ફોન જોતા જ ગાયબ થઈ જાય છે યાદશક્તિ? જાણો સ્માર્ટફોનની એ આદત જે તમારા મગજને કરી રહી છે કમજોર!
શું તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે તમે કોઈને મેસેજ કરવા કે બેંક બેલેન્સ ચેક કરવા માટે ફોન હાથમાં લો, સ્ક્રીન અનલોક કરો અને અચાનક વિચારવા લાગો કે— “અરે, મેં ફોન કેમ લીધો હતો?”
જો હા, તો માની લો કે તમે એકલા નથી. આજના સમયમાં આ અનુભવ લગભગ દરેક સ્માર્ટફોન યુઝર સાથે દિવસમાં એકાદ વાર તો થાય જ છે. ઘણીવાર આપણે તેને હસીને ટાળી દઈએ છીએ, પરંતુ આ આપણા મગજની કામ કરવાની પદ્ધતિ અને ડિજિટલ દુનિયાની ઊંડી અસર દર્શાવે છે. દિલ્હીના સીનિયર સાયકિયાટ્રિસ્ટ ડો. ગૌરવ ગુપ્તાએ આ પાછળના મનોવૈજ્ઞાનિક કારણો વિશે વિગતવાર માહિતી આપી છે.
1. વર્કિંગ મેમરી: મગજનું નાનું ‘નોટપેડ’
આપણા મગજમાં એક ‘વર્કિંગ મેમરી’ હોય છે. તેને તમે કોમ્પ્યુટરની ‘RAM’ જેવું સમજી શકો છો. આ મેમરી માહિતીને ખૂબ જ ઓછા સમય માટે (લગભગ 15 થી 30 સેકન્ડ) સાચવી રાખે છે.
જ્યારે તમે વિચારો છો કે “મારે લાઈટ બિલ ભરવાનું છે” અને ફોન ઉઠાવો છો, ત્યારે આ વિચાર તમારી વર્કિંગ મેમરીમાં હોય છે. પણ જેવું તમે ફોન અનલોક કરો છો, સ્ક્રીન પર દેખાતા રંગબેરંગી વોલપેપર, લાલ રંગના નોટિફિકેશન ડોટ્સ અને અસંખ્ય એપ્સ તમારા મગજ પર એકસાથે હુમલો કરે છે. આ ‘ઘોંઘાટ’ને કારણે મગજનું પેલું નાનું નોટપેડ ભરાઈ જાય છે અને જૂનો વિચાર (બિલ ભરવાનું) ત્યાંથી ડિલીટ થઈ જાય છે.
2. ડોપામાઈનનું માયાજાળ અને ‘તાત્કાલિક સંતોષ’
સ્માર્ટફોન એપ્સ એવી રીતે બનાવવામાં આવી છે કે તે આપણા મગજના ‘રિવોર્ડ સિસ્ટમ’ સાથે રમત રમે છે. જેવું આપણે ફોન જોઈએ છીએ, આપણા મગજમાં ડોપામાઈન (Dopamine) નામનું કેમિકલ રિલીઝ થાય છે, જેને ‘ફીલ-ગુડ’ હોર્મોન પણ કહેવાય છે.
આપણું મગજ સ્વભાવે આળસું છે; તેને મહેનતવાળું કામ (જેમ કે ઓફિસ મેઈલ ચેક કરવો) ગમતું નથી, તેને એવું કામ ગમે છે જે તરત ખુશી આપે (જેમ કે ઈન્સ્ટાગ્રામ રીલ્સ કે વોટ્સએપ મેસેજ). જેવો ફોન અનલોક થાય, મગજને ખબર પડે છે કે અહીં મનોરંજનનો ભંડાર છે. આ લાલચમાં તે પેલા ‘બોરિંગ’ કામને ભૂલી જાય છે જેના માટે તમે ફોન ઉઠાવ્યો હતો.
3. આદત કે મજબૂરી? (The Habit Loop)
ઘણીવાર ફોન ઉઠાવવો એ કોઈ જરૂરિયાત નથી હોતી, પણ એક ‘મસલ મેમરી’ બની ગઈ હોય છે. જેમ સવારે ઉઠીને બ્રશ કરવું આપણી આદત છે, તેમ ખિસ્સામાં હાથ નાખીને ફોન કાઢવો અને અનલોક કરવો એ એક સહજ ક્રિયા બની ગઈ છે. આપણે ઘણીવાર કોઈ કામ વગર પણ ફોન અનલોક કરી લઈએ છીએ કારણ કે આપણો હાથ અને મગજ તેના માટે ટેવાયેલા છે.
4. ડિજિટલ થાક અને ઘટતી એકાગ્રતા
આજે આપણે માહિતીના દરિયામાં ડૂબેલા છીએ. સતત ન્યૂઝ, વીડિયો અને મેસેજને કારણે મગજ થાકી જાય છે, જેને ‘ડિજિટલ ફટીગ’ કહેવાય છે. આ થાકને કારણે મગજ કોઈ એક વિચારને લાંબો સમય પકડી રાખી શકતું નથી. આવા સમયે ફોનની સ્ક્રીન પર દેખાતું એક નાનું નોટિફિકેશન પણ આપણને મૂળ રસ્તેથી ભટકાવવા માટે પૂરતું છે.
આ ‘ડિજિટલ ભટકાવ’થી કેવી રીતે બચશો?
ડો. ગૌરવ ગુપ્તા આનાથી બચવા માટે કેટલાક સરળ ઉપાયો બતાવે છે:
-
બોલીને યાદ કરાવો: ફોન ઉઠાવતા પહેલા મનમાં કે ધીમેથી બોલો— “મારે રાહુલને મેસેજ કરવા માટે ફોન લેવો છે.” જ્યારે તમે બોલો છો, ત્યારે તે વિચાર મગજમાં લાંબો સમય ટકે છે.
-
નોટિફિકેશન ઘટાડો: બિનજરૂરી એપ્સના નોટિફિકેશન બંધ કરી દો. સ્ક્રીન જેટલી શાંત હશે, મગજ એટલું ઓછું ભટકશે.
-
ફોનને થોડો દૂર રાખો: દરેક સમયે ફોન પાસે રાખવાની આદત ટાળો. જો ફોન થોડો દૂર હશે તો તેને લેવા માટે તમારે શારીરિક પ્રયત્ન કરવો પડશે, જેથી ‘વગર કામે ફોન જોવાની’ આદત છૂટશે.
-
ડિજિટલ ડિટોક્સ: દિવસમાં ઓછામાં ઓછો એક કલાક એવો રાખો જ્યારે તમે ફોનથી સાવ દૂર હોવ. તેનાથી મગજનો થાક ઓછો થશે.

