ઈરાનનો દાવો: ‘અમે અમેરિકાનું F-18 ફાઈટર જેટ તોડી પાડ્યું’, અમેરિકાએ કહ્યું- ‘આ સફેદ જૂઠ છે’
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ દાવો કર્યો છે કે તેમણે અમેરિકાના એક F-18 ફાઈટર જેટને સફળતાપૂર્વક નિશાન બનાવીને તોડી પાડ્યું છે. જોકે, અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ આ દાવાને સંપૂર્ણપણે ખોટો અને ભ્રામક ગણાવ્યો છે.
ઈરાની સરકારી મીડિયાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં એક ફાઈટર જેટ હવામાં ઉડતું દેખાય છે અને અચાનક એક ચમકતા પ્રકાશના ગોળા સાથે અથડાયા બાદ તે અનિયંત્રિત થઈને નીચે પડતું દેખાય છે. વીડિયોમાં જેટમાંથી ધુમાડો નીકળતો પણ જોવા મળી રહ્યો છે.
ઈરાનનો દાવો અને વીડિયો ફૂટેજ
IRGC ના જણાવ્યા અનુસાર, તેમણે પોતાની નવી અને અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરીને ચાબહારના આકાશમાં આ અમેરિકી જેટને તોડી પાડ્યું છે. જોકે, ઈરાને આ હુમલાનું ચોક્કસ સ્થળ, જેટને થયેલું નુકસાન કે પાયલોટની સ્થિતિ વિશે કોઈ વિગતવાર માહિતી આપી નથી. નોંધનીય છે કે આ વીડિયોની સત્યતાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી.
અમેરિકાનો વળતો પ્રહાર: ‘બધા દાવા ફેક છે’
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સ્પષ્ટતા કરતા લખ્યું છે કે, “આ એક જૂઠ છે. ઈરાન દ્વારા કોઈ પણ અમેરિકી ફાઈટર એરક્રાફ્ટ તોડી પાડવામાં આવ્યું નથી.” અમેરિકાએ ભારપૂર્વક જણાવ્યું કે તેમના વિમાનો ‘ઓપરેશન એપિક ફ્યુરી’ હેઠળ હજારો ઉડાણો ભરી રહ્યા છે અને તમામ સુરક્ષિત છે.
Breaking:
A U.S. military #F18 has been struck by fire from Iran’s integrated air defense network.#Breaking #Iran #US #AirDefense #Military pic.twitter.com/HbXe5DAzwi
— Consulate General of the I.R. Iran in Mumbai (@IRANinMumbai) March 25, 2026
અગાઉ પણ ઈરાને કર્યા છે આવા દાવા
આ પહેલીવાર નથી જ્યારે ઈરાને અમેરિકી વિમાનો તોડી પાડવાનો દાવો કર્યો હોય. આ પહેલા પણ ઈરાને દાવો કર્યો હતો કે તેમણે અમેરિકાના F-15 અને અત્યાધુનિક F-35 સ્ટીલ્થ ફાઈટર જેટને નુકસાન પહોંચાડ્યું છે.
ગયા અઠવાડિયે ઈરાની મીડિયાએ બે વાર દાવો કર્યો હતો કે IRGC એ અમેરિકી F-15 જેટ્સ તોડી પાડ્યા છે. F-35 ના કિસ્સામાં અમેરિકાએ સ્વીકાર્યું હતું કે એક વિમાને ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું અને પાયલોટ સુરક્ષિત છે, પરંતુ તે દુશ્મનના હુમલાથી થયું હતું કે ટેકનિકલ ખામીથી, તેની તપાસ હજુ ચાલુ છે.
🚫FALSE: The Islamic Revolutionary Guard Corps announced a U.S. F/A-18 fighter was struck over Chabahar using new advanced air defense systems.
✅TRUE: No U.S. fighter aircraft have been shot down by Iran. pic.twitter.com/I25QFjYo0l
— U.S. Central Command (@CENTCOM) March 25, 2026
યુદ્ધ વિમાનની શક્તિ: F-18 વિરુદ્ધ એર ડિફેન્સ
અમેરિકાનું F/A-18 હોર્નેટ એક અત્યંત શક્તિશાળી લડાયક વિમાન છે જે દુશ્મનના રડારને છેતરીને હુમલો કરવામાં સક્ષમ છે. બીજી તરફ, ઈરાન સતત પોતાની સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમનું પ્રદર્શન કરી રહ્યું છે. નિષ્ણાતો માને છે કે આવા દાવાઓ પાછળ મનોવૈજ્ઞાનિક યુદ્ધ (Psychological Warfare) પણ હોઈ શકે છે જેથી પોતાના દેશની જનતા અને સૈન્યનું મનોબળ વધારી શકાય.
