સાથેના તેના જૂના અને મજબૂત સંબંધોનું પરિણામ માનવામાં આવે છે.

