સાવધાન! ભારતે AI અને મેન્યુફેક્ચરિંગમાં હવે લેવા પડશે મોટા નિર્ણય, બર્નસ્ટીનના રિપોર્ટમાં કરવામાં આવ્યો ચોંકાવનારો ખુલાસો
વૈશ્વિક બ્રોકરેજ ફર્મ બર્નસ્ટીન (Bernstein) દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ખુલ્લો પત્ર લખવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૯ પછી આ પહેલીવાર છે જ્યારે આટલી મોટી સંસ્થાએ સીધો પત્ર લખીને ભારતના ભવિષ્યના વિકાસ માટેના પાયાના પડકારો અને નીતિગત પ્રાથમિકતાઓ વિશે વાત કરી હોય. ૨૩ એપ્રિલ ૨૦૨૬ ના રોજ જાહેર થયેલા ‘ઇન્ડિયા સ્ટ્રેટેજી’ રિપોર્ટમાં જણાવાયું છે કે, ભારત મેક્રો-ઇકોનોમિક રીતે ચોક્કસપણે પ્રગતિ કરી રહ્યું છે, પરંતુ કેટલાક એવા વણઉકેલ્યા પ્રશ્નો છે જે દેશની લાંબા ગાળાની ક્ષમતાને અવરોધી શકે છે.
રોજગાર અને AI: ભારત સામેનો સૌથી મોટો પડકાર
આ પત્રનો મુખ્ય વિષય રોજગાર અને તેમાં પણ ખાસ કરીને ‘જનરેટિવ AI’ નો પ્રભાવ છે. બર્નસ્ટીને હાઈલાઈટ કર્યું છે કે ભારતનું અત્યાર સુધીનું મોડેલ આઈટી (IT) અને બીપીઓ (BPO) સેક્ટર પર આધારિત રહ્યું છે. પરંતુ જેમ-જેમ ઓટોમેશન વધી રહ્યું છે, તેમ-તેમ આ સેક્ટરમાં જોખમ પણ વધી રહ્યું છે.
રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે ભારત AI ઈકોનોમીમાં માત્ર ‘વપરાશકર્તા’ (User) બનીને રહી જાય તેવું જોખમ છે, જ્યારે તેની મુખ્ય તાકાત અને નફો અમેરિકા અને ચીન જેવા દેશો પાસે છે. જો ભારતને આ રેસમાં ટકી રહેવું હોય, તો તેણે પોતાના દેશમાં જ AI મોડલ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું પડશે.
મેન્યુફેક્ચરિંગ, ખેતી અને ઉર્જા ક્ષેત્રે નબળાઈઓ
બર્નસ્ટીને ભારતના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. પીએલઆઈ (PLI) જેવી યોજનાઓ છતાં, જીડીપીમાં મેન્યુફેક્ચરિંગનો હિસ્સો હજુ પણ ઓછો છે અને રોજગારીનું સર્જન પૂરતું નથી. ‘ચાઈના+૧’ (China+1) ની તક વિશે જે વાતો થાય છે, તે હજુ સુધી વાસ્તવિક રોજગારીમાં પરિવર્તિત થઈ નથી.
ખેતી ક્ષેત્રે પણ માળખાકીય ખામીઓ જોવા મળી રહી છે. દેશની આશરે ૪૨-૪૫% વસ્તી હજુ પણ ખેતી પર નિર્ભર છે, જ્યારે જીડીપીમાં તેનો ફાળો માત્ર ૧૫-૧૬% જ છે. આનો અર્થ એ થયો કે ખેતીમાં સિંચાઈ, સબસિડી અને સપ્લાય ચેઈનમાં તાત્કાલિક સુધારાની જરૂર છે. બીજી તરફ, ભારત હજુ પણ ૮૮% ક્રૂડ ઓઈલની આયાત પર નિર્ભર છે, જેના માટે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ અને સ્વચ્છ ઉર્જા તરફ ઝડપથી વળવું અનિવાર્ય છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર, R&D અને ટેક્સેશન પર ભાર
પત્રમાં સૂચન કરવામાં આવ્યું છે કે ભારતે એવિએશન (હવાઈ સેવા) કરતા રેલવે અને માસ ટ્રાન્ઝિટ સિસ્ટમ પર વધુ ધ્યાન આપવું જોઈએ, કારણ કે રેલવે ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે. રિસર્ચ અને ડેવલપમેન્ટ (R&D) માં ભારતનો ખર્ચ જીડીપીના માત્ર ૦.૬-૦.૭% જ છે, જે સેમિકન્ડક્ટર અને એડવાન્સ મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં નવીનતા માટે અવરોધરૂપ છે.
નાણાકીય નીતિ અંગે બર્નસ્ટીને ચેતવણી આપી છે કે વિવિધ રાજ્યો દ્વારા આપવામાં આવતી ‘કેશ ટ્રાન્સફર’ (રોકડ સહાય) યોજનાઓ લાંબા ગાળે ઉત્પાદકતા ઘટાડી શકે છે. આવા ખર્ચાઓને બદલે મૂડીગત ખર્ચ (Capital Expenditure) પર વધુ ધ્યાન આપવું જોઈએ જે લાંબા ગાળે દેશને મજબૂત બનાવે.
નિર્ણાયક નીતિગત પગલાંની જરૂરિયાત
પત્રના અંતે બર્નસ્ટીને ભારપૂર્વક જણાવ્યું છે કે ભારત પાસે મૂડી, પ્રતિભા કે મહત્વાકાંક્ષાની કોઈ કમી નથી, પરંતુ હવે જરૂર છે ‘ઝડપી અમલીકરણ’ (Policy Execution) ની. જો સુધારાઓમાં વિલંબ થશે, તો ભારત તેની ક્ષમતા મુજબનો ગ્રોથ હાંસલ કરી શકશે નહીં.
આ પત્ર માત્ર સરકાર માટે જ નહીં પણ રોકાણકારો માટે પણ એક રોડમેપ સમાન છે, જે આગામી દાયકાના ભારત સામેના જોખમો અને તકોનો ચિતાર આપે છે. હવે ભારતે ક્રમિક પ્રગતિને બદલે માળખાકીય પરિવર્તન (Structural Transformation) તરફ જોવાની જરૂર છે.

