બેલા ગામને આદર્શ ગામ બનાવવા રાજ્યપાલનો આહ્વાન, પ્રાકૃતિક ખેતી, વૃક્ષારોપણ અને શિક્ષણ પર ભાર
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બેલા ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે રાત્રી સભામાં પ્રેરક સંવાદ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિ પ્રત્યે લોકોમાં વધતી જાગૃતિ એક અત્યંત સકારાત્મક પરિવર્તન છે. રાજ્યપાલશ્રીએ ખેતીની સાથે પશુપાલન પ્રવૃત્તિઓને વેગ આપવા પર ભાર મૂકતા બેલા ગામને એક ‘આદર્શ ગામ’ તરીકે વિકસાવવા માટે ગ્રામજનોને સંકલ્પબદ્ધ થવા આહ્વાન કર્યું હતું. તેમણે હણોલ ગામના વિકાસ મોડેલનું ઉદાહરણ આપીને વૃક્ષારોપણ અને સ્વચ્છતા દ્વારા ગામની અનોખી ઓળખ ઊભી કરવા અનુરોધ કર્યો હતો.
રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક કૃષિ અપનાવવા અને પર્યાવરણ જતનનું આહ્વાન
સંબોધન દરમિયાન રાજ્યપાલશ્રીએ રાસાયણિક ખેતીથી સ્વાસ્થ્ય પર થતી નકારાત્મક અસરો વિશે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સમજાવ્યું કે પ્રાકૃતિક ખેતી ઓછા ખર્ચમાં વધુ ફળદાયી અને ઝેરમુક્ત આહાર આપનારી પદ્ધતિ છે. આ ઉપરાંત, તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના “એક પેડ માં કે નામ” અભિયાનને વેગ આપવા જણાવ્યું હતું અને ગ્રામજનોને જન્મદિવસ જેવા પ્રસંગોએ વૃક્ષારોપણ કરવાની ટેવ વિકસાવવા પ્રેરણા આપી હતી. શિક્ષણને વિકાસનો પાયો ગણાવી તેમણે બાળકોના સંપૂર્ણ શિક્ષણ અને સરકારી યોજનાઓના મહત્તમ લાભ લેવા પર ભાર મૂક્યો હતો.
૫૦૦થી વધુ આદર્શ ગામો બનાવવા રાજ્ય સરકારની કટિબદ્ધતા
આ પ્રસંગે ઉપસ્થિત કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગુજરાતના ૫૦૦થી વધુ ગામોને આદર્શ ગામ બનાવવા અને નેટ હાઉસનો વ્યાપ વધારવા માટે મક્કમ છે. તેમણે બેલા ગામના વિકાસ માટે વિશેષ જાહેરાતો કરતા જણાવ્યું કે ગામમાં વૃક્ષોના જતન માટે વિનામૂલ્યે છોડ અને પાંજરા પૂરા પાડવામાં આવશે. પશુપાલકો માટે ‘સેક્સ સોર્ટેડ સીમન’ અને જળ સંચય અભિયાન અંતર્ગત ગામના તળાવને ઊંડું કરવાની ખાતરી આપી તેમણે સરકાર ખેડૂતો અને ગ્રામીણ વિકાસ માટે કાયમ તત્પર હોવાનું જણાવ્યું હતું.
બેલા ગામને ‘લીવેબલ વિલેજ’ બનાવવા વહીવટી તંત્રની ખાતરી
જિલ્લા કલેક્ટર ડૉ. મનીષકુમાર બંસલે રાજ્યપાલશ્રીના રોકાણને ભાવનગર જિલ્લા માટે સૌભાગ્ય ગણાવતા બેલા ગામને આદર્શ અને ‘લીવેબલ વિલેજ’ (રહેવા યોગ્ય ઉત્તમ ગામ) બનાવવા માટે વહીવટી તંત્રના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. આ રાત્રી સભામાં તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી હનૂલ ચૌધરી અને સરપંચ હસમુખભાઈ બારૈયા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ મુલાકાતથી ગ્રામીણ સ્તરે પ્રાકૃતિક ખેતી અને સામાજિક જવાબદારીના નવા અધ્યાયની શરૂઆત થઈ છે.


