પિતાની મધ્યસ્થી વિરુદ્ધ પુત્રીનું સોશિયલ મીડિયા મેનેજમેન્ટ: શું ભરૂચમાં કોંગ્રેસની ડૂબતી નૈયા પાર ઉતરશે?
ભરૂચ: ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં ઉમેદવારો અને હોદ્દેદારો વચ્ચે વકરેલા આંતરિક વિખવાદે હવે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. ચૂંટણીના ટાણે જ પક્ષની વોટબેંકને મોટા પાયે નુકસાન પહોંચ્યા બાદ, મુમતાઝ પટેલ દ્વારા સોશિયલ મીડિયા પર આપવામાં આવેલો ‘કડક સંદેશ’ અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, આ સંદેશાએ જૂના કોંગ્રેસીઓમાં પૂર્વ દિગ્ગજ નેતા મર્હુમ અહમદ પટેલની યાદ તાજી કરી દીધી છે, કારણ કે મુમતાઝનું આ વલણ તેમના પિતાના સ્વભાવ અને કાર્યશૈલી કરતા તદ્દન વિપરીત હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ડેમેજ કંટ્રોલમાં નિષ્ફળતા?
ભૂતકાળમાં જ્યારે પણ ભરૂચ કોંગ્રેસમાં જૂથવાદ કે વિવાદના વંટોળ ઉઠતા, ત્યારે અહમદ પટેલ સ્વયં દિલ્હીથી દોડી આવતા હતા. તેઓ પાયાના કાર્યકર્તા સાથે બેસીને મધ્યસ્થી કરતા અને વિવાદોનું સુખદ નિરાકરણ લાવી પક્ષમાં નવી ઉર્જા ફૂંકતા હતા. તેનાથી વિપરીત, મુમતાઝ પટેલે દિલ્હીના એરકન્ડિશન્ડ રૂમમાં બેસીને માત્ર સોશિયલ મીડિયાના સહારે શિખામણ આપવાનું મુનાસિબ માન્યું છે. રાજકીય વિશ્લેષકોના મતે, જો મુમતાઝ પટેલે ‘ભરૂચની દીકરી’ બનીને મેદાનમાં ઉતરી નારાજ જૂથો સાથે રૂબરૂ વાત કરી હોત, તો કદાચ પક્ષની ખરડાતી છબી બચાવી શકાઈ હોત.
શિસ્ત કે મજબૂરી?
મુમતાઝ પટેલની કડક પોસ્ટ બાદ પક્ષમાં ગણગણાટ શરૂ થયો છે કે, જો કાર્યકરોમાં પોતે જ વિવાદ ઉકેલવાની સૂઝબૂઝ હોત તો આ મામલો મીડિયા સુધી પહોંચ્યો જ ન હોત. જ્યારે ઘરનો વિવાદ શેરીએ પહોંચે ત્યારે ઘરના વડીલે મધ્યસ્થી કરવી પડે, પરંતુ અહીં મુમતાઝ પટેલની દખલગીરીનો અભાવ અને માત્ર આદેશાત્મક વલણ કોંગ્રેસની પડતીનું કારણ બની શકે છે.
ચૂંટણીના જંગમાં જ્યારે એક-એક મતના ફાંફા છે, ત્યારે મુમતાઝ પટેલના આ ‘સોશિયલ મીડિયા મેનેજમેન્ટ’થી ગ્રાઉન્ડ લેવલના કાર્યકરોમાં હતાશા જોવા મળી રહી છે. શું માત્ર આદેશો આપવાથી ભરૂચમાં કોંગ્રેસની ડૂબતી નૈયા પાર ઉતરશે? એ તો આવનારો સમય જ બતાવશે, પરંતુ હાલમાં તો અહમદ પટેલની ગેરહાજરી ભરૂચ કોંગ્રેસને ભારે પડી રહી હોય તેવું સ્પષ્ટ જણાય છે.

