બાળકો AI સાથે શું વાતો કરે છે? મેટાનું નવું ટૂલ હવે પેરેન્ટ્સને આપશે દરેક અપડેટ, જાણો ભારતમાં ક્યારે થશે લોન્ચ
આજના સમયમાં બાળકો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ઉપલબ્ધ AI ચેટબોટ્સ સાથે કલાકો સુધી વાતો કરતા હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મેટાએ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને મેસેન્જર માટે નવા ‘પેરેન્ટલ કંટ્રોલ’ (Parental Control) ફીચર્સ જાહેર કર્યા છે. આ ટૂલની મદદથી હવે માતાપિતા જાણી શકશે કે તેમનું બાળક AI સાથે કયા વિષયો પર ચર્ચા કરી રહ્યું છે.
કેવી રીતે કામ કરશે આ નવું ટૂલ?
મેટાએ તેના પ્લેટફોર્મ પર એક નવી ‘ઇન્સાઇટ ટેબ’ (Insight Tab) ઉમેરી છે. આ ટેબ પેરેન્ટ્સને નીચે મુજબની માહિતી પૂરી પાડશે:
મુખ્ય વિષયોની યાદી: માતાપિતા જોઈ શકશે કે તેમના બાળકે AI ને કયા પ્રકારના પ્રશ્નો પૂછ્યા છે. જોકે, પ્રાઈવસી જાળવવા માટે મેટા આખું ચેટ બતાવવાને બદલે માત્ર ‘ટોપિક્સ’ (વિષયો) ની યાદી બતાવશે.
7 દિવસનો રિપોર્ટ: આ ટેબમાં છેલ્લા 7 દિવસનો ડેટા જોવા મળશે, જેનાથી પેરેન્ટ્સ બાળકની રિસેન્ટ પ્રવૃત્તિઓ પર નજર રાખી શકશે.
સેન્સિટિવ ટોપિક ફિલ્ટર: જો કોઈ બાળક સેન્સિટિવ કે અયોગ્ય વિષય પર સવાલ પૂછશે, તો AI સિસ્ટમ તેને સીધો જવાબ આપવાને બદલે અટકાવી દેશે અને તે વિષય વિશે પેરેન્ટ્સને જાણ કરવામાં આવશે.
ખાસ સેફ્ટી ફીચર: ખતરો હશે તો તરત જ જશે એલર્ટ
મેટા આ ટૂલને વધુ સુરક્ષિત બનાવવા માટે ‘રિયલ ટાઈમ એલર્ટ’ પર કામ કરી રહ્યું છે. જો કોઈ ટીન યુઝર (કિશોર) AI પાસે પોતાને નુકસાન પહોંચાડવા કે માનસિક તણાવ સંબંધિત ગંભીર પ્રશ્નો પૂછશે, તો સિસ્ટમ તરત જ તેના પેરેન્ટ્સને નોટિફિકેશન મોકલશે. આ ફીચર પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોની માનસિક સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.
AI વેલબીઈંગ એક્સપર્ટ કાઉન્સિલની રચના
બાળકો માટે AI એક્સપિરિયન્સને વધુ બહેતર બનાવવા માટે મેટાએ એક સ્પેશિયલ કાઉન્સિલ પણ બનાવી છે. આ કાઉન્સિલમાં મેન્ટલ હેલ્થ એક્સપર્ટ્સ, યુથ સેફ્ટી નિષ્ણાતો અને જવાબદાર AI ના નિષ્ણાતો સામેલ છે. આ ટીમ સતત એ બાબત પર નજર રાખશે કે AI બાળકો માટે કોઈ પણ રીતે જોખમી સાબિત ન થાય.
ભારતમાં ક્યારે થશે લોન્ચ?
અત્યારે મેટાએ આ ફીચરને અમેરિકા, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને બ્રાઝિલ જેવા દેશોમાં રોલ આઉટ કર્યું છે. ભારતમાં કરોડો સોશિયલ મીડિયા યુઝર્સ છે, તેથી આ ફીચર ભારત માટે પણ ખૂબ જ મહત્વનું છે. અહેવાલો મુજબ, આગામી જુલાઈ કે ઓગસ્ટ 2026 સુધીમાં આ પેરેન્ટલ કંટ્રોલ ટૂલ ભારતીય યુઝર્સ માટે પણ ઉપલબ્ધ થઈ શકે છે.

