સૂર્યના કિરણો DNA ને નહીં પણ આ વસ્તુને કરે છે નુકસાન, જાણીને ચોંકી જશો
આપણી ત્વચા એ શરીરનું સૌથી મોટું અંગ છે, જે ધૂળ, જંતુઓ અને પર્યાવરણના હાનિકારક તત્વો સામે રક્ષણ આપે છે. જોકે, ત્વચા હંમેશા બહારના વાતાવરણના સંપર્કમાં રહેતી હોવાથી તેને સૂર્યના અલ્ટ્રાવાયોલેટ (UV) કિરણોનો સામનો કરવો પડે છે. આ કિરણોને કારણે સનબર્ન, ત્વચાને લાંબા ગાળાનું નુકસાન અને કેન્સર જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.
અત્યાર સુધી વિજ્ઞાન જગતમાં એવું માનવામાં આવતું હતું કે સનબર્ન થવા પાછળનું મુખ્ય કારણ ‘ડીએનએ’ (DNA) ને થતું નુકસાન છે. પરંતુ, તાજેતરમાં યુનિવર્સિટી ઓફ કોપનહેગન અને સિંગાપોરની નાન્યાંગ ટેકનોલોજીકલ યુનિવર્સિટી (NTU) ના સંશોધકોએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ સંશોધન મુજબ, સનબર્ન માટે DNA નહીં, પણ ‘આરએનએ’ (RNA) જવાબદાર છે.
DNA અને RNA વચ્ચેનો તફાવત
આ નવા સંશોધનને સમજવા માટે પહેલા DNA અને RNA વચ્ચેનો તફાવત જાણવો જરૂરી છે. DNA એ આપણા શરીરનો કાયમી બ્લુપ્રિન્ટ (નકશો) છે, જે પેઢી દર પેઢી માહિતી પહોંચાડે છે. તેની સરખામણીમાં RNA વધુ ગતિશીલ અને ક્ષણિક હોય છે.
RNA માં પણ ‘મેસેન્જર RNA’ (mRNA) ખૂબ જ મહત્વનું છે. તેનું કામ DNA માંથી માહિતી લઈને પ્રોટીન બનાવવાનું છે. પ્રોટીન એ આપણા કોષોના નિર્માણ માટેના પાયાના પથ્થરો છે. સરળ શબ્દોમાં કહીએ તો, DNA એક પુસ્તક છે અને RNA એ તે પુસ્તકમાંથી માહિતી લઈ કામ કરનાર સંદેશવાહક છે.
નવું સંશોધન શું કહે છે?
અત્યાર સુધીના પાઠ્યપુસ્તકોમાં ભણાવવામાં આવતું હતું કે જ્યારે સૂર્યના કિરણો ત્વચા પર પડે છે, ત્યારે તે DNA ને નુકસાન પહોંચાડે છે, જેના કારણે કોષો નાશ પામે છે અને સોજો (Inflammation) આવે છે. જેને આપણે સનબર્ન કહીએ છીએ.
પરંતુ આસિસ્ટન્ટ પ્રોફેસર અન્ના કોન્સ્ટન્સ વિન્ડના જણાવ્યા અનુસાર, “અમે એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે સનબર્નની તાત્કાલિક અસરો પાછળ RNA ને થતું નુકસાન જવાબદાર છે, DNA નહીં.” સંશોધકોએ શોધી કાઢ્યું કે UV કિરણો સૌથી પહેલા RNA ને નુકસાન પહોંચાડે છે અને આ નુકસાન જ શરીરને ચેતવણી આપે છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે.
ZAK-આલ્ફા: કોષોનો ચોકીદાર
આ પ્રક્રિયામાં ‘ZAK-alpha’ નામનું પ્રોટીન સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે UV કિરણોને કારણે RNA ને નુકસાન થાય છે, ત્યારે તે રિબોઝોમ્સ (પ્રોટીન બનાવવાનું કામ કરતા કોષના અંગો) માં વિક્ષેપ પાડે છે. ZAK-alpha આ નુકસાનને ઓળખી લે છે અને તરત જ ‘રિબોટોક્સિક સ્ટ્રેસ રિસ્પોન્સ’ શરૂ કરે છે.
પ્રોફેસર સિમન બેકર-જેન્સેન સમજાવે છે કે, “ZAK-alpha એક સતર્ક ચોકીદાર જેવું છે. જેવું તે જોવે છે કે RNA ને નુકસાન થયું છે, તે તરત જ મદદ માટે સંદેશો મોકલે છે, જેના કારણે સોજો આવે છે અને ક્ષતિગ્રસ્ત કોષો મૃત્યુ પામે છે જેથી નુકસાન આગળ ન વધે.”
સંશોધકોએ ઉંદર પર કરેલા પ્રયોગોમાં જોયું કે જ્યારે શરીરમાંથી ZAK જનીન દૂર કરવામાં આવ્યું, ત્યારે સૂર્યપ્રકાશમાં રહેવા છતાં સનબર્ન કે સોજા જેવી અસરો જોવા મળી નહોતી. આ સાબિત કરે છે કે સનબર્નની સમગ્ર પ્રક્રિયા આ એક જ પ્રોટીન અને તેના દ્વારા મોનિટર થતા RNA પર નિર્ભર છે.
આ શોધ કેમ મહત્વની છે?
આ એક પ્રકારનો ‘પેરાડાઈમ શિફ્ટ’ એટલે કે મૂળભૂત માન્યતામાં મોટો ફેરફાર છે. અત્યાર સુધી આપણે માનતા હતા કે RNA એટલું મહત્વનું નથી કારણ કે તે કાયમી પરિવર્તન (Mutations) લાવતું નથી. પરંતુ હવે ખબર પડી છે કે તે ત્વચાના રક્ષણ માટેની પ્રથમ સંરક્ષણ પ્રણાલી (Defense System) છે.
DNA ને થતું નુકસાન ગંભીર છે કારણ કે તે આવનારી પેઢીના કોષોમાં પણ ઉતરે છે, પરંતુ RNA ડેમેજ એ શરીરને તરત જ સજાગ કરવાનો રસ્તો છે. આ શોધથી ભવિષ્યમાં સનબર્ન અને ત્વચાના કેન્સરની સારવારમાં નવી દિશાઓ ખુલી શકે છે.

