શેરબજારમાં ધમાકો કરવાની તૈયારીમાં રિલાયન્સ! ₹1.6 લાખ કરોડનું નવું રોકાણ અને જિયો આઇપીઓ પર આવ્યું મોટું અપડેટ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કરોડો રોકાણકારો અને શેરબજારના જાણકારો જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે તે ‘રિલાયન્સ જિયો’ (Jio Platforms) ના આઇપીઓ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. જોકે, આ સમાચાર રોકાણકારો માટે થોડી નિરાશાજનક હોઈ શકે છે, કારણ કે જિયોની શેરબજારમાં એન્ટ્રી હવે ધાર્યા કરતા મોડી થઈ શકે તેમ છે. ફિચ ગ્રુપની જાણીતી કંપની ‘ક્રેડિટસાઇટ્સ’ (CreditSights) ના તાજા અહેવાલ મુજબ, પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૌગોલિક તણાવને કારણે આ મેગા આઇપીઓ હવે વર્ષ ૨૦૨૭ ના બીજા ભાગ (Second Half of FY27) સુધી લંબાઈ શકે છે.
આઇપીઓ દ્વારા ₹૩૭,૫૦૦ કરોડ ઉભા કરવાની તૈયારી
બજારમાં ચાલી રહેલી ચર્ચાઓ મુજબ, મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પોતાની ડિજિટલ પાંખ ‘જિયો’ માં ૨.૫ થી ૩ ટકા હિસ્સો વેચીને અંદાજે ૪ અબજ ડોલર એટલે કે આશરે ૩૭,૫૦૦ કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. હાલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જિયો પ્લેટફોર્મ્સમાં ૬૭ ટકા હિસ્સો ધરાવે છે.
આ આઇપીઓ દ્વારા મળનારી રકમનો ઉપયોગ કંપની દેવું ચૂકવવા અને ભવિષ્યના મોટા પ્રોજેક્ટ્સ (Capex) માટે કરવા માંગે છે. આ વ્યૂહાત્મક પગલાથી ટેલિકોમ ક્ષેત્રે ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા સામે જિયોની સ્થિતિ વધુ મજબૂત બનશે.
નાણાકીય વર્ષ ૨૦૨૭ માં વિસ્તરણનો મોટો પ્લાન
ક્રેડિટસાઇટ્સના રિપોર્ટ અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નાણાકીય વર્ષ ૨૦૨૭ માં તેના કેપિટલ એક્સપેન્ડિચર (Capex) માં જંગી વધારો કરી શકે છે. કંપની પોતાનું રોકાણ ૧.૩ લાખ કરોડથી વધારીને ૧.૫ થી ૧.૬ લાખ કરોડ રૂપિયા સુધી લઈ જઈ શકે છે. આ ભારે-ભરખમ રોકાણ મુખ્યત્વે નીચેના ક્ષેત્રોમાં કરવામાં આવશે:
-
રિન્યુએબલ એનર્જી: કચ્છમાં ૧૫૦ ગીગાવાટના સોલર અને ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ્સ પર કામ ઝડપથી ચાલી રહ્યું છે.
-
ડેટા સેન્ટર્સ: આગામી થોડા સમયમાં કંપની તેના ડેટા સેન્ટર બિઝનેસને લઈને મોટી જાહેરાતો કરી શકે છે.
-
પેટ્રોકેમિકલ્સ: પોતાની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે રિલાયન્સ સતત આ ક્ષેત્રમાં મૂડી રોકાણ કરી રહી છે.
ટ્રમ્પની ‘૩૦૦ અબજ ડોલર’ ની ડીલનું સત્ય શું છે?
તાજેતરમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરવામાં આવેલા ૩૦૦ અબજ ડોલરના “ઐતિહાસિક સોદા” અંગે પણ આ અહેવાલમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. ક્રેડિટસાઇટ્સના જણાવ્યા મુજબ, આ રકમ કોઈ રોકડ રોકાણ નથી, પરંતુ રિલાયન્સ દ્વારા આગામી ૨૦ વર્ષોમાં અમેરિકા પાસેથી ખરીદવામાં આવનારા શેલ ઓઈલ અને રિફાઈન્ડ ઉત્પાદનોની કુલ અંદાજિત કિંમત છે. વાસ્તવમાં આ પ્રોજેક્ટ્સ માટે રિલાયન્સનું રોકાણ (Capex) ૧ અબજ ડોલર એટલે કે આશરે ૯,૪૦૦ કરોડ રૂપિયા થી પણ ઓછું રહેવાની શક્યતા છે.
O2C અને ટેલિકોમ સેક્ટરમાં તેજીની આશા
વૈશ્વિક અનિશ્ચિતતાઓ છતાં રિલાયન્સના વિવિધ બિઝનેસ સેગમેન્ટ્સમાં મજબૂત વૃદ્ધિની અપેક્ષા છે:
૧. ઓઈલ-ટુ-કેમિકલ (O2C): પશ્ચિમ એશિયાના સંકટને કારણે ટ્રાન્સપોર્ટ ફ્યુઅલના માર્જિનમાં વધારો થઈ રહ્યો છે, જેનો સીધો ફાયદો રિલાયન્સને નિકાસ બજારમાં મળી શકે છે.
૨. ટેલિકોમ: નાણાકીય વર્ષ ૨૦૨૭ ના બીજા ભાગમાં મોબાઈલ પ્લાનના દરોમાં (Tariff Hike) વધારો થઈ શકે છે. આ સિવાય કંપનીને ૪-૫% ની ઓર્ગેનિક વૃદ્ધિની આશા છે.
૩. રિટેલ: નવા સ્ટોર્સ ખૂલવાને કારણે અને જૂના સ્ટોર્સની કાર્યક્ષમતા વધવાથી રિટેલ સેક્ટરમાં પણ સારી આવક થવાનો અંદાજ છે.

