સવારે આંખોમાં જામતો મેલ સામાન્ય નથી? જાણો કઈ બીમારીઓનો હોઈ શકે છે સંકેત
સવારે ઉઠતાની સાથે જ જો આંખના ખૂણામાં ચીકણો અથવા સુકાયેલો મેલ જોવા મળે, તો આપણે તેને ઘણીવાર સામાન્ય ગણીને અવગણીએ છીએ. પરંતુ દરેક વખતે આવું કરવું યોગ્ય નથી. કેટલીકવાર આ આંખોના ચેપ અથવા કોઈ ગંભીર સમસ્યાનો સંકેત હોઈ શકે છે. તેથી, એ સમજવું જરૂરી છે કે ક્યારે આ સામાન્ય છે અને ક્યારે તમારે સાવધ થઈ જવું જોઈએ.
સવારે આંખોમાં મેલ કેમ જમા થાય છે?
આંખોમાં જામતો આ મેલ હકીકતમાં ‘આઈ ડિસ્ચાર્જ’ (Eye Discharge) છે, જે સુકાઈને પોપડી જેવો બની જાય છે. જ્યારે આપણે સૂતા હોઈએ છીએ, ત્યારે પલકો ઝબકતી નથી. આવી સ્થિતિમાં આંખનો કુદરતી સ્ત્રાવ બહાર નીકળવાને બદલે ખૂણામાં જમા થાય છે. જો આ હળવો અને સફેદ હોય તો સામાન્ય છે, પણ જો તેનો રંગ કે ઘટ્ટતા બદલાય તો તે ચિંતાનો વિષય છે.
કયા કારણોસર વધી શકે છે આ સમસ્યા?
- આંસુની નળીમાં અવરોધ (Blocked Tear Duct): જો આંસુની નળી બ્લોક થઈ જાય, તો આંસુ યોગ્ય રીતે વહી શકતા નથી. આનાથી આંખોમાં લાલાશ અને પીળા-લીલા રંગનો મેલ જમા થવા લાગે છે.
- એલર્જી (Allergy): ધૂળ, પાલતુ પ્રાણીઓના વાળ કે પ્રદૂષણને કારણે આંખોમાં ખંજવાળ, પાણી આવવું અને સોજો આવી શકે છે. આને ‘એલર્જિક કન્જક્ટિવાઈટિસ’ કહેવાય છે.
- ડ્રાય આઈ (Dry Eye): જો તમારી આંખો સૂકી રહેતી હોય, તો તેમાં બળતરા અને લાલાશની સાથે ચીકણો પદાર્થ જમા થઈ શકે છે.
- બેક્ટેરિયલ ઇન્ફેક્શન: જો આંખોમાંથી ઘટ્ટ, પીળો કે લીલો મેલ નીકળતો હોય, તો તે બેક્ટેરિયલ ચેપ હોઈ શકે છે. આમાં દુખાવો અને પ્રકાશમાં જોવામાં તકલીફ પણ પડે છે.
- બ્લેફરાઇટિસ (Blepharitis): આ સમસ્યામાં પલકોના કિનારા પર સોજો અને બળતરા થાય છે, જેનાથી પલકો ચીકણી થઈ જાય છે અને તેના પર પોપડી જામી જાય છે.
ક્યારે ડોક્ટર પાસે જવું જરૂરી છે?
જો તમને નીચેના લક્ષણો દેખાય, તો તરત જ નિષ્ણાતની સલાહ લો:
- આંખોમાં અસહ્ય દુખાવો થવો.
- વધુ પડતો સોજો કે આંખો એકદમ લાલ થઈ જવી.
- ઝાંખું દેખાવું.
- પ્રકાશ સામે જોવામાં તકલીફ પડવી.
- ઘટ્ટ પીળો કે લીલો ડિસ્ચાર્જ થવો.
ઘરે કેવી રીતે રાખશો ધ્યાન?
હળવી સમસ્યા હોય તો તમે ઘરે પણ આ ઉપાયો અજમાવી શકો છો:
- હૂંફાળા પાણીનો ઉપયોગ: આંખોને હૂંફાળા પાણીથી હળવેથી સાફ કરો.
- સ્વચ્છ કાપડ: મેલ સાફ કરવા માટે હંમેશા સ્વચ્છ અને નરમ કપડાનો ઉપયોગ કરો.
- હાથ ધોવા: આંખોને અડતા પહેલા હાથ બરાબર ધોવો.
- વ્યક્તિગત વસ્તુઓ: તમારા ટુવાલ કે રૂમાલ કોઈની સાથે શેર ન કરો.

