‘વિશ્વગુરુની પોલ ખુલી ગઈ’: અમેરિકા-ઈરાન સીઝફાયરમાં પાકિસ્તાનની ભૂમિકા બાદ કોંગ્રેસના PM મોદી પર આકરા પ્રહાર
અમેરિકા અને ઈરાન વચ્ચે બે અઠવાડિયાના યુદ્ધવિરામમાં પાકિસ્તાને ભજવેલી મધ્યસ્થીની ભૂમિકા બાદ ભારતમાં રાજકારણ તેજ બન્યું છે. કોંગ્રેસ પક્ષે બુધવારે ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, જે પાકિસ્તાનને અલગ-થલગ કરવાનો દાવો કરવામાં આવતો હતો, તે આજે બે મહાસત્તાઓ વચ્ચે મધ્યસ્થી કરી રહ્યું છે. કોંગ્રેસે વડાપ્રધાન મોદીની વિદેશ નીતિને આડેહાથ લેતા કહ્યું કે, “સ્વયંભૂ વિશ્વગુરુની હવે આખી દુનિયા સામે પોલ ખુલી ગઈ છે.”
‘વ્યક્તિગત ડિપ્લોમેસીને મોટો ફટકો’: જયરામ રમેશ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મહાસચિવ જયરામ રમેશે પીએમ મોદીની “વ્યક્તિગત ડિપ્લોમેસી” પર પ્રહાર કરતા તેને એક મોટો આંચકો ગણાવ્યો છે. તેમણે દાવો કર્યો કે વડાપ્રધાન મોદીની તાજેતરની ઈઝરાયેલ મુલાકાત બાદ જ પશ્ચિમ એશિયામાં આ સંઘર્ષની શરૂઆત થઈ હતી, જેનાથી ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠાને નુકસાન થયું છે.
જયરામ રમેશે વધુમાં કહ્યું કે, “પીએમ મોદીએ ક્યારેય ઈઝરાયેલ દ્વારા ગાઝામાં થઈ રહેલા નરસંહાર કે વેસ્ટ બેંકમાં તેના વિસ્તરણવાદી પગલાં વિશે મૌન તોડ્યું નથી. હવે જ્યારે પાકિસ્તાને આ યુદ્ધવિરામ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે, ત્યારે મોદીની વિદેશ નીતિ અને તેની શૈલી બંને નિષ્ફળ સાબિત થઈ છે.”
પાકિસ્તાન પરના પ્રહારો અને ઈતિહાસની યાદ
કોંગ્રેસે ભાજપ સરકારને આડેહાથ લેતા સવાલ કર્યો કે, પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે એક ‘ફેઈલ્ડ સ્ટેટ’ (નિષ્ફળ દેશ) તરીકે રજૂ કરવાના પ્રયાસો કેમ સફળ ન થયા? રમેશે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સમયની યાદ અપાવતા કહ્યું કે, મુંબઈ હુમલા બાદ જે રીતે પાકિસ્તાન પર રાજદ્વારી દબાણ બનાવવામાં આવ્યું હતું, તેવી ક્ષમતા હાલની સરકારમાં દેખાતી નથી.
તેમણે વિદેશ મંત્રી એસ. જયશંકરના જૂના નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “ભારતના વિદેશ મંત્રીએ પાકિસ્તાનને ‘દલાલ’ કહીને નકારી કાઢ્યું હતું, પરંતુ આજે એ જ દેશ અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિની વાતો કરી રહ્યો છે. આનાથી પીએમ મોદીની કહેવાતી ’56 ઈંચની છાતી’ અને ‘વિશ્વગુરુ’ હોવાના દાવાઓ ખોટા સાબિત થયા છે.”
વ્હાઇટ હાઉસની ભાષા અને મોદીનું મૌન
કોંગ્રેસે પીએમ મોદી પર ‘કાયરતા’નો આરોપ લગાવતા કહ્યું કે, વ્હાઇટ હાઉસમાં બેઠેલા તેમના ‘પરમ મિત્ર’ (ડોનાલ્ડ ટ્રમ્પ) જે પ્રકારની અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે, તેના પર પણ મોદી મૌન સેવી રહ્યા છે. કોંગ્રેસ મુજબ, ભારતની વિદેશ નીતિ અત્યારે માત્ર ફોટોગ્રાફ્સ અને વ્યક્તિગત સંબંધો પૂરતી સીમિત રહી ગઈ છે, જે દેશના હિતમાં નથી.
The entire world will cautiously welcome the two-week ceasefire in the West Asia conflict between the US and Israel on the one side and Iran on the other.
The conflict had begun on Feb 28th with the targeted assassinations of the topmost echelons of the regime in Iran. These…
— Jairam Ramesh (@Jairam_Ramesh) April 8, 2026
અમેરિકા-ઈરાન યુદ્ધવિરામની સ્થિતિ
બીજી તરફ, અમેરિકા અને ઈરાન વચ્ચે બે અઠવાડિયાના યુદ્ધવિરામ પર સહમતી થઈ ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલી દેશે, તો અમેરિકા હુમલા બંધ કરશે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પણ શુક્રવારથી ઈસ્લામાબાદમાં વાતચીત શરૂ કરવાની પુષ્ટિ કરી છે. આ 6 અઠવાડિયા લાંબા યુદ્ધમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે અને વૈશ્વિક ઉર્જા કટોકટી પેદા થઈ છે.
