ન્યુ લેબર કોડનો ધડાકો: રજા લો તો આરામ અને ન લો તો બેંકમાં જમા થશે પૈસા! જાણો તમારી કંપની પાસેથી કેવી રીતે વસૂલવું વળતર
ખાનગી અને સરકારી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ માટે કેન્દ્ર સરકાર તરફથી એક ખૂબ જ રાહતભર્યા સમાચાર આવ્યા છે. ન્યુ લેબર કોડ (New Labour Code) ના અમલીકરણ સાથે જ કર્મચારીઓના હિતમાં અનેક મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. આ નવા નિયમો પૈકીનો એક સૌથી મહત્વનો નિયમ ‘લીવ એનકેશમેન્ટ’ (Leave Encashment) એટલે કે વધારાની રજાઓના બદલામાં પૈસા મળવા અંગેનો છે, જે 1 એપ્રિલ થી લાગુ થઈ ચૂક્યો છે.
અત્યાર સુધી મોટાભાગની કંપનીઓમાં કર્મચારીઓની રજાઓ વર્ષના અંતે ખતમ થઈ જતી હતી અથવા તો તેનો લાભ માત્ર નિવૃત્તિ સમયે જ મળતો હતો. પરંતુ હવે લેબર કોડના નવા નિયમોએ ચિત્ર બદલી નાખ્યું છે.
શું છે રજાનો નવો નિયમ? હવે રજાઓ નહીં થાય ‘ઝીરો’
સામાન્ય રીતે જ્યારે તમે કોઈ કંપનીમાં જોડાઓ છો, ત્યારે તમને વર્ષ દરમિયાન અમુક નક્કી કરેલી રજાઓ (Privilege Leaves/Earned Leaves) આપવામાં આવે છે. ઘણીવાર કામના ભારણને કારણે કર્મચારીઓ આ બધી રજાઓ ભોગવી શકતા નથી. અગાઉના નિયમો મુજબ, જો તમે રજા ન લો તો વર્ષના અંતે તે રજાઓ કલેપ્સ (Lapse) થઈ જતી હતી, એટલે કે તેનો કોઈ ફાયદો મળતો નહોતો.
નવા ફેરફાર મુજબ:
-
કેરી ફોરવર્ડની સુવિધા: ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન કોડ હેઠળ, જો તમારી રજાઓ બચી ગઈ હોય, તો તે આગામી વર્ષમાં ‘કેરી ફોરવર્ડ’ (આગળ ખેંચી શકાશે) થઈ જશે.
-
રજાના બદલામાં રોકડ: હવે કર્મચારીએ તેની વધારાની રજાઓ જતી કરવાની જરૂર નથી. ન્યુ લેબર કોડ મુજબ, કંપનીએ વર્ષના અંતે બચેલી રજાઓના બદલામાં કર્મચારીને પૈસા ચૂકવવા પડશે.
ક્યારે અને કેવી રીતે મળશે પૈસા?
પહેલાના સમયમાં રજાઓના બદલામાં પૈસા મળવાની સુવિધા માત્ર સરકારી નોકરીમાં અથવા ગણતરીની ખાનગી કંપનીઓમાં જ હતી, અને તે પણ મોટાભાગે રાજીનામું આપતી વખતે કે રિટાયરમેન્ટ વખતે મળતી હતી.
નવા લેબર કોડ હેઠળની સ્થિતિ:
-
દર વર્ષે ચૂકવણી: હવે કર્મચારી પાસે વિકલ્પ હશે કે તે તેની વર્ષના અંતે બચેલી રજાઓનું ‘એનકેશમેન્ટ’ કરાવી શકે. એટલે કે, કંપનીએ તે રજાઓના દિવસોના પગાર જેટલી રકમ કર્મચારીને આપવી પડશે.
-
તમામ સંસ્થાઓ માટે ફરજિયાત: આ નિયમ હવે દરેક નાની-મોટી કંપની કે સંસ્થા માટે ફરજિયાત બનાવવામાં આવ્યો છે. કોઈ પણ કંપની હવે કર્મચારીની હકદાર રજાઓને વગર વળતરે રદ કરી શકશે નહીં.
-
કામદારોની સુરક્ષા: આ નિયમ ખાસ કરીને એવા કર્મચારીઓ માટે આશીર્વાદરૂપ છે જેઓ રજા લીધા વિના સતત કામ કરે છે. હવે તેમની મહેનતની રજાઓ એળે નહીં જાય.
ન્યુ લેબર કોડના અન્ય ફાયદા
ન્યુ લેબર કોડ માત્ર રજાઓ પૂરતો સીમિત નથી, તેમાં કર્મચારીઓના કામના કલાકો, ઓવરટાઈમ અને સોશિયલ સિક્યુરિટીને લઈને પણ અનેક જોગવાઈઓ કરવામાં આવી છે. સરકારનો મુખ્ય હેતુ કર્મચારીઓને વધુ સુરક્ષિત અને સુવિધાજનક કાર્યકારી વાતાવરણ પૂરું પાડવાનો છે.

